Chitralok

અતિ હૃષ્ટપુષ્ટ રવિ કિશને 18 કિલો વજન કેવી રીતે ઘટાડયું?

By GS Team
27 Aug 20263 mins read
અતિ હૃષ્ટપુષ્ટ રવિ કિશને 18 કિલો વજન કેવી રીતે ઘટાડયું?
  • 'હું સવારે ખાસ પ્રકારની કસરત, યોગાસન, પ્રાણાયામ કરું છું અને ઋતુ મુજબનાં ફળોનો રસ, સલાડ અને ડ્રાય ફ્રુટ્સ ખાઉં છું'

હિન્દી ફિલ્મ જગતમાં અમુક કલાકારોએ તેમનાં પાત્રને યોગ્ય ન્યાય આપવા માટે શરીરનું વજન વધાર્યું હોવાનાં અને વજન ઘટાડયું હોવાનાં ઉદાહરણ મળે છે. ફિલ્મ દંગલ(૨૦૧૬)માં આમિર ખાને તેના પહેલવાનના પાત્રને બરાબર ન્યાય આપવા માટે પોતાનું શરીર ભારેભરખમ બનાવી દીધું હતું. વજન વધારીને અને જુદી જુદી કસરત કરીને પહેલવાનની ભૂમિકા ભજવી છે.
હિન્દી અને ભોજપુરી ફિલ્મ જગતના સુપર સ્ટાર રવિ કિશનની કારકિર્દીમાં પણ આવી પરીક્ષા કહી શકાય તેવો તબક્કો આવ્યો છે.
રવિ કિશન કહે છે, મેં છેલ્લા થોડાક મહિના દરમિયાન લગભગ ૧૮ કિલો જેટલું વજન ઓછું કર્યું છે. મેં ફિલ્મ લાપતા લેડીઝ (૨૦૨૪) માં પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્યામ મનોહરનું પાત્ર ભજવ્યું છે. શ્યામ મનોહરની ભૂમિકા માટે મારે મારા શરીરનું વજન વધારવું પહ્યું હતું. મારું વજન ૯૦ કિલો થઇ ગયું હતું. આટલા બધા વજનને કારણે હું ગોળમટોળ અને જાડિયોપાડિયો થઇ ગયો હતો. હું હિન્દી અને ભોજપુરી એમ બંને ભાષાની ફિલ્મોમાં વિવિધ ભૂમિકાઓ ભજવી રહ્યો છું. સાથોસાથ હું લોક સભાના ગોરખપુર (ઉત્તર પ્રદેશ) મત વિસ્તારનો સંસદસભ્ય પણ છું. એક તરફ ફિલ્મો અને બીજી બાજુ રાજકીય ગતિવિધિ હોવાથી મારે સતત પ્રવાસ કરવો પડતો હતો. હું અતિ વ્યસ્ત રહેતો હતો અને હજી પણ રહું છું. મારાં આહાર, વિહાર, નિદ્રા બધું ચક્ર વેરવિખેર થઇ ગયું હતું. પરિણામે મારા શરીરનું વજન ૯૦ કિલો જેટલું વધી ગયું હતું.
કોઇપણ વ્યક્તિનું વજન ૯૦ કિલો જેટલું થઇ જાય તેનો અર્થ એવો થાય કે તેના શરીરમાં ચરબીનું પ્રમાણ વધી ગયું છે. તબીબી નિષ્ણાતોના કહેવા મુજબ ચરબી વધી જવાથી તો વ્યક્તિને જાતજાતની શારીરિક સમસ્યાઓ થાય. હું આ ચિંતાજનક પરિસ્થિતિથી બરાબર વાકેફ છું. એટલે મેં વજન ઘટાડવાનો મક્કમ નિર્ણય કર્યો. હા, મેં તબીબી નિષ્ણાતોની સલાહ મુજબ દરરોજ સવારે અમુક ખાસ પ્રકારની કસરત, યોગાસન, પ્રાણાયામ, ઋતુ મુજબનાં ફળોનો રસ, સલાડ, બદામ, અખરોટ વગેરેનો સૂકો મેવો વગેરે પણ લઉં છું. હાલ મારું વજન ૧૮ કિલો ઘટી ગયું હોવાથી ૭૨ કિલો છે. હવે મારી નવી ફિલ્મ મિરઝાપુર માટે પાતળા દેખાવાનું છે. જરા કલ્પના કરો કે મેં લાપતા લેડીઝ ફિલ્મમાં જાડિયા પોલીસ ઓફિસરની ભૂમિકાને ન્યાય આપવા વજન વધાર્યું હતું. હવે મિરઝાપુર ફિલ્મના પાત્ર માટે મારે થોડાક દૂબળા -પાતળા થઇ જવાનું છે. આ સમગ્ર શારીરિક પ્રક્રિયા ખરેખર બહુ જ પડકારરૂપ હોય છે. ચિંતાજનક પણ ખરી.
તબીબી નિષ્ણાતોના કહેવા મુજબ તો કોઇપણ વ્યક્તિની ઉંમર ૫૦ કે ૫૦ કરતાં વધુ હોય ત્યારે તો તેણે વજન વધારવાના કે ઘટાડવાના પ્રયોગો ન કરવા જોઇએ.
રવિ કિશન બહુ મહત્વનો મુદ્દો રજૂ કરતાં કહે છે, મેં આહાર - વિહાર પર સંયમ રાખીને માર શરીરનું વજન ૯૦ માંથી ૭૨ કિલો કર્યું છેે. સાથોસાથ હું દરરોજ અમુક ખાસ પ્રકારની હળવી કસરત પણ કરું છું. વધતી વય સાથે દરરોજ નિયમિત રીતે કસરત કરવાથી અને વહેલી સવારે અને સાંજે ચાલવાથી શરીરનાં તમામ અંગ- ઉપાંગોને નવી ઉર્જા, નવી ચેતના, નવું આયુષ્ય મળે છે. તન-મનમાં સ્ફૂર્તિના ફુવારા ઉડે.