Chitralok

ચલ દે વહાં... તુઝ કો મિલે પ્યાર જહાં

By GS Team
29 Oct 20265 mins read
ચલ દે વહાં... તુઝ કો મિલે પ્યાર જહાં
  • સિને મેજિક- અજિત પોપટ
  • જૂની ફિલ્મોનાં યાદગાર ગીતો રજૂ કરતી કેટલીક ક્લબોમાં ઠીક ઠીક આશાસ્પદ કહી શકાય એવા યુવાન કલાકારો વોઇસ ઓફ રફી કે વોઇસ ઓફ લતા તરીકે લોકપ્રિય ગીતો રજૂ કરતાં હોય છે. પણ 'અન્નદાતા' ફિલ્મનું ખુદ લતા મંગેશકરને ગમેલું એક ગીત બહુ ઓછા કાર્યક્રમોમાં સાંભળવા મળે છે.

૧૯૭૦ના દાયકામાં એક તરફ અમિતાભ બચ્ચનની એંગ્રી યંગ મેનની એક્શન ફિલ્મો તડાફડી બોલાવી રહી હતી, બીજી બાજુ કહેવાતી પેરેલલ ફિલ્મો બની રહી હતી. ત્યારે કેટલાક એવા ફિલ્મ સર્જકો હતા જે પરંપરાગત સામાજિક વાર્તા પરથી એક સરખી ટીઅર જર્કર તરીકે ઓળખાતી ફિલ્મો બનાવી રહ્યા હતા. આપણે 'પરખ' ફિલ્મનાં ગીતોનો આસ્વાદ માણ્યો (૨૮-૦૮-૨૬) ત્યારે વાત કરેલી કે એક કરોડપતિ સજ્જન એવી વ્યક્તિને પાંચ લાખ રૂપિયા આપવા માગે છે જે પોતાના ગામનો સર્વાંગી વિકાસ કરવા ઇચ્છતો હોય. આજે એવા ગામ અને એવા લોકો ક્યાં મળે? હવે ૧૯૭૨માં અભિનેતા ફિલ્મ સર્જક આસિત સેન આ વાર્તામાં સહેજ ફેરફાર સાથેની એવી વાર્તા લઇ આવ્યા જેમાં એક કરોડપતિ પોતાની સંપત્તિના લાલચુ સગાંસંબંધીને જોઇને ડઘાઇ જાય છે એટલે પોતાની સંપત્તિ પોતાના વિશ્વાસુ વકીલ પાસે છોડીને એક એવા ગામમાં જઇ ચડે છે, જ્યાં વસતા એક ગરીબ ચિત્રકાર અને કપડાં સીવીને ઘર ચલાવતી યુવતીની રહેણીકરણી અને નિસ્વાર્થ વર્તન જોઇને વિસ્મય અનુભવે છે. આ બંનેને એની સંપત્તિમાં રસ નથી. એ જોઇને પેલો ધનાઢય ત્યાં વસી
જાય છે.
યસ, ફિલ્મ હતી 'અન્નદાતા'. શ્રીમંત અંબાપ્રસાદ અન્નદાતા તરીકે ઓળખાય છે કારણ કે એ ગરીબોને ભરપેટ ભોજન કરાવે છે. રસપ્રદ વાત એ છે કે લગભગ સાવ નવોદિત કહેવાય એવાં હીરો હિરોઇન હોવા છતાં અને વાર્તા જાણીતી હોવા છતાં આ ફિલ્મ સારી ચાલી. કમાણી પણ સારી કરી. ચરિત્રનટ તરીકે પ્રસિદ્ધ અભિનેતા ઓમપ્રકાશે કરોડપતિ વ્યક્તિનો રોલ કરેલો. એના વિશ્વાસુ હસમુખા,પારસી વકીલ પેસ્તનજી વસિયતવાલા તરીકે આપણા ગુજરાતી અભિનેતા-કમ-ફિલ્મ સર્જક કૃષ્ણકાંત હતા. મુખ્ય ભૂમિકા પૂણેની ફિલ્મ ઇન્સ્ટીટયુટમાંથી સ્નાતક થઇને બહાર પડેલા અનિલ ધવન અને જયા ભાદુડી (આજે જયા બચ્ચન)એ ભજવી હતી. (આમ તો અનિલની આ બીજી ફિલ્મ. પહેલી ફિલ્મ બી. આર. ઇશારાની 'ચેતના' હતી). જયા ભાદુડીની પહેલી ફિલ્મ 'ગુડ્ડી' હતી. સહાયક કલાકારોમાં પોતાની ડાયલોગ ડિલિવરીની આગવી સ્ટાઇલ ધરાવતા કન્હૈયાલાલ અને લીલા મિશ્રા હતાં.
