Chitralok

જા રે, ઉડ જા રે પંછી, બહારોં કે દેશ જા રે...

By GS Team
3 Sep 20265 mins read
જા રે, ઉડ જા રે પંછી, બહારોં કે દેશ જા રે...
  • સલિલદાના કે તમને ગમતા બીજા કોઇ સંગીતકારના એક જ રાગ પર આધારિત પાંચ-સાત ગીતો સાંભળજો. તમને અહેસાસ થશે કે સંગીતકારે જે-તે રાગ કેટલી હદે પચાવ્યો હશે. ક્યારેક એક જ ફિલ્મમાં કોઇ રાગ પર આધારિત બે-ત્રણ ગીતો હોવા છતાં દરેક ગીત જુદો અનુભવ કરાવશે.
  • કદાચ તેથી જ ઉસ્તાદ અમીર ખાન કહેતા કે આ ફિલ્મ સંગીતકારો અવતારી કાર્ય કરે છે.
  • 'માયા'
  • સિને મેજિક- અજિત પોપટ

એક કરોડપતિ વેપારીનો પુત્ર મનમોહન પોતાના બર્થ ડેની ઊજવી રહ્યો છે. એનો ગરીબ મિત્ર બહાર ઊભો છે. એ મિત્રને મળીને પાર્ટીવાળા હૉલમાં પાછાં ફરતાં એ અનાયાસે બેએક વાત સાંભળી લે છે. એક વેપારી કહે છે કે આનો બાપ મારો પાર્ટનર છે એટલે હું એને ભાવ આપું છું. બાકી આ યુવાન નકામો છે. મનમોહન જેને પોતાની પ્રિયતમા માને છે એ યુવતી કોઇને કહે છે કે આ તો પૈસાદાર છે અને મારી બધી જરૂરિયાત પૂરી કરે છે માટે હું એની જોડે પ્રેમનું નાટક કરું છું… મનમોહન ડઘાઇ જાય છે. પાર્ટી પૂરી થયા બાદ બંગલે પાછો ફરે છે. લક્ઝુરિયસ પલંગ અને બેડરૂમ છે પણ હવે એની ઊંઘ ઊડી ચૂકી છે. એ ઓરડામાં વખાનો માર્યો એક યુવાન ચોરી કરવા ઘુસે છે. મનમોહન એને પડકારે છે. પેલો માફી માગે છે અને પોતાના સંજોગની વાત કરે છે.
આપણો નાયક એને કહે છે કે તું ચોરી કરવા આવ્યો છે અને પકડાઇ ગયો છે. એક શરતે તને માફ કરું. તારા ગરીબ વિસ્તારમાં મને લઇ જા. મારે થોડા દિવસ ગરીબો વચ્ચે રહેવું છે. પેલો હા પાડે છે. મનમોહન નામ બદલીને મધ્યમવર્ગીય ચાલમાં રહેવા જાય છે. પછી શું થાય છે એ જાણવું હોય તો યુટયુબ પર ફિલ્મ 'માયા' જો જો. 'માયા' ચાલી એના સંગીત પર, બાકી ફિલ્મ હિટ હતી એવું કહી શકીએ નહીં. 'માયા' રજૂ થયાના એક વર્ષ પછી આ જ કથા પરથી અસલી નકલી ફિલ્મ આવી અને સુપરહિટ નીવડી. નાયક એનો એ જ બાકીનાં પાત્રોમાં ફેરફાર હતો.
'જાગતે રહો'માં રાજ કપૂર માટે અને 'મધુમતી'માં દિલીપકુમાર માટે સંગીત પીરસ્યા પછી સંગીતકાર સલિલ ચૌધરીએ ૧૯૫૦ના દાયકાના ત્રીજા સફળ કલાકાર માટે સંગીત પીરસ્યું. એ ત્રીજો કલાકાર એટલે હેન્ડસમ દેવ આનંદ. ફિલ્મમાં માલા સિંહા નાયિકા હતી. ઉપરાંત લલિતા પવાર, નેગેટિવ રોલમાં જયંત અને નાયકના પિતા તરીકે અભિનેતા મુબારક. મોખરાના કલાકારો હતા છતાં ફિલ્મ ચાલી એ માત્ર સંગીતના જોરે. આ વખતે ગીતકાર બદલાયા. 'માયા'નાં ગીતો મજરૂહ સુલતાનપુરીએ રચ્યાં.
આપણા ગબ્બર સિંઘ (શોલે) અમજદ ખાને આ ફિલ્મમાં એક મામુલી રોલ પોતાના પિતા જયંત (સાચું નામ ઝકરિયા ખાન) સાથે કર્યો છે. કેમેરા અમજદ પર રોકાતો નથી એટલે સહેલાઇથી ઓળખાતો નથી
