બદરવા બરસે ઓ કારે કારે... સોયે અરમાન જાગે

- સિને મેજિક- અજિત પોપટ
- રાગ હંસધ્વનિમાં ઉસ્તાદ અમીર ખાનની એક એલપી બહાર પડેલી. એમાં મધ્ય લય તીન તાલમાં ઉસ્તાદજીએ ગાયેલા તરાનાના આધારે સલિલદાએ 'જા તો સે નહીં બોલું કનૈયા' ગીતનું મુખડું તૈયાર કરેલું. ફક્ત મુખડું. બાકીનું બધું સલિલદાનું હતું. આ ગીતમાં રાધાકૃષ્ણના સંવાદો પણ આવે છે.
'દોબીઘા જમીન' સુપરહિટ નીવડયા પછી બિમલ રૉય અને સંગીતકાર સલિલ ચૌધરી ફરી એકવાર ભેગા થયા ફિલ્મ 'પરિવાર'માં. અહીં ગેરસમજ થવાની શક્યતા છે, કારણ કે છેલ્લાં પચાસ સાઠ વર્ષમાં 'પરિવાર' નામની ત્રણ-ચાર ફિલ્મો આવી ગઇ. આપણે જે 'પરિવાર'ની વાત કરવાના છીએ એ ૧૯૫૬માં આવેલી. એકદમ સ્વચ્છ પારિવારિક ફિલ્મ. ન કોઇ વિલન, ન મારધાડ, ન રેપ સીન, ન કાવાદાવા… ઊલટું અહીં સામાજિક દ્રષ્ટિકોણ સાથે સરસ કોમેડી ભળી ગયેલી. આઝાદી નવી નવી આવેલી. સંયુક્ત કુટુંબપ્રથા હજુ અમલમાં હતી. જોકે સંયુક્ત પરિવાર ભાંગી પડવાના છૂટાછવાયા કિસ્સા બની રહ્યા હતા અને ક્યારેક અખબારમાં પણ ચમકી જતા હતા. એવા સમયે આ ફિલ્મ હસતાં હસતાં ઘણું કહી ગઇ. કહેવાની ભાગ્યે જ જરૂર છે કે ફિલ્મ સુપરહિટ નીવડી હતી.
પાંચ ચૌધરી બંધુ, દરેકની પાંચ હિરોઇન, દરેક બંધુનાં સંતાનો. દરેક ચૌધરી હાઇલી ક્વોલિફાઇડ. એક એંજિનિયર, એક ડાક્ટર, એક વકીલ, એક સંગીતકાર અને એક પરિવારના મોભી સમો વડીલ ભાઇ જે લગભગ આખો દિવસ પોતાના એક પૌત્ર સાથે ચેસ રમ્યા કરે છે અને હવેલી સંભાળે છે. એકવાર ફક્ત એક ગ્લાસ દૂધના મુદ્દે અહંક્લેશ થાય છે અને ચૌધરી ભાઇઓ છૂટા પડી જવાનો નિર્ણય કરે છે. જોકે પાંચે ગૃહિણીની કોઠાસૂઝના પગલે ઘીના ઠામમાં ઘી પડી રહે છે અને સુખાંત આવે છે.
આઝાદી પછીની આ કદાચ પહેલી મલ્ટિસ્ટાર ફિલ્મ હતી. વડીલ બંધુ બિપિન ગુપ્તા, તેની પત્ની દુર્ગા ખોટે, વકીલ બંધુ પી. જયરાજ, એની પત્ની ઉષા કિરણ, ડાક્ટર બંધુ સજ્જન (જે પાછળથી નેગેટિવ રોલમાં વધુ સફળ થયા હતા), એની પત્ની અભિનેત્રી કમલ (આજે આ અભિનેત્રીનું નામ સુદ્ધાં કોઇએ સાંભળ્યું નહીં હોય), એન્જિનીયર બંધુ અનવર હુસૈન (આ ભાઇ એક સરકારી પ્રોજેક્ટમાં બીઝી હોવાથી મોટે ભાગે બનારસમાં રહે છે) ક્યારેક સપરિવાર હવેલીમાં આવી જાય ખરા. એની પત્ની અભિનેત્રી કુમુદ (આ અભિનેત્રી પણ વિસરાઇ ગઇ), સંગીતકાર બંધુ અશિમ કુમાર અને એની ડાન્સર પત્ની સબિતા ચેટરજી. ત્રણ-ચાર બાળ કલાકારો. આટલી ભીડ ઓછી લાગતી હોય તો વફાદાર ઘરનોકર આગા અને બાવર્ચી ધુમાળ.
