Chitralok

બોલિવુડનાં ગોવિંદા ગીતોમાં સમાયેલી છે કૃષ્ણ ભક્તિ અને મસ્તી

By GS Team
3 Sep 20265 mins read
બોલિવુડનાં ગોવિંદા ગીતોમાં સમાયેલી છે કૃષ્ણ ભક્તિ અને મસ્તી
  • મોહમ્મદ રફીના બુલંદ અને એનર્જેટિકમાં ગવાયેલું અને કલ્યાણજી-આણંદજી દ્વારા કંપોઝ થયેલું ગીત 'ગોવિંદા આલા રે આલા…' અમર બની ગયું છે. આજે છ દાયકા પછી પણ આ ગીત દહીં હાંડી સમારંભોમાં જબરદસ્ત ઉર્જા ઉત્પન્ન કરી શકે છે.

જન્માષ્ટમી અને દહીં હાંડીનો સંબંધ માત્ર ધાર્મિક આસ્થા સુધી સીમિત નથી. આ ઉત્સવ ઉલ્લાસ, સામૂહિકતા, સંગીત અને નૃત્યનું પણ પ્રતીક છે. ખાસ કરીને મુંબઈ અને મહારાષ્ટ્રમાં દહીં હાંડીના અવસરે ઢોલ નગારા સાથે ફિલ્મી ગીતોની ગૂંજ વાતાવરણને અલગ જ રંગ આપે છે. બોલીવૂડે પણ આ ઉત્સવને વારંવાર મોટા પડદા પર ઉતારીને કેટલાક એવા ગીતો આપ્યા છે, જે ફિલ્મોથી નીકળીને વાસ્તવિક જીવનમાં દહીં હાંડી સમારંભોની ઓળખ બની ગયા છે.
આ ગીતોની સૌથી મોટી ખાસીયત એ રહી છે કે તેમાં કૃષ્ણની બાળ-સહજ મસ્તી, યુવાનીનું જોશ અને સામૂહિક ઉત્સવ- ત્રણેય એક સાથે નજરે પડે છે. જ્યારે વાત દહીં હાંડીના ગીતોની થાય, ત્યારે સૌ પ્રથમ યાદ આવે ૧૯૬૩ની ફિલ્મ બ્લફ માસ્ટરનું અમર ગીત ગોવિંદા આલા રે આલા. મોહમ્મદ રફીના બુલંદ અને ઉત્સાહી અવાજ, કલ્યાણજી-આણંદજીનું જોશીલુ સંગીત અને શમ્મી કપૂરની બેફિકર અદાએ આ ગીતને કાલજયી બનાવી દીધું છે. આજે છ દાયકા કરતા વધુ સમય પછી પણ આ ગીત દહીં હાંડી સમારંભોમાં એટલી જ ઊર્જા ઉત્પન્ન કરી શકે છે.
આ ગીતની વિશેષતા માત્ર તેની ધૂન નથી. શમ્મી કપૂરનો ડાન્સ, ભીડનો ઉત્સાહ અને ઉત્સવનું દ્રશ્ય એને લોકગીત જેવું રૂપ આપે છે, જેને દરેક પેઢી સરળતાથી અપનાવી લે છે. વાસ્તવમાં પછીના દરેક દહીં હાંડીના ગીતો માટે ગોવિંદા આલા રે એક પ્રકારનો સિનેમેટીક માપદંડ બની ગયો.
ત્યાર પછી ૧૯૭૪માં ફિલ્મ બદલાનું શોર મચ ગયા શોર આવ્યું. શત્રુઘ્ન સિંહા જેવા ગંભીર છબીવાળા અભિનેતાને દહીં હાંડીના ઉલ્લાસમાં નાચતો જોવો એ સમયના દર્શકો માટે એક ખાસ અનુભવ હતો. કિશોર કુમારના અવાજે ગીતમાં એવી મસ્તી ભરી દીધી કે આજે પણ તે ઉત્સવની લોકપ્રિય ધૂન બની ગયું છે.
પછી આવ્યો અમિતાભ બચ્ચનનનો સમય. ૧૯૮૨ની ફિલ્મ ખુદ્દારના મચ ગયા શોર સારી નગરી રે દહીં હાંડી ગીતોની યાદીમાં કદાચ સૌથી લોકપ્રિય ગીતોમાં સામેલ છે. અમિતાભ બચ્ચન અને પરવીન બાબી પર ચિત્રિત આ ગીત કિશોર કુમાર અને લતા મંગેશકરના અવાજોથી સજ્જ હતું. ગીતમાં મુંબઈની ગલીઓ જેવું વાતાવરણ, નૃત્ય, ગૂંજ અને ઉત્સાહ નજરે પડતા હતા.
આ ગીતનું એક યાદગાર પાસુ અમિતાભ બચ્ચનનું દહીં હાંડી ફોડવાનું છે. બિગ બીની ઊર્જાવાન સ્ક્રીન હાજરીએ આ દ્રશ્યને ખાસ બનાવી દીધું. અમિતાભ માટે જ્યારે આ એક વધુ યાદગાર ફિલ્મી ગીત હતું, ત્યારે દહીં હાંડી પ્રેમીઓ માટે આ તહેવારનો સ્થાયી હિસ્સો બની ગયું. આજે પણ જન્માષ્ટમી પર આ ગીત વાગતા જ જૂના મુંબઈ અને તેના ઉત્સવી વાતાવરણની યાદ તાજી થઈ જાય છે.
