ડેલનાઝ ઈરાની: કૉમેડી ક્વીનને જાગ્યાં દર્શકોને રડાવવાના ઓરતા

- ડેલનાઝ કૉમેડીમાં અટવાઈ ગઈ હોવાથી તેને અન્ય પ્રકારનાં પાત્રો અદા કરવાનો મોકો જ નથી મળ્યાં. હવે મને દર્શકો સમક્ષ મારી પ્રતિભાનાં એવાં પાસાં રજૂ કરવા છે જે દર્શકોએ અત્યાર સુધી નથી જોયા.'
'કલ હો ના હો'ની 'સ્વીટૂ' બબલી અભિનેત્રી ડેલનાઝ ઈરાનીની ઓળખ બની ગઈ છે એમ કહેવું વધારે પડતું નહીં ગણાય. ડેલનાઝનું નામ આવતાં જ લોકોની નજર સમક્ષ 'સ્વીટૂ' આવી જ જાય. આ પાત્રની ડેલનાઝની હાસ્ય-વ્યંગ શૈલીએ દર્શકો પર ભૂસી ન શકાય એવી છાપ છોડી છે. પરંતુ સિક્કાની બીજી બાજુ એ પણ છે કે કેટલીક વખત ચોક્કસ કિરદારની અવર્ણનીય ખ્યાતિ જે તે કલાકારને સંબંધિત છબિમાં જકડી દે છે. આવા રોલ પછી તેને એવા પ્રકારના પાત્રોની જ ઑફરો આવ્યા કરે અને તેને પોતાની અભિનય પ્રતિભાના અન્ય પાસાં દર્શાવવાની તક જ ન મળે. ડેલનાઝ સાથે પણ આવું જ થયું છે. તે કૉમેડી જનરેમાં અટવાઈ ગઈ હોવાથી તેને અન્ય પ્રકારના પાત્રો અદા કરવાના મોકા જ નથી મળ્યાં. પરંતુ આયખાનું અર્ધશતક પૂરું કરી લીધા પછી ડેલનાઝને બ્રહ્મજ્ઞાાન લાદ્યું હોય તેમ તે કહે છે કે હવે મને દર્શકો સમક્ષ મારી અભિનય પ્રતિભાના એવા પાસાં રજૂ કરવા છે જે દર્શકોએ અત્યાર સુધી નથી જોયા.
ડેલનાઝે ટીવી પર 'યસ બોસ', 'એક મહલ હો સપનોં કા', 'સોન પરી', 'ક્યા હુઆ તેરા વાદા', 'જમાઈ રાજા' જેવી સંખ્યાબંધ સીરિયલોમાં કામ કર્યું છે. તાજેતરમાં તે વેબ સીરિઝ 'ચુંબક'માં જોવા મળી રહી છે. તેને એ વાતની ખુશી છેકે હવે તેને અન્ય પ્રકારના પાત્રો ભજવવા પણ મળી રહ્યાં છે. જો કે તેને 'સ્વીટૂ/ની લોકપ્રિયતા એટલી જ ગમી પણ રહી છે.તે કહે છે કે પ્રત્યેક કલાકારની કારકિર્દીમાં કોઈક કિરદાર એવું આવે, જે તેની ઓળખ બની જાય. અને એવું પાત્ર આવવું પણ જોઈએ. આજે પણ હું પૉડકાસ્ટ સહિત કોઈપણ માધ્યમને ઈન્ટરવ્યુ આપતી હોઉં છું ત્યારે, એટલે કે બે દશક પછી પણ 'સ્વીટૂ'નો ઉલ્લેખ ન થાય એવું નથી બનતું. તે વધુમાં કહે છે કે હું પોતે 'સ્વીટૂ'ને ઘણી મળતી આવું છું. હું તેના જેવી જ નટખટ અને ખાવા-પીવાની શોખીન છું.