શૈલેન્દ્રનાં ગીતોને સલિલદાએ ગજબની શૈલીમાં સ્વરાંકિત કર્યાં હતાં. છ ગીતો હતાં. છએનો મૂડ અલગ હતો અને સલિલદાએ દરેક મૂડને પોતાની આગવી સ્ટાઇલમાં જીવંત કર્યો હતો. સમગ્ર ફિલ્મ દરમિયાન મોટે ભાગે પોતાના અલાયદા ઓરડામાં સતત રિયાઝ કર્યે રાખતા દંપતી અશિમ અને સબિતાથી વાતનો આરંભ કરીએ. હિન્દી ફિલ્મોએ રાધા-કૃષ્ણ વચ્ચે થતા મીઠ્ઠા કલહનાં કેટલાંક યાદગાર ગીતો આપ્યાં છે. આવાં ગીતોનો આરંભ ફિલ્મ 'પરિવાર'થી થયો. અહીં લતા મંગેશકર અને મન્ના ડેની અત્યંત સુંદર જુગલબંધી છે. 'જા તો સે નહીં બોલું કનૈયા, રાહ ચલત પકડે મોરી બૈયાં…' કર્ણાટક સંગીતના અનન્ય મધુર રાગ હંસધ્વનિ પર આધારિત આ ગીતનો ઉપાડ લતાના કંઠથી થાય છે અને અંતરાથી મન્ના ડે જોડાય છે. અહીં એક રસપ્રદ આડવાત. આ ગીતનું રેકોડગ કરવા પહેલાં સલિલદા ગીતની બંદિશ લતાને સંભળાવતા હતા ત્યારે લતાએ વેધક દ્રષ્ટિથી સલિલદા સામે જોયું. સલિલદા મલકાયા. પછી એક વાક્યમાં સ્પષ્ટતા કરી- ફક્ત મુખડું ઉસ્તાદ અમીર ખાનની બંદિશનું છે. બાકીની આખી તર્જ મારી મૌલિક રચના છે. ઉસ્તાદજી સાથે મારે વાત થઇ ગઇ છે.
બનેલું એવું કે એ દિવસોમાં રાગ હંસધ્વનિમાં ઉસ્તાદ અમીર ખાનની એક એલપી બહાર પડેલી. એમાં મધ્ય લય તીનતાલમાં ઉસ્તાદજીએ જે તરાના ગાયેલો એના આધારે સલિલદાએ આ ગીતનું મુખડું તૈયાર કરેલું. ફક્ત મુખડું. બાકીનું બધું સલિલદાનું હતું. ગીતમાં વચ્ચે રાધાકૃષ્ણના સંવાદો આવે છે. લયબદ્ધ સંવાદો અને પાર્શ્વસંગીત. ગજબની જમાવટ કરે છે. તમે ક્લાસિકલ સંગીત ન જાણતા હો તો પણ આ ગીત યુટયુબ પર માણવા જેવું છે. ખુશ
થઇ જશો.
અહીં ઔર એક વાત જાણવા જેવી છે. ભારતીય સંગીતમાં જેને સપ્તક કહે છે એમાં સામાન્ય માણસ માટે સાત સ્વરો આવે - સા રે ગ મ પ ધ ની સા. વાત પૂરી. પરંતુ સંગીતના વિદ્યાર્થી માટે સપ્તકમાં બાર સ્વરો આવે. સાત શુદ્ધ ચાર કોમળ અને એક તીવ્ર. ઉસ્તાદ અમીર ખાન સાહેબ કહેતા કે માત્ર પાંચ સ્વરોનો બનેલો આ રાગ હંસધ્વનિ કેટલો બધો મધુર છે, કેવો અલૌકિક છે એ તો સાચા રસિકો જ જાણે.