આ ફિલ્મનાં ગીતો યોગેશે રચ્યાં હતાં અને સંગીત સલિલ ચૌધરીનું હતું. અહીં એક વાત યાદ કરવા જેવી છે. જૂની ફિલ્મોનાં યાદગાર ગીતો રજૂ કરતી કેટલીક ક્લબોમાં ઠીક ઠીક આશાસ્પદ કહી શકાય એવા યુવાન કલાકારો વોઇસ ઓફ રફી કે વોઇસ ઓફ લતા તરીકે લોકપ્રિય ગીતો રજૂ કરતાં હોય છે. પણ આ ફિલ્મનું ખુદ લતા મંગેશકરને ગમેલું એક ગીત બહુ ઓછા કાર્યક્રમોમાં સાંભળવા મળે છે. લતાએ આ ગીતના સ્વરાંકન વિશે બોલતાં કહેલું કે આ ગીતની તર્જ થોડી મુશ્કેલ છે. સારો એવો રિયાઝ હોય અને ક્લાસિકલની પાક્કી તાલીમ હોય તો કદાચ કોઇ ગાઇ શકે. ગીતમાં એક પ્રણયઘેલી યુવતીના મનની વાત થઇ છે. એ ગીત આ રહ્યું- 'રાતોં કે સાયે ઘને, જબ બોજ દિલ પર બને, ન તો જલે બાતી, ન હો કોઇ સાથી, ફિર ભી ન ડર અગર બુઝે દિયે, સહર તો હૈ તેરે લિયે…' સહર એટલે પરોઢિયું, સવાર… ગીતમાં એક આશાવાદ પ્રગટ થયો છે. આ ગીત જયા ભાદુડી પર સરસ રીતે ફિલ્માવાયું છે અને ગીતનાં તર્જલય સંગીત રસિકના હૈયા સોંસરવા ઊતરી જાય એવાં છે.
સંપત્તિના લાલચુ ગીધડાં જેવાં સ્વજનોને જોઇને અંબાપ્રસાદ પોતાના વફાદાર કૂતરા સાથે શહેર છોડીને નીકળી પડે છે એ ગીત મન્ના ડે અને સબિતા ચેટરજીએ જમાવ્યું છે. 'યહાં અબ ક્યા રહના, કિસી સે ક્યા કહના, ચલ દે વહાં, તુઝ કો મિલે પ્યાર જહાં…, કોઇ નહીં તેરા સાથી, હૈ સાથી સબ ધન કે, સમજે દુ:ખ ના તેરે મન કે, મતલબ કે સબ હૈ તેરે યાર યહાં…' ઓમપ્રકાશે ચહેરા પર ગીતના શબ્દોને અનુરૂપ ભાવ પરદા પર જીવંત કર્યા છે. સદા સુહાગિન ભૈરવી રાગિણીનો આધાર લઇને સંગીતકારે અહીં શબ્દોમાં કરુણ ભાવ પ્રગટાવ્યા છે.
લતાના કંઠે ઔર એક વિરહગીતે પરદા પર ગજબની મોહિની પાથરી હતી. 'જિયા લાગે ના તેરે બિના જૈસે પ્રીતમ હાય, ચાંદની બિના રાત ન ભાયે…' આ ગીતમાં જયા ભાદુડીએ કરેલો અભિનય કોઇ પાકટ અભિનેત્રી જેવો રહ્યો. પરદા પર આ ગીત નિહાળતાં લતા અને મદન મોહનનાં ગીતો જેવો પ્રભાવ
સર્જાયો હતો.
