પ્રતીક ગાંધીને ના પાડવાનું બહુ મુશ્કેલ લાગે છે

- 'ક્યારેક તમે કોઈ ફિલ્મમેકરને એમ કહીને ટાળવાનો પ્રયત્ન કરો છો કે મારી પાસે હમણાં ડેટ્સ નથી. એ સાંભળીને તે કહે છે કે તમને સ્ક્રિપ્ટગમી હોય તો ડેટ્સ બાબતમાં અમે એડજસ્ટ કરી લઈશું.'
પ્રતીક ગાંધી માટે આજે કામની કોઈ કમી નથી. ગુજરાતી અભિનેતા પ્રોજેક્ટ્સની ઓફર્સ સ્વીકારવા કરતા વધુ નકારી રહ્યો છે. આડેધડ ઢગલામોઢે ઓફર્સ સ્વીકારવામાં પ્રતીકને રસ નથી. બોલિવુડમાં ના પાડવાનું કેટલું મુશ્કેલ છે એ વિશે વાત કરતા ગુજરાતી રંગભૂમિ અને ફિલ્મોમાં ઘડાયેલો ગાંધી કહે છે, 'ક્યારેક તમે કોઈ ફિલ્મમેકરને એમ કહીને ટાળવાનો પ્રયત્ન કરો છો કે મારી પાસે હમણાં ડેટ્સ નથી. એ સાંભળીને તે કહે છે કે તમને સ્ક્રીપ્ટ ગમી હોય તો ડેટ્સ બાબતમાં અમે એડજસ્ટ કરી લઈશું. એ તબક્કે એકટરે સાચુ કારણ કહેવું પડે છે. પરંતુ એણે સાથોસાથ એ વાતનું પણ ધ્યાન રાખવું પડે છે કે સામી વ્યક્તિ હતાશ ન થઈ જાય અને એને માઠું ન લાગે. આ બધું સમજીને હું દરેક સ્ક્રીપ્ટના ૧૦૦થી ૧૨૦ પાના ધ્યાનથી વાંચી જાઉં છું. એટલા માટે કે ના પાડવા માટે મારી પાસે કારણો હોવા જોઈએ. એકવાર તમે ના પાડો એટલે સામી વ્યક્તિ તમને એનું કારણ તો પૂછવાની જ છે. ઈન શોર્ટ, આ બધામાં મારો ઘણો સમય ખર્ચાઈ જાય છે પરંતુ એના બદલામાં મને ઘણી બધી સ્ટોરીઝ વાંચવા મળે છે, બહુ બધુ જાણવા મળે છે.'
દરમિયાન, પ્રતીક ગાંધીની સીધી ઓટીટી પર રિલિઝ થયેલી તિંગ્માશુ ધુલિયા દિગ્દર્શિત ફિલ્મ 'ધમાસાન' હાલ ચર્ચામાં છે. જ્યારે એક્ટર કોમેડી મૂવી 'મડગાંવ એક્સપ્રેસ' (૨૦૨૪)ની સિકવલનું ટૂંક સમયમાં શુટિંગ શરૂ કરવાનો છે. બીજી તરફ, પ્રતીકની મહત્ત્વાકાંક્ષી વેબ-સિરિઝ 'ગાંધી'ના પ્રસારણની આતુરતાથી રાહ જોવાઈ રહી છે. સીરિઝમાં પ્રતીક મહાત્મા ગાંધી અને એના પત્ની ભામિની ઓઝા કસ્તુરબાના રોલમાં છે. હંસલ મેહતા શોના ડિરેક્ટર છે.