સેંકડો વરસથી સંગીતની મહેફિલોમાં ઠુમરી તરીકે જાણીતો એક વિશિષ્ટ ગાયન પ્રકાર રજૂ થતો રહ્યો છે. એમાં મોટે ભાગે શ્રાવણ માસ અને વિરહિણી નાયિકાના મનોભાવ રજૂ થતા હોય છે. એની અસર ફિલ્મ ગીતોમાં પણ થઇ. ઘણી ફિલ્મોમાં આ મનોભાવના ગીતો આવ્યાં. એવું એક સદાબહાર ગીત એટલે ફિલ્મ 'સાંજ ઔર સવેરા'નું 'અજહું ન આયે બાલમા સાવન બીતા જાય…' અહીં સાવન શબ્દ લીધા વિના એક વિરહગીત હેમંત કુમાર અને લતાજીના કંઠે રજૂ થયું છે. મલ્હાર રાગનો આધાર લઇને એની બંદિશ તૈયાર કરાઇ છે. મુખડું છે, 'ઝીર ઝીર ઝીર ઝીર બદરવા બરસે ઓ કારે કારે, સોયે અરમાન જાગે, કઇ તૂફાન જાગે, માને ના મન મોરા સજના બિના…'
ફિલ્મનાં મુખ્ય પાત્રોમાં સામેલ નથી, પરંતુ એની હાજરી વિના ચાલે પણ નહીં એવો એક મહેમાન ભૂમિકા જેવો રોલ આ ફિલ્મમાં કિશોર કુમારે ભજવ્યો છે. એના કંઠે એક અજોડ કોમેડી ગીત રજૂ થાય છે- 'કૂએ મેં કૂદ કે મર જાના, યાર તુમ શાદી મત કરના…' આ ગીતમાં કિશોર કુમારની ગાયકીની યોડેલિંગ સહિતની તમામ ખૂબી સલિલદાએ અજમાવી છે. ગીત કહરવા તાલમાં શરૂ થઇને વચ્ચે વચ્ચે ખેમટા તાલમાં ચાલે છે. ફરી કહરવામાં આવે છે. આમ તાલ સાથે કિશોર કુમારનાં પોષાક અને ડાન્સની મુદ્રાઓ પણ બદલાતી રહે છે. પરદા પર કિશોરકુમાર જુદા જુદા વેશે જે ડાન્સ કરે છે એની કેટલીક મૂવમેન્ટ આપણને વરસો પછી ફિલ્મ 'નમકહલાલ'માં અમિતાભ બચ્ચન પર ફિલ્માવાયેલા કે 'પગ ઘુંઘરું બાંધ મીરાં નાચી થી…' ગીતમાં જોવા મળી. ધ્યાનથી જુઓ તો પરદા પર કિશોર કુમાર અમિતાભ બચ્ચનની નકલ કરતો હોય એવું લાગે. હકીકતમાં કદાચ અમિતાભે કિશોરકુમારની આ મૂવમેન્ટ પોતાની આગવી રીતે અજમાવી હશે. જોકે બહુ વખણાયેલાં ફિલ્મી ડાન્સ ગીતોમાં મોટે ભાગે પહેલવાન અભિનેતા માસ્ટર ભગવાન દાદાની સ્ટાઇલનાં જુદાં જુદાં રૂપાંતરો જોવા મળ્યા છે. કિશોરકુમારે અહીં જે ધમાલ કરી છે એ તો તમે પોતે યુટયુબ પર ગીત માણો તો જ ખ્યાલ આવે.
ઔર એક કોમેડી ગીત ડાક્ટર બનેલા અભિનેતા સજ્જને સર્જી છે. એનો આગ્રહ એવો છે કે ઘરમાં બધાંએ નિયમિત કેટલોક વ્યાયામ કરવો. એ નિયમના ભાગ રૂપે ડ્રમ અને ઢોલનગારા સાથે એક કસરતી ગીત આશા ભોંસલે અને હેમંત કુમારના કંઠે રજૂ થાય છે - 'એક દો તીન ચાર પાંચ છ સાત આઠ, સબ સે પહલે તંદુરસ્તી તો ફિર સીધી એક બાત, આગે પીછે, ઉપર નીચે, દાંયે બાંયે, એક સાથ…' વાસ્તવમા૧૯૪૦-૫૦ના દાયકામાં વ્યાયામનો મહિમા દર્શાવતું એક બાળકાવ્ય હતું એનું મુખડું લઇને શૈલેન્દ્રે ગીત રચ્યું છે. લયબદ્ધ વ્યાયામ દર્શાવતું આ રમતિયાળ ગીત નાનામોટા સૌને આકર્ષે એવું બન્યું છે. માણસના શરીરને એક યંત્ર જણાવીને એની વિશેષતા આ ગીતમાં વણી લેવાઇ છે.
ઔર એક હળવું ગીત આશાના કંઠે રજૂ થયું છે. 'બાવલી બના કે છોડા હાય તેરી પ્રીત ને, રે માને માને ના માને, મૈં તો તેરી દિવાની…' આ ગીતમાં પણ નટખટ અદાઓથી કલાકારો પરદા પર ઘમાલ કરે છે.
આખીય ફિલ્મ અને એનાં ગીતો ગમે તેવા ગંભીર માણસને પણ મલકતો કરી દે એવાં બન્યાં છે. ફિલ્મ હિટ નીવડી હતી અને એનું રાધાકૃષ્ણવાળું ગીત આજે પણ એટલુંજ તરો તાજા લાગે છે.









