આશા ભોસલેનો અમર સૂરવારસો ગઝલથી માંડી પોપ સુધી વિસ્તરેલો છે

- આશાએ એકવાર લતા સાથે તેની સરખામણી બાબતે દાઢમાંથી જણાવેલું: ચન્દ્ર પર પહેલો પગ મુકનાર માનવી તરીકે નીલ આર્મસ્ટ્રોન્ગને બધા ઓળખે છે પણ તેની સાથે બઝ આલ્ડરિન પણ હતો તે યાદ રાખવું! આશા ભોસલેનો નટખટ અવાજ નારીની ઝંખનાની અભિવ્યક્તિ બની રહ્યો…
મહારાષ્ટ્રમાં સાંગલીમાં આઠ સપ્ટેમ્બર ૧૯૩૩ના રોજ જન્મેલાં આશા ભોસલે આજે હયાત હોત તો આપણે એમનો ૯૩મો જન્મદિન મનાવ્યો હોત. પરંતુ કાળની ગતિ ન્યારી છે. ગોવામાં મૂળિયાં ધરાવતાં સંગીતકાર ઘરાનામાં આશા ભોસલેનો જન્મ થયો હતો. તે માત્ર નવ વર્ષના હતા ત્યારે જ તેમના પિતા માસ્ટર દિનાનાથ મંગેશકરનું ૧૯૪૨માં અવસાન થયું હતું. આશાની સાથે પાંચ ભાઇ બહેન હતા જેમાં લતા મંગેશકરે સૌથી મોટી બહેન તરીકે ઘરનો ચૂલો સળગતો રહે તે માટે કોલ્હાપુરના ફિલ્મ સ્ટુડિયોમાં કામ કરવાનું શરૂ કરી દીધું હતું. એક જ વર્ષ પછી આશાએ ૧૯૪૩માં મરાઠી ફિલ્મ માઝે બાળ માટે તેનું પ્રથમ ગીત ગાયું હતું.
એ અરસામાં બીજા એક મરાઠી સંગીત નિર્દેશક શ્રીકાન્ત ઠાકરે પણ કાર્યરત હતા. તેમણે તેના પુત્ર સ્વરાજ શ્રીકાન્ત ઠાકરેને તબલાં, ગિટાર અને વાયોલિન વગાડવાની પદ્ધતિસર તાલીમ આપી હતી. તાઅને આશાની આવી અનોખી ઓળખ આપનારા આ સ્વરાજ શ્રીકાન્ત ઠાકરે એટલે મહારાષ્ટ્રના રાજકારણી રાજ ઠાકરે!
પણ આ વિદ્રોહ તો આશામાં બાળપણથી પાંગરી રહ્યો હતો. આશા જ્યારે સોળ વર્ષની હતી ત્યારે તેનાથી પાંચ વર્ષ મોટી બહેન લતાના સેક્રેટરી તરીકે ૩૧ વર્ષનો ગણપત રાવ કામ કરતો હતો. સેક્રેટરી તરીકે મંગેશકર પરિવારમાં સતત હાજર ગણપતરાવ અને આશાને તબલાંવાદનમાં જબરદસ્ત રસ પડતો હતો. બંને જણાંનો સહવાસ વધતો ગયો અને પરિવારને તેની જાણ થઇ તો પણ પરિવારની મરજી વિરૂદ્ધ સોળ વર્ષની આશાએ તેનાથી વયમાં પંદર વર્ષ માટાં ૩૧ વર્ષના ગણપતરાવ સાથે ભાગી જઇને લગ્ન કર્યાં. રૂઢિચુસ્ત મંગેશકર પરિવાર માટે તો આ મોટો ઝટકો બની ગયો. તેમણે તત્કાળ પગલાં લીધા અને બંને બહેનોના સંબંધો વણસી ગયા.લતાએ આશા સાથે વાત કરવાનું પણ બંધ કરી નાંખ્યું. એ પછી લગ્નજીવન જામે તે પહેલાં જ ૧૯૪૯માં આશા અને ગણપતરાવના પ્રથમ સંતાન હેમંતનો જન્મ થયો. તે સાથે જ આર્થિક ભીંસ પણ વધતી ચાલી. પરિસ્થિતિ એટલી વિકટ બની કે આશાએ એક મહિનાના સંતાનને સાસરિયાંને ભળાવી નાણાં રળવા માટે ગાવા બહાર જવાનું શરૂ કર્યું.
