ઈશિતા દત્તા શેઠ: અભિનેત્રીએ ઉઘાડયું પ્રસૂતિ પછી પાતળા થવાનું રહસ્ય

- 'મને કહેવામાં આવ્યું કે 'દ્રશ્યમ' સિરીઝની આ છેલ્લી ફિલ્મ છે ત્યારે મારા મોઢામાંથી નીકળી ગયું હતું કે આ ફ્રેન્ચાઈઝીની વધુ એક ફિલ્મ બનશે તો એમાં કામ કરવા હું મર્ડર કરવા તૈયાર થઈ જઈશ…'
તાજેતરમાં આવેલી ફિલમ 'દ્રશ્યમ: ધ કન્કલુઝન' અભિનેત્રી ઈશિતા દત્તા માટે તેની કારકિર્દીના પ્રથમ પ્રકરણના સમાપન સમી બની રહી છે. ૧૨ વર્ષ પહેલાં ઈશિતાએ 'દ્રશ્યમ'થી જ હિન્દી ફિલ્મોમાં પોતાની કારકિર્દીનો શુભારંભ કર્યો હતો. તેમાં તેણે 'અંજુ સાલગાંવકર'ની ભૂમિકા ભજવી હતી. અભિનેત્રી કહે છે કે મારી આ સૌપ્રથમ ફિલ્મે જ મને ઓળખ આપી. મહત્ત્વની વાત એ છે કે 'દ્રશ્યમ: ધ કન્કલુઝન'ને જે લોકપ્રિયતા સાંપડી તે અમારા બધા માટે આશ્ચર્યજનક હતી. અમને કલ્પના પણ નહોતી કે દર્શકો કાગડોળે આ સિનેમાની રાહ જોઈ રહ્યાં છે. અલબત્ત, આ ફ્રેન્ચાઈસીની ત્રીજી ફિલ્મ સાથે મારી કારકિર્દીના આ અગત્યના પ્રકરણ પર પડદો પડી ગયો છે. પરંતુ કોઈપણ સારી સ્ટોરીનું યોગ્ય સમાપન હોવું ઘટે.
આ ફ્રેન્ચાઈસી પર ભલે પડદો પાડી દેવામાં આવ્યો હોય, પણ ઈશિતાના ફોનનું ઈનબોક્સ બીજી ઓક્ટોબરે ચોક્કસ પ્રકારના મેસેજથી છલકાતું રહે છે. અભિનેત્રી કહે છે કે દર વર્ષે બીજી ઓક્ટોબરે મારા વિદેશમાં રહેતા મિત્રો મને 'વેન્ટ ટુ સત્સંગ, એટ પાંવભાજી, વોચ્ડ અ મૂવી, ધન ટ્રક બસ.' ડાયલોગ અચૂક મોકલે છે. વાસ્તવમાં 'દ્રશ્યમ'નો આ ડાયલોગ એટલો લોકપ્રિય બન્યો છે કે મારા મિત્રો કવચિત મારો જન્મ દિવસ વિસરી જાય, પરંતુ બીજી ઓક્ટોબરે આ ડાયલોગ મોકલવાનું ક્યારેય નથી ચૂકતાં.
ઈશિતા ભલે મને મનાવવાકહેતી હોય કે સારી સ્ટોરીનું યોગ્ય સમાપન થવું રહ્યું. પરંતુ તેનું મન હજી પણ કચવાઈ રહ્યું છે. અભિનેત્રી કહે છે કે જ્યારે મને કહેવામાં આવ્યું કે આ ફિલ્મ 'દ્રશ્યમ'નું કન્કલુઝન છે ત્યારે મારા મોઢામાંથી નીકળી ગયું હતું કે આ ફ્રેન્ચાઈસીની વધુ એક ફિલ્મ બનાવો તો હું વધુ એક હત્યા કરવા તૈયાર છું.
