હિરોઈનોને આગળ રાખતી ફિલ્મો પર બોલિવુડ દાવ રમતું થયું છે

- 'બોલિવુડ આજે ત્રિભેટે આવીને ઊભું છે. મહિલા પ્રધાન બિગ બજેટ ફિલ્મો પ્રોડયુસરોનો એવો વિશ્વાસ દર્શાવે છે કે હિરોઈનનો લીડ રોલ ધરાવતી ફિલ્મો બોક્સ ઓફિસ પર સારું પરિણામ આપી શકે છે.'
આપણા સમાજની જેમ આપણું સિનેમા પણ પુરુષ પ્રધાન છે. મોટાભાગની હિન્દી ફિલ્મોના કેન્દ્રમાં એનો હીરો એટલે કે નાયક હોય છે. એ સર્વગુણ સંપન્ન છે અને એના માટે કોઈ પરાક્રમ અશક્ય નથી. જ્યારે હિરોઈનના ભાગે માત્ર હિરોની પત્ની કે પ્રેમિકા બનવાનું આવે છે. મૂવીની સ્ટોરીમાં હિરોઈનનું પાત્ર શોભાની પૂતળી બની રહે છે. પરંતુ બદલાતા સમય સાથે બોલીવુડમાં બદલાવ આવી રહ્યો છે. ફિલ્મ મેકર્સ હવે એકલી હિરોઈનની આસપાસ ફરતી સ્ટોરીઝ પર ફિલ્મ બનાવતા થયા છે. આલિયા ભટ્ટ અને શર્વરીની 'આલ્ફા', હુમા કુરેશીની 'બેબી ડુ ડાયડુ' અને સની મુખરજીની 'મર્દાની ૩' એના તાજા દાખલા છે. હજુ બીજી નારી કેન્દ્રી ફિલ્મો થિયેટ્રીકલ રિલીઝ માટે તૈયાર છે. એમાં કરીના કપૂર ખાનની 'દાયરા' શ્રધ્ધા કપૂરની 'ઈથા' અને આદિત્ય સરપોતદારની 'શક્તિ શાલિની' સામેલ છે. આ ત્રણેય નારી પ્રધાન ફિલ્મો એક પછી એક થિયેટરોમાં રિલીઝ થવાની છે. નોંધવા જેવી વાત એ છે કે એ મર્યાદિત બજેટની અંતરંગ વાર્તા માંડતી અને ખાસ પ્રકારની ફિલ્મ ફેસ્ટિવલ્સમાં બનાવાયેલી મૂવી જ નથી. એ ક્રાઈમ થ્રિલર, બાયોગ્રાફિકલ ડ્રામા અને સુપર નેચરલ એન્ટરટેનર ફિલ્મો છે. એ મૂવી જ ઈન્ડસ્ટ્રીના મોટા સ્ટુડિયોઝે થિયેટ્રીકલ રિલીઝ માટે બનાવેલી મૂવી જ છે.
ઈન્ડસ્ટ્રીની વિચારસરણી અને વલણમાં બદલાવ આવ્યો કે અત્યાર સુધી હિરોની આસપાસ ઘૂમતી મોટી કમર્શિયલ ફિલ્મો આપતું આવેલું બોલીવુડ હવે એકટ્રેસો પર મોટો દાવ ખેલવા તૈયાર થયું છે. આ પરિવર્તન વિશે પોતાનું નિરીક્ષણ આપતા હિન્દી સિનેમાના એક અભ્યાસ મોભી કહે છે, 'બોલીવુડ આજે ત્રિભેટે આવીને ઊભું છે. મહીલા પ્રધાન બિગ બજેટ ફિલ્મો પ્રોડયુસરોનો એવો વિશ્વાસ દર્શાવે છે કે હિરોઈનનો લીડ રોલ ધરાવતી કમર્સિયલ એન્ટરટેનર ફિલ્મો બોક્સ ઓફિસ પર સારું પરિણામ આપી શકે છે. આ સંદર્ભમાં આવતા થોડા મહિના નિર્ણાયક બની રહેવાના છે. જો આ ફિલ્મો સફળ થઈ તો એ મોટા સ્ટુડિયોઝને લાર્જ સ્કેલ નારી કેન્દ્રી પ્રોજેક્ટસમાં વધુ મૂડીરોકાણ કરવા પ્રેરી શકે છે. પછી તો હિરોઈન ઓરિયન્ટેડ ફિલ્મો ક્યારેક જ અજમાવાતો એક પ્રયોગ નહિ પણ મુખ્ય પ્રવાહનો ટ્રેન્ડ બની જશે.
