ડેડી હો તો તુષાર કપૂર જૈસા

તુષાર કપૂર એક આદર્શ પિતા પુરવાર થયો છે. ૪૯ વરસના એક્ટરે કેટલાક પ્રસંગોમાં સાબિતી આપી છે કે મારા પુત્ર લક્ષ્યની ખુશી અને એનો ઉછેર મારા માટે ટોપ પ્રાયોરિટી છે. હમણાં અક્ષય કુમારની આગેવાની હેઠળની મલ્ટીસ્ટારર ફિલ્મ 'વેલકમ ટુ ધ જંગલ'ની પ્રમોશનલ ઈવેન્ટ્સમાં ફરી એકવાર આવો જ પ્રસંગ બન્યો. અક્ષય લીડ રોલમાં હોવાથી એ ફિલ્મના પ્રમોશન માટે આખા મુંબઈમાં ઘૂમી વળ્યો. જ્યારે એના સાથી કલાકારો સુનીલ સેટ્ટી, અર્શદ વારસી, દિશા પાટની અને જોની લિવર શહેરની એક બીચસાઇડ ફાઈવ સ્ટાર હોટલમાં પાપરાઝીઓને પોઝ આપતા અને મીડિયાને ઇન્ટરવ્યુજ આપતા જોવા મળ્યા. પરંતુ 'વેલકમ ટુ ધ જંગલ'ની લાંબીલચક કાસ્ટમાં સામેલ હોવા છતાં તુષાર પ્રમોશનલ ઈવેન્ટસમાંથી ગાયબ હતો.
એટલે ઈવેન્ટસમાં હાજર મીડિયાને પ્રશ્ન પડયો કે 'ગોલમાલ' ફ્રેન્ચાઈસની ફિલ્મોમાં કોમેડી કરીને બધાના દિલ જીતી લેનાર કપૂર કેમ ગેરહાજર છે? શું એને ફિલ્મમેકર્સ સાથે કોઈ વાંધો પડયો છે?
થોડી ખણખોદ કરતા જાણવા મળ્યું કે તુષાર વિદેશમાં વેકેશન પર ગયો છે. 'ફિલ્મની રિલિઝની તારીખ બબ્બે વાર પાછળ ઠેલાઈ છે અને તુષારે પોતાના ૧૦ વરસના પુત્ર લક્ષ્ય સાથે વેકેશન પર જવાનું પહેલેથી નક્કી કરી લીધું હોવાથી એ પ્રમોશનમાં હાજર નથી,' એવી માહિતી યુનિટના એક સભ્યએ આપી હતી.
સારાંશ એવો છે કે તુષારે પોતાના પ્રોફેશનલ કમિટમેંટ્સ કરતા લક્ષ્યને વેકેશન પર જવાના આપેલા પ્રોમિસને વધુ મહત્ત્વ આપ્યું છે. સૌ જાણે છે એમ જિતેન્દ્રના પુત્રે લગ્ન નથી કર્યા.
એને લગ્ન સંસ્થામાં બહુ વિશ્વાસ નથી, પરંતુ એને સંતાનના પિતા બનવાની પહેલેથી ઇચ્છા હતી. એટલે એણે આઈવીએફ અને સરોગસી મારફત પુત્ર મેળવ્યો છે. જિતેન્દ્ર અને એમની પુત્રી એકતા કપૂર પણ તુષારને એક આદર્શ ડેડી ગણાવી ચુક્યા છે.




