Chitralok

ડાયવર્સિફિકેશન કા હૈ જમાના: ફિલ્મી બેનરો માત્ર ફિલ્મો જ બનાવવી પર્યાપ્ત નથી

By GS Team
3 Sep 20263 mins read
ડાયવર્સિફિકેશન કા હૈ જમાના: ફિલ્મી બેનરો માત્ર ફિલ્મો જ બનાવવી પર્યાપ્ત નથી
  • હિન્દી ફિલ્મોનાં મોટા પ્રોડક્શન હાઉસોએ હવે સ્વીકારી લીધું છે કે એકલા ફિલ્મ મેકિંગથી તેમનો દિ' વળવાનો નથી. બેનરને ટકાવી રાખવું અને વિકસાવવું હશે તો સમયની માગ પ્રમાણે કાંઈક નવું કરવું પડશે.

બોલિવુડમાં ફિલ્મોનો બોક્સ ઓફિસ બિઝનેસ દિવસો દિવસ વધુને વધુ અનપ્રેડિકટેબલ બનતો જાય છે. તાજો દાખલો સ્વતંત્રતા દિવસ ટાંકણે સિનેમાઘરોમાં રિલિઝ થયેલી 'બટવારા ૧૯૪૭' અને 'આવારાપન-ટુ'નો આપી શકાય. આમિર ખાન પ્રોડક્શન્સની 'બટવારા' એક મોટી સ્ટારકાસ્ટ ધરાવતી બિગ બજેટ ફિલ્મ છે. રાજકુમાર સંતોષી જેવા ટોપના ડિરેક્ટરની આ ફિલ્મના પ્રમોશનમાં કોઈ કસર નથી છોડાઈ. જ્યારે ઈમરાન હાશ્મી સ્ટારર 'આવારાપન-ટુ' નાના બજેટમાં બનેલી મૂવી છે અને એના પ્રમોશન કે પબ્લિસિટી પાછળ મામૂલી ખર્ચ કરાયો છે. છતાં પહેલા વીકના કલેક્શનમાં 'બટવારા' કરતા 'આવારાપન-૨' આગળ નીકળી ગઈ. હિન્દી ફિલ્મોના મોટા પ્રોડક્શન હાઉસોએ હવે સ્વીકારી લીધું છે કે એકલા ફિલ્મ મેકિંગથી આપણો દી વળવાનો નથી. આપણાં બેનરને ટકાવી રાખવા અને વિકસાવવા સમયની માગ પ્રમાણે કાંઈક નવું કરવું પડશે. એટલે ફિલ્મમેકર્સે ડાયવર્સિફિકેશનનો માર્ગ અપનાવ્યો છે. તેમણે સિનેમાને લગતા સબસિડિયરી બિજનેસ શરૂ કર્યા છે.
ડાયવર્સિફિકેશનની દિશાનું સૌથી પહેલું પગલું પોતાનું મ્યુઝિક લેબલ શરૂ કરવાનું છે. છેલ્લા થોડા માસમાં પ્રતિષ્ઠિત મૂવી પ્રોડક્શન કંપનીઓએ પોતાના મ્યુઝિક લેબલ લોન્ચ કર્યા છે. ૧૯૭૦માં સ્થપાયેલી યશ રાજ ફિલ્મસ (વાયઆરએફ)એ હજુ હમણાં જ ૪ ઓગસ્ટે પોતાનું નવું રેકોર્ડ લેબલ રાહ રેકોર્ડસ લોન્ચ કર્યું. એના બીજા જ દિવસે બેનરે સિંગર-સોંગ રાઈટર અમાનનો પહેલો ઓરિજિનલ ટ્રેક 'જાદુગરી' રિલિઝ કર્યો.જ્યારે ફરહાન અખતર અને રિતેશ સિધવાનીના બેનર એક્સલ એન્ટરટેઈનમેન્ટે પણ ૩ ઓગસ્ટે એકસલ મ્યુઝિક નામે નવું મ્યુઝિક લેબલ લોન્ચ કર્યું. આ લેબલ હેઠળ એક્સલ એન્ટરટેઈનમેન્ટ અને અમેઝોન એમજીએમ સ્ટુડિયોઝે 'મિર્ઝાપુર : ધ મૂવી'ના સાઉન્ડ ટ્રેક આલ્બમમાંથી પહેલું ગીત 'દો નંબરી' રિલિઝ કર્યું. એ ગીત હરિયાણાની મ્યુઝિક ઇન્ડસ્ટ્રીમાં એક મોટું માથું ગણાતા ધાન્ડા ન્યોલીવાલાએ પોતે લખ્યું છે, ગાયું છે અને કમ્પોઝ કર્યું છે.