ફિલ્મ ઈન્ડસ્ટ્રીના અર્થશાસ્ત્રને થિયેટર માલિકો બહુ સારી રીતે સમજે છે. આશીર્વાદ થિયેટર્સ પ્રાઈવેટ લિમિટેડના ડાયરેક્ટર અક્ષય રાઠી પોતાનો પ્રેકટીકલ ઓપિનિયન આપતા કહે છે, 'ઈન્ડસ્ટ્રીનો નાયિક પ્રધાન ફિલ્મો પર વધતો જતો ભરોસો એની બદલાયેલી અર્થ વ્યવસ્થાને પણ આભારી છે. આજે ફિલ્મ મેકર્સનો આત્મવિશ્વાસ બુલંદ છે કારણ કે ફિલ્મોના સ્ટ્રીમિંગ અને બીજી અમુક રાઈટસમાંથી થતી આવકને કારણે એમનું નાણાકીય જોખમ ઘણું ઓછું થઈ ગયું છે. એને લીધે તેઓ મહીલા પ્રધાન ફિલ્મો પર મોટો દાવ રમવાની છુટ લઈ શકે છે.'
રાઠી એક બીજો પણ મહત્ત્વનો મુદ્દો મુકતા કહે છે, 'એકટર્સના વળતરનું નવું મોડલ આવ્યું છે એ પણ મોટી મૂવીઝના પ્રોડકશનને વધુ વ્યવહારુ બનાવી શકે. જો વધુને વધુ એકટરો અને એકટ્રેસીસ પ્રોફિટ- શેરિંગ મોડલ્સ અપનાવતા થાય તો વધુ મોટી અને બહેતર ફિલ્મો બનાવવા વધુ નાણાં રોકી શકાય. એને પગલે વધુ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટસ લોન્ચ કરી શકાય, પછી ભલે એમાં મેન રોલ હિરોનો કે હિરોઈનનો હોય.'
ડિરેકટર આદિત્ય સરપોતદારે પોતાની આગામી ફિલ્મ 'શક્તિ શાલિની' પ્રમાણમાં નવોદિત કહી શકાય એવી અનીત પડ્ડાને લીડ રોલમાં લઈને મોટા બજેટમાં બનાવવાનું જુગટું ખેલ્યું છે. પરંતુ એમને એ વિશે લગીરે ઉથડકો નથી. એટલા માટે કે તેઓ મક્કમપણે એવું માને છે કે બિઝનેસ જેટલી જ દર્શકોની અપેક્ષાઓ પણ બદલાઈ છે. 'લાંબા અરસા સુધી મહીલાપ્રધાન ફિલ્મો સાવ જુદા પ્રકારની કેટેગરીમાં મૂકાતી અથવા એમને અલગ પ્રકારના કમર્શિયલ માપદંડથી જજ કરવામાં આવતી હતી. આજે એમાં પરિવર્તન આવ્યું છે. દર્શકો હવે ફિલ્મમાં મુખ્ય પાત્ર નાયકનું છે કે નાયિકાનું એનો વિચાર કર્યા વિના પડદા પર રસપ્રદ સ્ટોરીઝને ઉમળકાભેર રિસ્પોન્સ આપતા થયા છે. એમને સિનેમામાં રસપ્રદ વાર્તા અને પાત્રો ઉપરાંત એક નવો અનુભવ ખપે છે.'
હિન્દી સિનેમાં નારી પ્રધાન ફિલ્મોનો કદી સાવ દુકાળ પણ નથી પડયો. ભૂતકાળમાં કલાસિક ફિલ્મો 'મધર ઈન્ડિયા અને બંદિની', બની પછી મનોરંજન પીરસતી 'સીતા ઔર ગીતા' આવી પછી નજીકના ભૂતકાળમાં 'ક્વિન', 'રાઝી', 'ગંગુભાઈ કાઠિયાવાડી' અને 'ક્રુ' એ તડાકો પાડયો. એ દર્શાવે છે કે સિનેમાપ્રેમીઓ મહીલા નાયિકાઓને આવકારતા આવ્યા છે. પરંતુ આવી ફિલ્મો એકંદરે અપવાદ બની રહેતી. જ્યારે હવે એકટ્રેસોને લીડ રોલમાં લઈને બિગ બજેટ એકશન અને એન્ટરટેઈનિંગ મૂવીજ બની રહી છે. એક જાણીતા ટ્રેડ એકસપર્ટ ચર્ચાનું સમાપન કરતા કહે છે, 'તમે સારી ફિલ્મ બનાવો તો એને ઓડિયંસ મળી જ રહેવાનું છે. ભૂતકાળમાં શબાના આઝમી, રેખા, વિદ્યા બાલન અને હેમા માલિની જેવી આપણા ઘણી એકટ્રેસોએ ફિલ્મોમાં લીડ રોલ્સ કર્યા છે અને એ ફિલ્મો કમર્સિયલી સફળ પણ રહી છે. હવે લોકોને સ્ટીરિયો ટાઈપ નહિ પણ નોખા પ્રકારની સ્ટોરીઝ જોઈએ છે. તમારી મૂવીની સ્ટોરી મજબુત હશે તો એમાં હિરો લીડ રોલમાં છે કે હિરોઈન એનાથી પ્રેક્ષકોને કોઈ ફરક નથી પડતો. તેઓ ફિલ્મ જોવા થિયેટરોમાં આવશે જ આવશે.'