પોતાની વધારે પડતી કૉમેડી ભૂમિકાઓ વિશે અભિનેત્રી કહે છે કે મેં મારી કારકિર્દીનો આરંભ કર્યો ત્યારે હું સરસ કૉમેડી કરી લેતી હતી. ધીમે ધીમે એવી નોબત આવી કે હું કોઈપણ પાત્ર ભજવતી હોઉં, તેમાં મૂળભૂત રીતે વિનોદ ન હોય તોય તેમાં રમૂજ ઉમેરી દેવામાં આવતી. છેવટે મારી છાપ કૉમેડિયન તરીકે એટલી ઘેરી બની ગઈ કે તેમાંથી બહાર આવવાનું કઠિન થઈ પડે. આમ છતાં હું મારી આ ઈમેજની પ્રતિષ્ઠાને અકબંધ રાખીને પરિપકવ, ગંભીર પાત્રો ભજવવા માગું છું.
અદાકારાને લાગે છે કે સામાન્ય રીતે દર્શકો કૉમેડી કરનારને કલાકાર જ નથી માનતા. તેમને એમ લાગે છે કે ગંભીર કિરદાર અદા કરનાર કલાકારો જ ખરા અર્થમાં અભિનય કરી જાણતાં હોય છે. જ્યારે હકીકતમાં કૉમેડી કરવાનું કામ વધુ મુશ્કેલ છે.
ડેલનાઝ પોતાની રમૂજી છબિમાંથી બહાર આવવા અભિનેતા રાકેશ બેદીનો દાખલો આપે છે. તે કહે છે કે રાકેશ બેદી હમેશાંથી કૉમેડિયન તરીકે જાણીતા હતા. પરંતુ 'ધૂરંધર'ની તેમની ભૂમિકાએ દર્શકોને અનુભૂતિ કરાવી કે તેઓ અન્ય પ્રકારનો અભિનય પણ કરી જાણે છે. હું પણ આવું જ કાંઈક માગું છું. તેમાંય રાકેશ બેદીને 'ધૂરંધર'ના પાત્રમાં જે પ્રશંકા પ્રાપ્ત થઈ છે તે જોયા પછી મને પણ કાંઈક નવું કરી બતાવવાનો પાનો ચડયો છે. મને ભરોસો બેઠો છે કે દર્શકો તેમને અન્ય પ્રકારના કિરદારમાં પણ અપનાવી શકે છે.
અભિનેત્રી માને છે કે સોશ્યલ મીડિયા પર નેટિઝનો કોઈપણ કલાકાર વિશે જે મત વ્યક્ત કરે છે તેના પરથી તેને પોતાની ઈમેજ વિશે સારો એવો અંદાજ આવી શકે છે. વળી જ્યારે તમે નેટિઝનો સાથે જોડાઓ ત્યારે તેમને તમારા સાચા સ્વરૂપના, એટલે કે નિર્ધારિત ઈમેજ સિવાયના પાસાંની જાણ પણ થાય છે. આવી સ્થિતિમાં જ્યારે તમે અન્ય પ્રકારના પાત્રો ભજવો ત્યારે તમને ઝટ સ્વીકૃતિ પણ મળે એ વાતમાં બે મત નથી. હું માનું છું કે ચોક્કસ છબિમાં જકડાયેલા કલાકારોને તેમાંથી બહાર નીકળવા, પોતાની અભિનય ક્ષમતાનાં અન્ય પાસાં દર્શાવવાની તક મળશે. તે પોતાનો જ દાખલો આપતાં કહે છે કે હું આજે મારી કારકિર્દીના એવા તબક્કે પહોંચી ગઈ છું જ્યાં મને નિજાનંદ માટે કામ કરવું છે. મને હવે એક જ પ્રકારનું કામ નથી કરવું. મારા માટે હવે સેટ પર જઈને કાંઈક નવું કરી દેખાડવાનો ઉત્સાહ, આરામદાયક વાતાવરણ, સમયસર ચૂકવાતું મહેનતાણું કામ કરવા માટેના મહત્વના પરિબળો બની ગયાં છે.