૧૯૮૯ની કાલા બજારમાં આલા રે આલા ગોવિંદા આલાએ આ જ પરંપરાને આગળ ધપાવી. અનિલ કપૂર, જેકી શ્રોફ અને અન્ય કલાકારો પર ફિલ્માવાયેલા આ ગીતે સામૂહિક ઉત્સાહ અને પ્રતિયોગિતાની ભાવના સામે લાવી. ગીત દરમ્યાન દહીં હાંડી સુધી પહોંચવાનો પ્રયાસ અને માનવીય પિરામિડનું દ્રશ્ય ઉત્સવને રોમાંચક બનાવે છે. રસપ્રદ વાત છે કે આ દ્રશ્યમાં દહીં હાંડી તોડવાના પ્રયાસ વચ્ચે વાર્તામાં અચાનક હિંસક વળાંક પણ આવે છે, જેનાથી ગીતનો પ્રભાવ વધુ યાદગાર બની જાય છે.
૧૯૯૯ની હેલો બ્રદરના ચાંદી કી ડાલ પર દહીં હાંડીને અલગ, વધુ ગ્લેમરસ અંદાજમાં રજૂ કરે છે. સલમાન ખાન અને રાણી મુખર્જી પર ફિલ્માવાયેલું આ ગીત ૯૦ના દાયકાની રંગીન, મસાલેદાર બોલીવૂડ શૈલીનું પ્રતિનિધિત્વ કરે છે. સલમાન ખાનનું માનવ પિરામિડ પર ચઢવું અને ગીતની મસ્તી તેને આજે પણ તહેવારોના પ્લેલિસ્ટમાં જાળવી રાખે છે.
૧૯૯૯ના જ વાસ્તવનું હર તરફ હૈ યે શોર પણ ઉલ્લેખનીય છે. સંજય દત્ત પર ફિલ્માવાયેલું આ ગીત દર્શાવે છે કે દહીં હાંડીનો ઉપયોગ માત્ર હળવા મનોરંજન માટે નહિ, પણ ફિલ્મની વાર્તા અને વાતાવરણને મજબૂત કરવા માટે કરી શકાય છે. દહીં હાંડીની ભીડ અને શોર વચ્ચે પાત્રોની હાજરી ગીતને વાર્તાનો હિસ્સો બનાવી દે છે.
અને પછી ૨૦૧૨માં આવ્યું ઓહ માય ગોડનું ગો ગો ગો ગોવિંદા. આ ગીત પરંપરા અને આધુનિક બોલીવૂડનું શાનદાર મિશ્રણ છે. પ્રભુદેવા અને સોનાક્ષી સિંહાના જોરદાર ડાન્સની પ્રસ્તુતિ, તેજ સંગીત અને આધુનિક કોરિયોગ્રાફીએ આ ગીતને નવી પેઢીનું દહીં હાંડી ગીત બનાવી દીધું. પણ આ ગીતની સૌથી મોટી વિશેષતા માત્ર તેનો ડાન્સ નહોતો. પહેલી જ વાર લોકપ્રિય હિન્દી સિનેમામાં એક મહિલાને દહીં હાંડીની માનવ પિરામિડ પર ચઢીને મટકી ફોડતા દેખાડવામાં આવી. સોનાક્ષીએ પ્રભુદેવાની સાથે કદમ મિલાવીને આ દ્રશ્યને યાદગાર બનાવી દીધું.
રસપ્રદ બાબત એ પણ હતી કે ઓહ માય ગોડમાં દહીં હાંડીનો માત્ર ઉત્સવ તરીકે જ નહિ, પણ સામાજિક ટિપ્પણીના સંદર્ભમાં પણ ઉપયોગ કરાયો. ફિલ્મમાં ધાર્મિક આસ્થા, દંભ અને ઉત્સવ દરમ્યાન યુવાનો દ્વારા જોખમ ઉઠાવવા જેવા સવાલો ઊભા કરાયા. આ રીતે ગીત મનોરંજનની સાથે ફિલ્મના વિચારને પણ આગળ ધપાવે છે.
દહીં હાંડીની ફિલ્મી સફરમાં હેપ્પી ન્યુ યર જેવી પછીની ફિલ્મોએ પણ આ પરંપરાને આગળ વધારી. તેમજ રંગરેજના ગોવિંદા આલા રે જૂના ક્લાસિકને આધુનિક અંદાજમાં યાદ કરે છે.
હકીકતમાં બોલીવૂડના દહીં હાંડી ગીતો માત્ર ગીત નથી. તે બદલાતા ભારતીય સિનેમા અને સમાજની તસ્વીર પણ છે. શમ્મી કપૂરના સમયમાં જ્યારે દહીં હાંડી બેફિકર મસ્તી અને સામૂહિક ઉલ્લાસનું પ્રતીક હતું ત્યારે અમિતાભ બચ્ચનના દૌરમાં તેમાં નાયકત્વ જોડાયું. સલમાન ખાનના સમયમાં ગ્લેમર આવ્યું અને સોનાક્ષી-પ્રભુદેવાના સમયમાં આધુનિક નૃત્ય અને મહિલા ભાગીદારીએ તેને નવું રૂપ આપ્યું.
આ ગીતોની લોકપ્રિયતાનું રહસ્ય કદાચ આ જ છે કે દહીં હાંડી સ્વયં એક સામૂહિક ઉત્સવ છે. તેમાં કોઈ એકલો વ્યક્તિ વિજેતા નથી હોતો, નીચે ઊભેલા લોકોથી લઈને સૌથી ઉપર ચઢનાર ગોવિંદા સુધી, સફળતા તમામના સહયોગથી મળે છે. આ જ ભાવના બોલીવૂડના આ ગીતોમાં પણ સંભળાય છે.