'કમાન્ડો' અને 'ફોર્સ' જેવી હિટ ફિલ્મો બનાવનાર વિપુલ શાહની સનસાઈન પિકચર્સે પણ પોતાનું મ્યુઝિકલ લેબલ સનસાઈન મ્યુઝિક લોન્ચ કર્યું છે. જ્યારે 'કુલી નં.૧' અને 'હીરો નં.૧' જેવી ટંકશાળ પાડનાર ફિલ્મો પ્રોડયુસ કરનાર વાસુ ભગનાનીના બેનર પૂજા ફિલ્મસે સ્પેશ્યલાઈઝ્ડ ઓડિયો કન્ટેન્ટ માટે 'જસ્ટ મ્યુઝિક' અને 'જસ્ટ પૂજા' નામના બે લેબલ્સ રાખ્યા છે.
અહીં નોંધવું ઘટે કે બધા પ્રોડક્શન હાઉસો માત્ર મ્યુઝિક લેબલ્સ લોન્ચ કરીને બેસી નથી રહ્યા. એમણે બિજનેસના ડાયવર્સિફિકેશન માટે બીજા માર્ગો પણ અપનાવ્યા છે. દાખલા તરીકે, એકતા કપૂરની બાલાજી ટેલિફિલ્મસે પોતાની ટેલેન્ટ મેનેજમેન્ટ ફર્મ ખોલી છે. આ ઉપરાંત કંપનીએ જ્યોતિષ (એસ્ટ્રોલોજી) સંબંધી એપ બાલાજી એસ્ટ્રો ગાઈડ પણ લોન્ચ કરી છે. જ્યારે કરણ જોહરના ધર્મા પ્રોડક્શન્સે એકટર્સના પ્રોફેશન મેનેજ કરવા ધર્મા કોલેબ આર્ટિસ્ટ એજન્સી રાખી છે. અક્ષય કુમારની 'એરલિફ્ટ' અને 'ટોઈલેટ : એક પ્રેમકથા' જેવી ફિલ્મોના મેકર એબનડન્સિયા એન્ટરટેઈનમેન્ટે એક નવું ડિવિઝન ખોલ્યું છે. - એબનડન્સિયા એવન નામનું આ નવું ક્રિયેટીવ ડિવિઝન આર્ટિફિશ્યલ ઈન્ટેલીજન્સ (એઆઈ) મારફત સ્ટોરીટેલિંગની એક નવી ટેકનિક આપશે.
લાખ રૂપિયાનો સવાલ એ છે કે ઈન્ડસ્ટ્રીના પ્રતિષ્ઠિત બેનરોને બિઝનેસ ડાયવર્સિફિકેશનની જરૂરિયાત શા માટે વર્તાઈ? ડાયવર્સિફિકેશન માટે એકલું ફિલ્મોનું અનપ્રેડિકટેબલ કલેક્શન જવાબદાર નથી. એ માટે તાજેતરના વરસોમાં થયેલા બે મોટા કોલોબરેશન પણ કારણભૂત છે. સૌ જાણે છે એમ યુનિવર્સલ મ્યુઝિક ગુ્રપે ફરહાનની એક્સલ એન્ટરટેઈનમેન્ટમાં માઇનોરિટી સ્ટેક મેળવવા રૃા.૮૦૦ કરોડ ઈન્વેસ્ટ કર્યા છે. જ્યારે અદાર પૂનાવાલાના સિરીન પ્રોડક્શન્સે કરણ જોહરના ધર્મા પ્રોડક્શન્સનો ૫૦ ટકા સ્ટેક મેળવવા રૃા.૧૦૦૦ કરોડનું રોકાણ કર્યું છે. જો આવી મોટી કોરપોરેટ કંપનીઓને પોતાના પ્રોડક્શન હાઉસમાં રોકાણ કરવા આકર્ષવી હોય તો સ્ટેડી ઈન્કમ બતાવવી પડે. એટલે ફિલ્મમેકર્સ ડાયવર્સિફિકેશન તરફ વળી રહ્યા છે.