Chitralok

એરિકા ફર્નાન્ડીસ મિલિટરી- મેડિકલ ડ્રામા સાથે નવું સાહસિક કદમ

By GS Team
24 Sep 20263 mins read
એરિકા ફર્નાન્ડીસ મિલિટરી- મેડિકલ ડ્રામા સાથે નવું સાહસિક કદમ
  • ટીવીના સ્ટીરીયોટાઈપ પાત્રો નહીં, પણ પડકારજનક ભૂમિકાઓ માટે સજ્જ

એરિકા ફર્નાન્ડીસ એક એવી અભિનેત્રી રહી છે જે પોતાના માટે કાર્યને જ બોલવા દેવાનો આગ્રહ રાખે છે. વર્ષો દરમ્યાન તેણે ટીવી અને ડિજિટલ પ્રોજેક્ટ વચ્ચે સહજતાથી કામ કરીને ભાવનાત્મક ઊંડાણ સાથે સાદગીભર્યા સૌંદર્ય દ્વારા એક મજબૂત ચાહક વર્ગ ઊભો કર્યો છે. હવે ટીવી પરથી પાંચ વર્ષનો વિરામ લીધા પછી એરિકા નવી ભૂમિકા સાથે પાછી ફરી રહી છે જેમાં દર્શકોમાં ઊભી થયેલી તેની પરિચિત છબી કરતા અત્યંત અલગ જ પાત્ર છે. તેના કમબેક શો '૧૦૮ બેઝ હોસ્પિટલ-ઉરી'એ એરિકાને વધુ તીવ્ર અને પડકારજનક પાત્ર નિભાવવાની તક આપી છે.
સ્વાતંત્ર્ય દિવસે પ્રીમિયર થયેલી મર્યાદિત સીરીઝમાં શસ્ત્ર દળો અને તબીબી ક્ષેત્રું સંયોજન જોવા મળે છે. માત્ર સૈનિકો અને રણમેદાન એક્શન પર ધ્યાન કેન્દ્રિત કરવાની બદલે શોમાં ડોક્ટરો, નર્સ અને મેડિકલ કર્મીઓ પ્રત્યે પણ ફોકસ કરાયું છે જેઓ એક અલગ જ પ્રકારુનું યુદ્ધ લડતા હતા, ઘવાયેલા સૈનિકોના જીવ બચાવવાનું. ફર્નાન્ડીસના પાત્રમાં સૈન્ય અધિકારી અને એક સર્જનની જવાબદારીનું મિશ્રણ છે, જેમાં તેણે શારીરિક સાહસ અને વ્યાવસાયિક ચોકસાઈ બંનેનું ચિત્રણ કરવાની જરૂર પડી છે.
એરિકા માટે તો આ થીમ જ ટીવી પર પાછા ફરવા માટે પૂરતો હતો. તેણે અગાઉ પણ પરંપરાગત પારિવારીક ડ્રામા અને પ્રચલિત ટીવી વહુ છબીથી હટવાની ઈચ્છા વ્યક્ત કરી હતી,જે તેની ઓળખનો હિસ્સો બની ગઈ હતી. 'કુછ રંગ પ્યાર કે ઐસે ભી'માં ડો. સોનાક્ષી બોઝ અને 'કસૌટી ઝિંદગી કે'માં પ્રેરણા શર્માના પાત્રો ભજવ્યા પછી એરિકા ટાઈપકાસ્ટ થવા બાબતે સભાન હતી. '૧૦૮ બેઝ હોસ્પિટલ-ઉરી'એ એવો જ પડકાર ઓફર કર્યો જેની તે વર્ષોથી રાહ જોઈ રહી હતી.