ઓડિયન્સમાં મહિલાઓ હોય અને વારે વારે આંખના ખૂણા ભીંજવતી હોય એવી કથા ધરાવતી ફિલ્મોમાં અગાઉ મહેમૂદ, જ્હોની વોકર કે અન્ય કોમેડિયન દ્વારા વચ્ચે વચ્ચે ઠોકી બેસાડેલા રમૂજી દ્રશ્યો મૂકી દેવાતા. અહીં જરા જુદો પ્રયોગ આસિત સેને કર્યો છે. ગામડામાં કોઇ ઉત્સવ પ્રસંગે કથક ડાન્સર ગોપીકૃષ્ણ અને મધુમતી ડાન્સ કરતાં હોય એ રીતે એક ગીત ફિલ્માવાયું છે. સ્થાનિક લોકબોલીમાં હોય એવા શબ્દો છે- 'હે મેરી પ્રાણ સજની ચંપાવતી આજા, હાય લેકર ચૈન મેરા, દૂર તુ મુઝ સે ન જા…' બંને મુખ્ય પાત્રો આ ડાન્સ માણી રહ્યાં હોય એવું ફિલ્માંકન છે. આ ગીત ઊપડે છે રાગ પહાડીમાં અને વચ્ચે વચ્ચે અંતરામાં ભૈરવીનાં સ્વરો ગૂંજે છે. ફરી પાછું મુખડા પર આવે ત્યારે રાગ પહાડી પાછો ફરે છે. આ ડયુએટ કિશોર કુમાર અને સબિતા ચેટરજીના કંઠમાં છે.
લતાના કંઠે રાતોં કે સાયેમાં વિરહિણી નાયિકાના મનોભાવ રજૂ થયા એ રીતે નાયકના મનોભાવો કિશોર કુમારના કંઠે રજૂ થયા છે. અહીં અમુક શબ્દોના પુનરાવર્તન દ્વારા નાયકના મનની પીડાને સઘન બનાવી છે. 'ગુજર જાયે દિન દિન દિન કી હર પલ ગીન ગીન ગીન, કિસી કી હાય યાદોં મેં, કિસી કી હાય બાતોં મેં, કિસી કી મુલાકાતોં મે, કિસી કી મુલાકાત હો સકતી હૈ, યે સિલસિલે જબ સે ચલે, ખ્વાબ હો ગયે મેરે રંગીન…'
અનિલ ધવનની આ બીજી ફિલ્મ હતી એટલે હજુ કોઇ ચોક્કસ પુરુષ ગાયક એના કંઠ તરીકે પંકાયો નહોતો. એનો લાભ લઇને સલિલદાએ અહીં એક ગીત મૂકેશના કંઠે રજૂ કર્યું છે. નાયક એવો ચિત્રકાર છે જેનાં ચિત્રો હજુ મોં માગી કિંમતે વેચાવાના શરૂ થયા નથી. એ એક પ્રકારની દ્વિધા અનુભવે છે. એ દ્વિધા આ ગીતનો કેન્દ્રવર્તી ભાવ છે. 'નૈન હમારે સાંઝ સકારે, દેખે લાખોં સપને, સચ યે, લેકિન હોંગે યા નહીં, કોઇ જાને ના…' પરદા પર આ ગીતે સરસ પ્રભાવ સર્જ્યો હતો. મૂકેશના ચાહકોએ આ ગીત સંઘર્યું હોઇ શકે બાકી બહુ સંભળાતું નથી. આ ગીતમાં સલિલદાએ રાગ કીરવાણીનો આધાર લીધો છે. જોકે વચ્ચે વચ્ચે પીલુ અને ભૈરવી પણ ડોકિયાં કરે છે. છ માત્રાના દાદરા તાલમાં ગીત સરસ બન્યું છે.
અગાઉ કહ્યું એમ નવોદિત કલાકારો અને જૂની ને જાણીતી કથા હોવા છતાં ફિલ્મ ચાલી હતી અને એના સર્જકને સારી કમાણી કરાવી આપી હતી. સલિલદાના ખાસ કરીને મૂકેશ અને લતાનાં ગાયેલાં ગીતો વખણાયાં હતાં.