દરમ્યાન હેમંતના જન્મ બાદ લતા સાથે આશાના સંબંધ ફરી સંધાવા માંડયા પણ ગણપતરાવને આ રૂચ્યું નહીં. આશા અને ગણપતરાવ વચ્ચે તિરાડ વધતી ચાલી. ૧૯૬૦માં ગણપતરાવે આશાને ઘરમાંથી કાઢી મુકી ત્યારે તેમનું ત્રીજું સંતાન આનંદ આશાના પેટમાં હતું. આશા તેના બે સંતાનો હેમંત અને વર્ષાને લઇને પિયર પાછી ફરી. આશાએ પોતાની ગરિમા કદી ખોઇ નહોતી. આશાએ પિયરમાં પાછાં ફરી તેના ત્રણ સંતાનોને ઉછેરવા પોતાની જાતને ગાયનમાં હોમી દીધી. ૬૦ના દાયકામાં આશાનો સૂરજ ગાયિકા તરીકે તપી રહ્યો હતો એ દરમ્યાન ૧૯૬૬માં ગણપતરાવનું ૫૦ વર્ષની વયે અવસાન થયું.
બીજી તરફ આશા ભોસલે સિંગલ મધર તરીકે પોતાના પરિવારના મોભી બની ગાયનની કારકિર્દીમાં પરોવાઇ ગયા હતા.નસીબના ખેલ જુઓ કે આ જ અરસામાં લતા મંગેશકરને બે ટોચના સંગીતકારો ઓ.પી. નૈયર અને સચીનદેવ બર્મન સાથે વાંકું પડતાં તેમનો વ્યાવસાયિક સંબંધ ખોરવાઇ ગયો જેનો લાભ આશાને મળ્યો. ખાસ કરીને ઓ.પી. નૈયર સાથે કામ કરવાથી આશા ભોસલે ઘડાયા. ૫૦ના દાયકાના ઉત્તરાર્ધમાં શરૂ થયેલો આ પ્રવાસ ૧૮ વર્ષ ચાલ્યો. આ અઢાર વર્ષની સફરમાં નયા દૌરનું માંગ કે સાથ તુમ્હારા, સાવન કી ઘટાનું જરા હૌલે હૌલે ચલો મેરે સાજના, મેરે સનમનું જાઇએ આપ કહાં જાયેંગે અને બહારેે ફિર ભી આયેગીનું કોઇ કહ દે જમાને સે જાકે સહિત અનેક મધુર ગીતો ભારતીય ફિલ્મ સંગીતને મળ્યા. ૧૯૭૨માં બંને અલગ થયા ત્યારે પ્રાણ જાયે પર વચન ના જાયેના છેલ્લા ગીત ચૈન એ હમ કો કભી ના રેકોર્ડિંગમાં બધાંનીઆંખો ભીની થઇ ગઇ હતી.
ઓ.પી.નૈયર બાદ ૧૯૬૫માં આશાએ રાહુલ દેવ બર્મન સાથે તીસરી મંઝિલમાં કામ કરી હિન્દી ફિલ્મ સંગીતમાં નવો પ્રાણ ફૂંક્યો. આરડી અને આશાની જોડીએ યાદગાર કેબ્રે ગીતો આપ્યા છે. કારવાના પિયા તુ અબ તો આજા.. અને અપના દેશના દુનિયા મેં..લોગો કો…દ્વારા શરૂ થયેલી આ સફરમાં અનેક નવા અવાજો હિન્દી ફિલ્મ સંગીતમાં સાંભળવા મળ્યા. આરડી બર્મને અરેબિક, મેડિટેરેનિયન, બ્લુઝ અને આફ્રિકન બિટ્સનો ઉપયોગ પણ ઢોલકની સાથે કરી નવી જ તરજો આપી તો આશાએ બદલાતા સમય અને ટેકનોલોજી સાથે પોતાની સ્ટાઇલમાં પણ એ પ્રકારના ફેરફારો કરી ગાયકીને નવો રંગ આપ્યો. ૧૯૮૦માં આશાએ આરડી બર્મન સાથે લગ્ન કર્યાં.
