દીપિકા પદુકોણ બીજા સંતાનને જન્મ આપવા રજા પર ઉતરશે

- દીપિકા ઝપાટાભેર 'રાકા' ફિલ્મનું શૂટિંગ કરી રહી છે. ૨૦૨૭ના જાન્યુઆરી બાદ બાકીનું શૂટિંગ પૂરું કરશે
હિન્દી ફિલ્મ જગતની રૂપકડી અને લોકપ્રિય અભિનેત્રી દીપિકા પદુકોણ આજકાલ અત્યંત વ્યસ્ત બની ગઈ છે. તે પોતાની નવી ફિલ્મ 'રાકા' (દિગ્દર્શક એટલી)નું શૂટિંગ ઝડપભેર પૂરું કરી રહી છે. 'રાકા' ફિલ્મમાં દીપિકા સાથે તેલુગુ ફિલ્મ જગતનો મોટો સુપરસ્ટાર અલ્લુ અર્જુન, તેમજ રશ્મિકા મંદાના, મૃણાલ ઠાકુર, જાહ્નવી કપૂર, અર્શદ વારસી અને જીમ સર્ભ જેવાં કલાકારો છે. ફિલ્મનું શૂટિંગ મુંબઈમાં જ થઈ રહ્યું છે, કારણ કે દીપિકા હાલ સગર્ભા છે. દીપિકા ઓલરેડી મમ્મી તો બની જ ગઈ છે - મીઠડી દુઆ'ની. સપ્ટેમ્બરના પહેલા સપ્તાહ બાદ તે મેટરનિટી લીવ પર જશે અને પોતાના બીજા સંતાનને જન્મ આપશે.
ફિલ્મના દિગ્દર્શક એટલીએ શૂટિંગનું પ્લાનિંગ એવી રીતે કર્યું છે જેથી દીપિકાના ભાગનું શૂટિંગ સમયસર પૂરું થઈ જાય અને તે લાંબી રજા પર પણ જઈ શકે. આ વ્યવસ્થા મુજબ દીપિકા હવે ૨૦૨૭ના જાન્યુઆરીમાં પોતાના જન્મદિવસ સુધી રજા પર રહેશે. ત્યારબાદ જ તે 'રાકા' ફિલ્મના બાકીના હિસ્સાનું શૂટિંગ કરશે. દીપિકા રજા પર જાય તે દરમિયાન અલ્લુ અર્જુન, રશ્મિકા મંદાના, મૃણાલ ઠાકુર, અર્શદ વારસી અને જાહ્નવી કપૂર વગેરે કલાકારો પોતાનું શૂટિંગ ચાલુ રાખશે. 'રાકા' ફિલ્મમાં અમુક સાયન્સ ફિક્શન પ્રકારનાં દ્રશ્યો પણ છે. દિગ્દર્શક એટલી આ તમામ દ્રશ્યોનું શૂટિંગ આગામી નવેમ્બર સુધીમાં પૂરું કરે તેવી પૂરી શક્યતા છે અને ત્યારબાદ જ ફિલ્મના આગલા તબક્કાનું શૂટિંગ શરૂ થઈ શકશે.
દીપિકા પદુકોણની આગામી ફિલ્મોના લિસ્ટ પર નજર નાખીએ તો 'પઠાણ-ટુ', 'રાકા', 'કિંગ' અને 'કલ્કી ૨૮૯૮ એડી -ટુ' જેવી મોટી ફિલ્મોનો સમાવેશ થાય છે.
'પઠાણ ૨'માં એ શાહરુખ ખાન સાથે તે ફરી સ્ક્રીન શેર કરશે. 'રાકા' અલ્લુ અર્જુન સાથેની એક બિગ બજેટ એક્શન-થ્રિલર ફિલ્મ છે. 'કલ્કી ૨૮૯૮ એડી-ટુ' એટલે પ્રભાસ અને અમિતાભ બચ્ચન સાથેની હિટ ફિલ્મનો બીજો ભાગ. 'કિંગ' નામની શાહરુખ ખાનની ફિલ્મમાં પણ તે મહત્વના રોલમાં જોવા મળી શકે છે. બીજી તરફ, 'બ્રહ્મા-ટુ' મૂવીને લઈને પણ અનેક ચર્ચાઓ ચાલી રહી છે. દીપિકા પદુકોણ અગાઉ આ મૂવીનો હિસ્સો હતી અને પહેલી ફિલ્મના અંતિમ સીનમાં તેની ઝલક પણ બતાવવામાં આવી હતી. તેમાં દીપિકાને 'અમૃતા'ના રોલમાં દર્શાવાઈ હતી, જે શિવા (રણબીર કપૂર)ની માતા છે. ત્યારબાદ એવું માનવામાં આવતું હતું કે બીજા ભાગમાં દીપિકાનો રોલ વાર્તા માટે અત્યંત મહત્ત્વનો રહેશે, પરંતુ હવે અહેવાલો મુજબ સ્પષ્ટતા થઈ ગઈ છે કે દીપિકા આ ફિલ્મનો હિસ્સો નથી.