દરેક ગીત યાદગાર બન્યું. દરેક ગીતમાં કોઇ ને કોઇ વિશેષતા હતી. ફિલ્મનાં બે ચાર ગીતો તો આજે પણ ક્યારેક એફએમ પર સાંભળવા મળે છે. એવાં ત્રણ ચાર ગીતોનો આસ્વાદ લઇએ. આ લખનારના નમ્ર અભિપ્રાય મુજબ આ ફિલ્મનું શ્રે ગીત આ રહ્યું- 'જા રે… જા રે, ઊડ જા રે પંછી, બહારોં કે દેશ જા રે, યહાં ક્યા હૈ મેરે પ્યારે, ક્યૂં ઊજડ ગયી બગીયા મેરે મન કી…' શબ્દો પરથી સમજાય છે કે આ એક વિરહગીત છે. નાયક નાયિકા સંજોગોનો શિકાર બન્યાં છે. નાયિકા પોતાના મનની વાત ગીત દ્વારા કહે છે. સલિલદાએ આ ગીતમાં અદભુત રાગમાલા સર્જી છે. ગીતનો ઉપાડ રાગ ધાનીથી થાય છે. પછી વહેતું વહેતું ગીત રાગ નટભૈરવી, કાફી અને કીરવાણીમાં થઇને મુખડા પર રાગ ધાનીમાં પાછું ફરે છે. યુટયુબ પર આ ગીત માણવાનું ચૂકતા નહીં.
એવું જ ઔર એક કર્ણપ્રિય અને હૃદયંગમ ગીત ડયુએટ છે. લતા મંગેશકર અને મુહમ્મદ રફીના કંઠે ગવાયેલું એ ગીત એટલે 'તસવીર તેરી દિલ મેં જીસ દિન સે ઊતારી હૈ, ફિરું તુઝે સંગ લે કે, નયે નયે રંગ લે કે, સપનોં કી મહફિલ મેં…' આ ગીત સાંભળતી વખતે લેખકને એક વિચાર આવેલો. ફિલ્મ સંગીતકારો પણ ક્લાસિકલ સંગીતકારોની જેમ પોતાને ગમતા રાગ-રાગિણી કેટલી હદે પચાવી ગયા હશે. એક રાગ પરથી સંગીતકારે ડઝનબંધ ગીતો સ્વરાંકિત કર્યા હશે. દરેક ગીત જુદું અનુભવાય. આ ગીત રાગ ખમાજમાં સ્વરબદ્ધ કરાયું છે. ક્યારેક તમને સમય હોય તો સલિલદાના કે તમને ગમતા બીજા કોઇ સંગીતકારના એક જ રાગ પર આધારિત પાંચ-સાત ગીતો સાંભળજો. તમને પણ અહેસાસ થશે કે ફિલ્મ સંગીત ભલે હલકું ગણાતું હોય, સંગીતકારે જે તે રાગ કેટલી હદે પચાવ્યો હશે. ક્યારેક એક જ ફિલ્મમાં કોઇ રાગ પર આધારિત બે-ત્રણ ગીતો હોવા છતાં દરેક ગીત જુદો અનુભવ કરાવશે. કદાચ એ જ કારણથી યુગસર્જક ક્લાસિકલ ગાયક ઉસ્તાદ અમીર ખાન કહેતા કે આ ફિલ્મ સંગીતકારો અવતારી કાર્ય કરે છે. 'તસવીર તેરી દિલ મેં…' ગીત રાગ ભૈરવી પર આધારિત હતું.
ફિલ્મનું ત્રીજું સદાબહાર ગીત એટલે આ- 'અય દિલ કહાં તેરી મંજિલ, ના કોઇ દીપક હૈ, ના કોઇ તારા હૈ, કિસ લિયે મીલ મીલ કે તૂટતે હૈં દિલ, કિસ લિયે બન બને કે મહલ તૂટતે હૈં, પથ્થર સે પૂછા, શીશે સે પૂછા, ખામોશ હૈ સબ કી જુબાં, અય દિલ કહાં તેરી મંજિલ…' છ માત્રાના દાદરા તાલમાં આ ગીત સાંભળનારને મંત્રમુગ્ધ કરી દે એવું છે.
બર્થ ડે પાર્ટીમાં સાંભળેલા શબ્દોથી આઘાત અનુભવીને કથાનાયક પિયાનો પર બેસીને પોતાની જાતને સંભળાવતાં એક ગીત છેડે છે- 'કોઇ સોને કે દિલવાલા, કોઇ ચાંદી કે દિલવાલા, શીશે કા હૈ મતવાલા તેરા દિલ, મહફિલ યે નહીં તેરી, દિવાને કહીં ચલ…' આ ગીત દ્વારા ઓડિયન્સને સંકેત મળે છે કે આ યુવાન હવે કદાચ આ શ્રીમંત લોકો વચ્ચે નહીં રહે… આ ગીત પણ હિટ નીવડેલું.
બાકીનાં બે ગીત પરદા પર ટાઇમપાસ જેવાં હતાં. અગાઉ નોંધ્યું તેમ, 'માયા' ફિલ્મ આ સંગીતના જોરે જ ચાલી. આમ, ૧૯૫૦ના દાયકાના ત્રણે ટોચના કલાકારો દિલીપકુમાર, રાજ કપૂર અને દેવ આનંદ માટે સલિલદાએ સુપરહિટ સંગીત પીરસ્યું જે જબરદસ્ત કામિયાબીને વર્યું.