Chitralok

હરિહરન અને લેસ્લી લુઇસે ફ્રેન્ડશીપમાં ફેમિલીને વચ્ચે આવવા ન દીધી

By GS Team
3 Sep 20263 mins read
હરિહરન અને લેસ્લી લુઇસે ફ્રેન્ડશીપમાં ફેમિલીને વચ્ચે આવવા ન દીધી
  • 'અમારી વચ્ચેનું સહજ કનેક્શન મ્યુઝિક-મેકિંગ પ્રોસેસમાં પણ વર્તાય છે. હું સોંગની એક લાઈન ગાઉં અને હરિ પણ એક લાઈન ગાય અને અમારા આશ્ચર્ય વચ્ચે, બંને લાઈન એકસરખી ધૂનમાં જ ગવાઈ હોય.'

એક એવી સામાન્ય માન્યતા છે કે લોહીનો સંબંધ સૌથી મજબુત હોય છે. ગમે તેવા સંજોગોમાં એટલે જ ભાંડરડાં એકબીજાની પડખે ઊભા રહે છે. અલબત્ત કલાની દુનિયામાં વાત જુદી હોય છે. અહીં સંગીતના તાંતણે બંધાયેલા કલાકારો વચ્ચેના સંબંધો શાશ્વત બની રહે છે. શંકર-જયકિશન, કલ્યાણજી-આણઁદજી અને લક્ષ્મીકાંત-પ્યારેલાલ જેવી સંગીતકાર જોડીઓના દાખલા આપણી સામે છે. એમાં સિંગર-મ્યુઝિશિયન હરિહરન અને લેસ્લી લુઇસના નામ ઉમેરી શકાય. છેલ્લા ૩ દશકથી આ જોડી 'કોલોનિયલ કઝિન્સ'ના નામે સુરીલા સોંગ્સ પીરસતી આવી છે. લેસ્લી અને હરિહરન વચ્ચે ખડક જેવી મજબુત ફ્રેન્ડશીપ છે.
તાજેતરમાં બંને પોતાના ૪૧માં ઓરિજિનલ સોંગને સ્વરબદ્ધ કરવા ભેગા થયા ત્યારે એમણે પોતાની જુગલબંદી પરસ્પરના વિશ્વાસના મજબુત પાયા પર ટકી રહી હોવાનું જણાવતા ઘણી બધી રસપ્રદ વાતો કરી. બંનેની સંગીત-સફરનો આરંભ કેટલો આકસ્મિક હતો એ યાદ કરતા હરિહરન કહે છે, 'એ દિવસોમાં અમે ઘણાં બધા જિંગલ્સ બનાવતા. એક દિવસ અમે સ્ટુડિયોમાં બેઠા બેઠા સોંગ લખાઈને આવે એની રાહ જોતા હતા. અચાનક અમે અમસ્તા જ ગાવા-વગાડવાનું શરૂ કરી દીધું. એકાએક સ્ટુડિયોનો આખો સ્ટાફ અમને સાંભળવા અમારી આસપાસ ગોઠવાઈ ગયો. ત્યારે અમે એકબીજાની સામે જોઈ વિચાર્યું કે યાર, અમારે ખરેખર આ જ કરવું જોઈએ. આપણે સાથે પરફોર્મ કરવું જોઈએ. બસ, ત્યારથી શરૂઆત થઈ. આજે ૩૦ વરસ અને ગીતો બાદ પણ અમે સોંગની ટયુન બનાવવા બેસીએ છીએ ત્યારે અમને કાંઈક ને કાંઈક નવું મળતું રહે છે. એ જ અમારી મ્યુઝિકલ જર્નીને સ્પેશ્યલ બનાવે છે. એમાં કાયમ સૌથી મોટી વાત અમારું સંગીત માટેનું પેશન અને અમારો એકબીજા પરનો વિશ્વાસ છે. એના આધારે જ અમારો મેળાપ થયો અને આજે પણ અમે સાથે છીએ.'
'વોશિંગ્ટન પાવડર નિરમા' અને 'દૂધ દૂધ' જેવા સેંકડો આઇકોનિક કમર્શિયલ જિંગલ્સ બનાવતા બનાવતા હરિહરન અને લેસ્લી લુઈસ એકબીજાને સંગીતની દ્રષ્ટિએ સમજતા થયા. જો કે એમની ફ્રેન્ડશીપ રેકોર્ડિંગ સ્ટુડિયોની બહાર પણ ફુલીફાલી છે. એ વિશે વાત કરતા લેસ્લી કહે છે, 'અમારા બંને વચ્ચે રમુજી કિસ્સા અને યોગાનુયોગ બનતા રહે છે. એકવાર અમે વિદેશમાં હતા ત્યારે જુદા જુદા શોપિંગ કરવા નીકળ્યા અને જુદી જુદી શોપ્સમાંથી એકસરખા બ્લેક ટી-શર્ટ્સ ખરીદીને પાછા ફર્યા. એક બીજા પ્રસંગમાં, અમે બંને કુર્તા ખરીદવા ઉપડયા અને એક જ દુકાનમાંથી એકસરખા કુર્તા ખરીદી આવ્યા. અમારી વચ્ચેનું સહજ કનેક્શન મ્યુઝિક-મેકિંગ પ્રોસેસમાં પણ વર્તાય છે. હું સોંગની એક લાઈન ગાઉં અને હરિ પણ એક લાઈન ગાય અને અમારા આશ્ચર્ય વચ્ચે બંને લાઈન એકસરખી ધુનમાં જ ગવાઈ હોય.'
અલબત્ત, કોઈ પણ બીજી કિએટીવ પાર્ટનરશીપની જેમ એમની યાત્રામાં પણ અમુક અસંમતિના પ્રસંગો બન્યા છે. વિદેશમાં રેકોર્ડિંગ દરમિયાન બનેલો એક પ્રસંગ યાદ કરતા હરિહરન કહે છે, 'મને બરાબર યાદ છે કે અમે પરદેશમાં એક સોંગનું રેકોર્ડિંગ કરી રહ્યા હતા ત્યારે મને એવું લાગ્યું કે ગીતનો આ અંતરો મારે જ ગાવો જોઈએ. પણ લેસ્લી એની સાથે અસંમત થતા કહ્યું, ના, હરિ આ અંતરો મારા વોઈસને સૂટ કરે છે. તુ ગીતનો બીજો અંતરો ગા મેં એને જવાબમાં કહ્યું કે તુ આ સોંગનો પ્રોડયુસર છે એટલે એ અંતરો ગાવા માગે છે. બસ, આટલી જ વાત હતી પણ અમે એકબીજા સાથે આખો દિવસ બોલ્યા નહિ. પછીથી સોંગ રેકોર્ડ થઈ ગયું અને એ સાંભળીને મેં તરત લેસ્લીને કહ્યું, યાર, તારી વાત સાચી હતી. ગીતનો એ ભાગ તારા અવાજમાં જ ખીલી ઉઠયો છે.'