એરિકાને આ રોલ માટે પરંપરાગત અભિનય કરતા ઘણી વધુ બાબતની જરૂર પડી હતી. તેણે એક સાથે સર્જન અને સૈન્ય અધિકારીના ચિત્રણના અનુભવને અત્યંત પડકારજનક ગણાવ્યો. આ પાત્રમાં એક બાજુએ શારીરિક ક્ષમતા, અનુશાસન અને બળની જરૂર પડી હતી તો બીજી મેડિકલ બાજુએ એકાગ્રતા, ચોકસાઈ અને ભાવનાત્મક નિયંત્રણની આવશ્યક્તા પડી હતી. શૂટિંગમાં પણ ભારે ઊર્જાયુક્ત દ્રશ્યો, મેડિકલ પ્રક્રિયાઓ અને ભાવનાત્મક ગંભીર સ્થિતિઓ હતી જેના કારણે પ્રોજેક્ટ શારીરિક અને માનસિક રીતે થકવનારો બની ગયો હતો.
ગશમીર મહાજની સાથે સ્ક્રીન શેર કરવાની બાબતે સીરીઝમાં વધુ એક પરિમાણનો ઉમેરો કર્યો. તેમના વ્યાવસાયિક સમીકરણો શૂટ દરમ્યાન ધીમે ધીમે વિકસ્યા, જેના કારણે એરિકાના મતે કનટેન્ટ ગંભીર હોવા છતાં કાસ્ટ માટે સેટ પરનું વાતાવરણ અત્યંત મળતાવડુ અને આનંદદાયક હતું. શોને શાહીર શેખના કેમિયોનો પણ લાભ મળ્યો, જેનાથી એરિકા અને અને તેના અગાઉના શો 'કુછ રંગ પ્યાર કે ઐસે ભી'નો સહકલાકાર ફરી ભેગા થયા. તેમના પુન:મેળાપે લાંબા સમયના દર્શકોને ભૂતકાળની ભાવુક યાદ અપાવી તેમજ નવી સીરીઝમાં વધુ એક રસપ્રદ સ્તર ઉમેર્યું. ટીવી પરના વિરામ દરમ્યાન એરિકા ફર્નાન્ડીસની સફર પણ નોંધપાત્ર રહી. તેણે પોતાના વ્યાવસાયિક ફોકસનો કેટલોક હિસ્સો દુબઈ તરફ ફેરવ્યો જ્યાં તેણે પોતાનો ઉદ્યોગ સ્થાપ્યો અને ધીમે ધીમે આર્થિક સધ્ધરતા હાંસલ કરી. તેણે ખુલાસો કર્યો કે આ સ્વતંત્રતાએ જ તેને પાત્રોની પસંદગી બાબતે ચિવટ રાખવામાં સહાય કરી. માત્ર આર્થિક કારણોસર પ્રોજેક્ટ સ્વીકારવાની બદલે તે એવા પાત્રોની રાહ જોવા સમર્થ બની જેમાં તેને રસ પડે. તાજેતરના કાર્ય અગાઉ એરિકાએ 'લવ અધુરા' અને 'બડા શહેર છોટી ફેમિલી' જેવા ડિજિટલ પ્રોજેક્ટમાં કામ કર્યું તેમજ હોરર ફિલ્મ 'ધી હોન્ટિંગ'માં પણ દેખાઈ. આ પ્રોજેક્ટોએ પરંપરાગત ટીવી કથાનકથી આગળ વધવાની તેની તૈયારી પ્રદર્શિત કરી.
'૧૦૮ બેઝ હોસ્પિટલ-ઉરી' સાથે એરિકા ફર્નાન્ડીસ તેના રસપ્રદ નવા તબક્કામાં પ્રવેશવા તૈયાર થઈ છે. જે અભિનેત્રી એક સમયે ગ્લેમરસ ટીવી હીરોઈન તરીકે ઓળખાતી તે હવે શારીરિક ક્ષમતા, પરિપક્વતા અને ભાવનાત્મક જટિલતા માગી લેતા પાત્રો સ્વીકારતી થઈ છે. માત્ર એક સામાન્ય કમબેકના સ્થાને આ સીરીઝ તેનો ઈરાદો સ્પષ્ટ કરે છે: 'એરિકા ફર્નાન્ડીસ ઈચ્છે છે કે તેનું મૂલ્યાંકન તેણે ભજવી ચુકેલા પાત્રો દ્વારા નહિ પણ એવી સંભાવનાઓના આધારે થાય જે હજી અજમાવવાની બાકી છે.'