'દ્રશ્યમ' ઈશિતાની કારકિર્દી સાથે અંગત જીવનમાં પણ ઘણાં સારા સંબંધો લઈને આવી. ફિલમમાં તેના પિતાની ભૂમિકા ભજવનાર અભિનેતા અજય દેવગણ અદાકારાના વાસ્તવિક જીવનમાં પણ પિતા સમાન બની ગયો. ઈશિતા કહે છે કે મારા અને અજય દેવગણના પરિવારો વચ્ચે પણ સ્નેહભર્યા સંબંધો બંધાઈ ગયા. મને તેમની સાથે આ ફ્રેન્ચાઈસી ઉપરાંત 'દે દે પ્યાર દે' (૨૦૨૫)માં પણ કામ કરવાની તક મળી. 'દ્રશ્યમ: ધ કન્કલુઝન' ઈશિતા માટે જેટલી ખુશી લઈને આવી એટલું જ ટેન્શન પણ ઢસડી લાવી હતી. અભિનેત્રી કહે છે કે હું 'દે દે પ્યાર દે-૨'નું શૂટિંગ કરી રહી હતી ત્યારે મારી ગર્ભાવસ્થાનો સાતમો મહિનો ચાલતો હતો. તે વખતે જ મને કહેવામાંં આવ્યું કે ચાર માસ પછી આપણને 'દ્રશ્યમ: ધ કન્કલુઝન'નું શૂટિંગ કરવાનું છે. સ્વાભાવિક રીતે જ મને સૌથી પહેલો વિચાર એ જ આવ્યો હતો કે પ્રસૂતિ પછી મારું વજન વધી ગયું હશે. આવી સ્થિતિમાં હું અજય દેવગણની પુત્રી જેવી શી રીતે દેખાઈશ? મને તેને માટે પૂરતી તૈયારી કરવી પડશે.
જોકે ઈશિતાની કિસ્મત તેની સાથે હતી. તે પ્રસૂતિ પછી તરત જ આટલી પાતળી શી રીતે થઈ તેનો ખુલાસો અદાકારાએ એક પોડકાસ્ટ દરમિયાન કર્યો હતો. તેણે કહ્યું હતું કે મારી ગર્ભાવસ્થાના છઠ્ઠા મહિનામાં જ મને અચાનક પેટમાં તીવ્ર દુખાવો ઉપડયો. મને તરત જ ડોક્ટર પાસે દોડી જવું પડયું. આવું ત્રણેક વખત બન્યું ત્યારે તબીબી તપાસ દરમિયાન મને ગોલબ્લેડરમાં પથરી હોવાનું જણાયું. ગર્ભાવસ્થામાં ન તો મારી સર્જરી થઈ શકે તેમ હતી કે ન ડોક્ટર મને દર્દશામક ગોળી આપી શકતા હતા. છેવટે જ્યારે જ્યારે મને તીવ્ર પીડા થતી ત્યારે ત્યારે મારી પાસે પીડા સહન કરવા સિવાય અન્ય કોઈ વિકલ્પ ન રહેતો.
અદાકારા વધુમાં કહે છે કે પ્રસૂતિના ૪૦ દિવસ પછી જ આ વ્યાધિ દૂર કરવાનો ઉપાય કરી શકાય એમ હતું. તબીબોએ મારી પુત્રીના જન્મના ૪૦ દિવસ પછી એક શસ્ત્રક્રિયા હાથ ધરીને મારું ગોલબ્લેડર કાઢી નાખ્યું. આ સઘળી પ્રક્રિયા દરમિયાન મારું વજન સાવ જ ઘટી ગયું. મઝાની વાત એ છે કે અનેક લોકો મને પૂછવા લાગ્યાં હતાં કે પ્રસૂતિ પછી આટલી ઝડપથી મેં વજન શી રીતે ઘટાડયું. હકીકતમાં મારી વ્યાધિએ મારું વજન ઘટાડી નાખ્યું હતું.