આ સમયગાળામાં આશા આરડીની જોડીએ જે ફિલ્મોમાં યાદગાર ગીતો આપ્યા તેમાં સીતા ઔર ગીતા, બોમ્બે ટુ ગોવા, કારવા, જવાની દિવાની અને યાદોં કી બારાત મુખ્ય છે. તેમના આ સમયગાળાનું સંગીત જે બે ગીતોમાં સુપેરે વ્યક્ત થયું છે તેમાં હરે રામા હરે કૃષ્ણાનું દમ મારો દમ અને યાદોં કી બારાતનું ચુરા લિયા હૈ તુમ ને જો દિલ કોનો સમાવેશ થાય છે. એ પછી ભારતમાં ઉદારીકરણનો પવન ફૂંકાયો એ અરસામાં આશાએ ફરી એકવાર તેની આધુનિકતાનો પરિચય આપી રંગીલામાં યાઇ રે..યાઇ રે..જોર લગા કે નાચી રે ગાઇ નવી પેઢીના સંગીતકાર એ.આર. રહેમાન માટે લોકપ્રિયતાના દરવાજા ખોલી આપ્યા. જો કે, આશાએ ખય્યામ સાથે જે કમાલ કરી તે અમર બની ગઇ. ઉમરાવ જાન માટે જ્યારે બે ગઝલ ગાવાની હતી ત્યારે ખય્યામે આશાને તેની ગાવાની સામાન્ય રીતથી બે કળી નીચે ગાવાની વિનંતી કરી જેથી ગઝલની અસર ચોટદાર બને. આજે પણ ઉમરાવ જાનની ગઝલો દિલ ચીઝ ક્યા હૈ આપ મેરી જાન લિજિયે અને યે ક્યા જગહ હૈ દોસ્તો સાંભળીએ ત્યારે આશાનો અવાજ સાંભળી રૂવાડાં ઉભાં થઇ જાય છે. આશાએ વિદેશોમાં પણ અનેક કોન્સર્ટ કરી અને અનેક કળાકારો સાથે સહયોગ સાધીે બ્રિમફૂલ ઓફ આશા માટે ગ્રેમી નોમિનેશન પણ મેળવ્યું.
ગાયકીની સાથે સાથે ભોજનની પણ જબરદસ્ત શોખીન આશા ભોસલેએ આશા'સ નામની ચેઇન ઓફ રસ્ટોરાં ખોલી. પાકકળામાં નિષ્ણાત આશા જાતે રસોઇ કરી મહેમાનોને મોજ કરાવવામાં પણ માનતાં હતા. રૂના લયલાથી માંડી પ્રસાદ મહાડકર સુધીના સ્વાદશોખીનો માટે આશાની ગાયકી કરતાં તેમની રસોઇનો સ્વાદ વધારે ચટાકેદાર બની રહ્યો હતો. ગ્રાન્ટ રોડમાં અનેક મચ્છીવાલી બાઇઓ તેમની સખીઓ બની ગઇ હતી. બીજી તરફ તેને પદ્મવિભૂષણ, દાદા સાહેબ ફાળકે એવોર્ડ અને મહારાષ્ટ્ર ભૂષણ જેવા સરકારી સન્માનો પણ સતત મળતાં રહ્યાં. આવા જ એક સમારોહમાં આશાએ આજીવન જેમની સાથે તેમની સરખામણી થતી રહી તે મોટી બહેન લતાની સામે હમેંશા નંબર ટુ પર રહ્યા હોવા છતાં તે પોતાની આગવી ગાયકીને અવ્વલ જ સમજતાં રહ્યા હતા. એક વાર તેમણે આવા ટીકાકારોને તેમની લાક્ષણિક શૈલીમાં પરખાવી દીધેલું કે દુનિયા નીલ આર્મસ્ટ્રોન્ગને ચન્દ્ર પર પહેલો પહોંચનારા માણસ તરીકે યાદ કરે છે. પણ યાદ રહે, તેની સાથે બઝ આલ્ડરિન પણ હતો!




