Chitralok

ભારતી સિંહ: સંઘર્ષમાંથી સુપર સફળતા

By GS Team
23 Jul 20263 mins read
ભારતી સિંહ: સંઘર્ષમાંથી સુપર સફળતા
  • 'બે દીકરાના ઉછેર સાથે કારકિર્દીમાં વ્યસ્ત રહેવું બહુ પડકારરૂપ કામ છે'

ટેલિવિઝન અને ઓવર ધ ટોપ (ઓટીટી) પર ભરપૂર મનોરંજન વહી રહ્યું છે. ટીવી સિરિયલો ઉપરાંત પણ કોમેડી, સંગીત, નૃત્ય, વિવિધ પ્રતિભા એમ ઘણા કાર્યક્રમો રજૂ થઇ રહ્યા છે. આવા વિવિધ કાર્યક્રમોથી ઘણા કલાકારોને તક પણ મળે છે.
ભારતી સિંહ આવી જ ફિલ્મ અને ટેલિવિઝનની અભિનેત્રી, મનોરંજન કાર્યક્રમની સંચાલિકા, હાસ્ય કલાકાર છે. ભારતી સિંહ ઘણા હાસ્યસભર કાર્યક્રમોમાં હિસ્સો લે છે.
અમૃતસરના પંજાબી પરિવારમાં જન્મેલી ભારતી સિંહ કહે છે, હું શાળાના અભ્યાસથી જ નાટકો અને મનોરંજન કાર્યક્રમોમાં ઉત્સાહભેર હિસ્સો લેતી. સાથોસાથ મને રમતગમતનો અને ખાસ કરીને સાહસિક રમતોનો જબરો શોખ રહ્યો છે. કોમેડી સર્કસ, નચ બલિયે, ઝલક દિખલા જા, કપિલ શર્મા શો વગેરેમાં હિસ્સો લેનારી ભારતી સિંહ કહે છે, મેં મારા જીવનમાં અને કારકિર્દીમાં ઘણો સંઘર્ષ કર્યો છે. હા, મને મહેનતનાં મીઠાં ફળ પણ મળ્યાં છે. અમે શાળાના ભણવાના દિવસોમાં ઘરે ટીવી પર રજૂ થતી જુદી જુદી સિરિયલો જોવાનો આનંદ માણતાં. મને કહીં તો હોગા ટીવી સિરિયલનો હીરો રાજીવ ખંડેલવાલ બહુ જ ગમતો. આજે પણ મનપસંદ છે. મને કહીં તો હોગા ટીવી સિરિયલમાં રાજીવ ખંડેલવાલે ભજવેલું સુજલનું પાત્ર બેહદ પસંદ હતું. સિરિયલમાં રાજીવ અને અભિનેત્રી આમના શરીફની જોડી આખા ભારતમાં જબરી લોકપ્રિય થઇ હતી. હું રાજીવ ખંડેલવાલને ટીવી પર જોઇને મનમાં ને મનમાં રાજી થતી. એમ કહો કે ભરપૂર પ્રેમ કરતી. ક્યારેક તો રાજીવ ખંડેલવાલ મારા સપનામાં પણ દેખાતો.
ધ ગ્રેટ ઇન્ડિયન લાફ્ટર ચેલેન્જ સ્પર્ધામાં સેકન્ડ રનર-અપ રહેલી ભારતી સિંહ કહે છે, મને ૨૦૧૧માં પહેલી જ વખત એક નૂર (પંજાબી) નામની ફિલ્મમાં અભિનયની તક મળી. ત્યાર બાદ મને ત્યારબાદ મને ખિલાડી - ૭૮૬, સનમ રે, રોકી ઔર રાની કી પ્રેમ કહાની વગેરે હિન્દી ફિલ્મોમાં પણ તક મળી.
ટીવી અને ફિલ્મ જગતમાં કામ કરતાં મારો પરિચય હર્ષ લિંબાચિયા ( સાચું નામ હેમંત કુમાર છે) સાથે થયો. હર્ષ લિંબાચિયા ટીવી સિરિયલો અને ફિલ્મ પટકથા લેખક, ટીવી મનોરંજન કાર્યક્રમોનો સંચાલક, નિર્માતા છે. અમે ૨૦૧૭માં લગ્ન કર્યાં. આજે અમે લક્ષ્ય (ગોલુ) અને યશવીર (કાજુ) અમે બે દીકરાનાં માતાપિતા છીએ.
મારો મોટો પુત્ર ગોલુ જબરો રમતિયાળ છે. ખરું કહું તો મને મારા બંને દીકરા મારા જીવ કરતાં પણ વધુ વ્હાલા છે. બસ, બંને સાજાનરવા રહે અને સારું ભણતર મેળવે એ જ ઇચ્છા છે. ભારતી સિંહ એક માતા તરીકે બે સંતોનાના ઉછેર સાથે કારકિર્દીનું પણ ધ્યાન રાખવું કેટલું કપરું અને પડકારરૂપ કાર્ય છે તે હવે બરાબર સમજાય છે. મારા બીજા પુત્ર કાજુના જન્મના એક દિવસ પહેલાં મારી તબિયત બહુ ચિંતાજનક થઇ ગઇ હતી. જોકે મેં મારા પતિ હર્ષને જાણ થવા દીધી નહોતી કારણ કે અમે અમારા એક ખાસ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. હર્ષે તે કાર્યક્રમની તૈયારી માટે ઘણી તૈયારી કરી હતી. સાથોસાથ ઘણા કલાકારોને પણ આમંત્રણ હતું.
કાજુના જન્મ બાદ મેં ધરતી પર પગ મૂક્યો ત્યારે હું જાણે કે અંતરિક્ષના પ્રવાસેથી પૃથ્વી પર આવી હોઉં તેવો અવર્ણનીય અનુભવ થયો હતો. ડોક્ટરના માર્ગદર્શન બાદ કાજુને લઇને અમારા ઘરે આવી ત્યારે હું બેહદ લાગણીશીલ થઇ ગઇ હતી. મારી આંખોમાંથી ગંગા -જમુના વહી રહ્યાં હતાં. સમજાતું નહોતું કે મને શું થઇ રહ્યું છે. આજે મારા પરિવારમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ છે. અમારું લગ્નજીવન ખુશહાલ છે. કદાચ આ જ રાજીપાનાં આંસુ હશે.