અવિનાશ વાધવાનને બે વરસ વિદેશ ચાલ્યા જવાનો ભારોભાર પસ્તાવો

- 'મને લાગે છે કે મારો સંવેદનશીલ સ્વભાવ મને નડયો. મારે મારી પર્સનલ લાઈફને મારી પ્રોફેશનલ લાઈફ પર હાવી થવા નહોતી દેવી. કોઈ પ્રેક્ટિકલ માણસે પરિસ્થિતિને જુદી રીતે હેન્ડલ કરી હોત…'
હિન્દી ફિલ્મોમાં દર્શકોની સગવડ ખાતર ભલે ઈન્ટરવલ રખાતો હોય પણ બોલિવુડમાં એક્ટરના કરીઅરમાં ઇન્ટરવલ આવે એ ચલાવી નથી લેવાતું. અંગત કારણોસર લીધેલો બ્રેક પણ એક્ટરને ભારે પડી જાય છે. એક જમાનાના આગલી હરોળના હેન્ડ્સમ હીરો અવિનાશ વાધવાનનો જ દાખલો લો. અવિનાશને 'ફુલ બને પથ્થર', 'જુનુન', 'ગીત' અને 'મીરા કા મોહન' જેવી ફિલ્મોને કારણે બોલિવુડમાં નોંધપાત્ર સફળતા મળી હતી. ૧૯૯૭માં એણે બ્રેક લીધો પરંતુ પછીથી ઇન્ડસ્ટ્રીમાં પાછા ફરવાનું એના માટે લોઢાના ચણાં ચાવવા સમાન બની રહ્યું.
એ મુશ્કેલ તબક્કા વિશે વાત કરતા અવિનાશ કહે છે, 'મેં લગભગ ૧૭ હિન્દી ફિલ્મોમાં બીડ રોલ કર્યો હતો અને કેટલીક બીજી ઓફર્સ હું ડેટના પ્રોબ્લેમને કારણે સ્વીકારી નહોતો શક્યો. પછી હું અમુક અંગત કારણોસર બે વરસ વિદેશમાં શિફ્ટ થઈ ગયો અને આ ઇન્ડસ્ટ્રીમાં તો એવું છે કે તમે સ્ક્રીન પર દેખાતા બંધ થાવ એટલે લોકોના મગજમાંથી પણ નીકળી જાવ. મારા ઇન્ડિયા પાછા ફર્યા બાદ પણ લોકોએ એની નોંધ ન લીધી. એમણે ધારી લીધું હતું કે હું કાયમ માટે ભારત છોડી ગયો છું. મને લાગે છે કે મારો સંવેદનશીલ સ્વભાવ મને નડયો. મારે મારી પર્સનલ લાઈફને મારી પ્રોફેશનલ લાઈફ પર હાવી થવા નહોતી દેવી. કોઈ પ્રેક્ટીકલ માણસ હોત તો પરિસ્થિતિને જુદી રીતે હેન્ડલ કરી લેત.'
આટલું કહીને અવિનાશ ઉમેરે છે, 'મારા અંગત જીવનની ઉથલપાથલને મેં મારા કરીઅરમાં પ્રવેશવા દીધી. એ મારી ભૂલ હતી અને એને કારણે મારી પ્રોફેશનલ લાઈફ બગડી.'
પરંતુ હવે ૫૭ વરસનો એક્ટર ભૂતકાળ ભૂલી વર્તમાન પર ફોકસ કરી રહ્યો છે. અવિનાશે હવે પોતાનો પીક પિરીયડમાં કેટલી ફિલ્મો છોડી દીધી હતી એ વિશે બોલવાનું બંધ કરી દીધું છે કારણ કે લોકોને એ બધુ સાંભળવામાં રસ નથી હોતો. હવે વાધવાન પોતાની આજ અને પોતાના અભિનય પર ફોકસ કરવાની નેમ રાખે છે.
એક્ટર આજે પોતે જ્યાં છે એનો સંતોષ લેતા કહે છે, 'ટેલિવિજન સીરિયલો અને વેબ શોઝ કરીને હું ખુશ છું. દર મહિને હું લગભગ ૨૦ દિવસ શુટિંગમાં બિઝી રહું છું. મને નોંધપાત્ર રોલ્સ મળે છે અને મારા વર્તમાનથી મને સંતોષ છે.'
હવે ફિલ્મની ઓફર્સ મળે તો પણ અવિનાશ એને પોતાની શરતે સ્વીકારવા ધારે છે. એ મોટા પડદે દેખાવા માટે કોઈ મૂવી કરવા તૈયાર નથી. ફિલ્મમાં એનું પાત્ર મજબૂત હોવું જરૂરી છે અને પ્રેક્ષકો થિયેટરની બહાર આવે ત્યારે પણ એનું પરફોર્મન્સ લોકોને યાદ રહેવું જોઈએ.




