અરશદ વારસી: ક્લીન કોમેડી માટે વધારે મહેનત કરવી પડે

સ્માર્ટ ઉપકરણોનો ઉપયોગ કરનારાઓ ચાહે કેટલા પણ સ્માર્ટ કેમ ન હોય, સાઈબર અપરાધીઓ તેમના કરતાં ચાર ડગલાં આગળ ચાલે છે. અરશદની 'પ્રીતમ ઔર પેડ્રો' વેબ સિરીઝમાં આ મુદ્દો વણી લેવામાં આવ્યો છે.
તો,તાની ત્રણ દશકની કારકિર્દીમાં અભિનેતા અરશદ વારસીએ વિભિન્ન પ્રકારના પાત્રો અદા કર્યાં છે. પણ કોમેડી પર તેની હથોડી કમાલની છે. અરશદ આટલી સરસ કોમેડી કરી શકે છે તેનું કારણ કદાચ એ હોઈ શકે કે તેનો મૂળ સ્વભાવ વિનોદી છે. અત્યાર સુધી 'મુન્નાભાઈ એમબીબીએસ', 'જોલી એલએલબી', 'ગોલમાલ' જેવી સદાબહાર ફ્રેન્ચાઈસીમાં પોતાની છાપ છોડનાર આ કલાકાર આગામી સમયમાં 'ગોલમાલ-૫', અને 'ધમાલ-૪' જેવી ફિલ્મો દ્વારા દર્શકોને ફરીથી હસાવશે એ વાત ચોક્કસ. અભિનેતાની ડાર્ક કોમેડી વેબ સીરિઝ 'પ્રીતમ ઔર પેડ્રો' ઓટીટી પર આવી ચૂકી છે. આ શોમાં અરશદે ઇન્સપેક્ટર પેડ્રોની ભૂમિકા ભજવી છે.
આજની તારીખમાં સાઈબર ક્રીમિનલો બેફામ બન્યા છે. સ્માર્ટ ઉપકરણોનો ઉપયોગ કરનારાઓ ચાહે કેટલા પણ સ્માર્ટ કેમ ન હોય, સાઈબર અપરાધીઓ તેમના કરતાં ચાર ડગલાં આગળ ચાલે છે. અરશદની સીરિઝમાં આ મુદ્દો વણી લેવામાં આવ્યો છે. અભિનેતા અંગત રીતે પણ આ મુદ્દે ચિંતિત છે. તે કહે છે કે ડીપ ફેક અને એઆઈના સમયમાં મોટાભાગના લોકો અત્યંત સાવધાન બની ગયા છે. આમ છતાં સાઈબર અપરાધીઓ સઘળી સીમાઓ પાર કરી રહ્યાં છે. આવી સ્થિતિમાં એવી કોઈક એપ હોવી જોઈએ જે ડીપ ફેક વિડિયો તેમ જ ફેક કોલને ઓળખી કાઢે. તેના સિવાય આ અપરાધીઓને ખાળવા લગભગ અસંભવ છે. તેઓ સાઈબર ક્રાઈમ માટેના નીતનવા, અકલ્પનીય માર્ગો શોધી કાઢે છે.
અરશદ વાસ્તવિક જીવનમાં પણ દિલથી કોમેડિયન છે. એ કહે છે, 'હું હમેશાંથી રમૂજી રહ્યો છું. મારા મતે દરેક વ્યક્તિમાં રમૂજની થોડીઘણી આવડત અને આદત હોવી જ જોઈએ. બધાને વત્તાઓછા અંશે પણ પોતાના ઉપર હસતા આવડતું જોઈએ. જોકે આજની ભાગદોડભરી જીવનશૈલીમાં લોકો જાણે કે હસવાનું જ ભૂલી ગયા છે. મારા મતે જીવનને એટલી ગંભીરતાથી ન લેવું જોઈએ કે તમારા જીવનમાંથી હાસ્યરસની બાદબાકી થઈ જાય. જિંદગીમાં મુશ્કેલીઓ અને ચિંતાઓ તો આવવાની જ. પરંતુ ટેન્શનનું પોટલું માથે બાંધીને ચાલતા રહેવાથી તેનો ભાર વધતો રહે. બહેતર છે કે વચ્ચે વચ્ચે થોડું હસીને ચિંતામાંથી થોડી રાહત મેળવી લેવામાં આવે.'
છેલ્લા ઘણા સમયથી કોમેડિયનો સાવ ભદ્દી કોમેડી કરીને કીર્તિ-કલદાર કમાવવાનો પ્રયાસ કરી રહ્યાં છે, તેની સામે વિરોધનો વંટોળ પણ ઉઠયો છે. કેટલાંક કોમેડિયનો સામે કાયદાકીય પગલાં પણ લેવાઈ રહ્યાં છે. જ્યારે આ કોમેડિયનો એમ કહે છે કે તેમના પર સીમારેખાઓ લાદવામાં આવી રહી છે, તેમની અભિવ્યક્તિની આઝાદી પર તરાપ મારવામાં આવી રહી છે. પરંતુ અરશદ આ વાત સાથે સંમત નથી. તેના મતે, 'આપત્તિજનક કે અશ્લીલ ન હોય એવી રમૂજ પણ કરી શકાય. હા, તેને માટે થોડી વધુ મહેનત કરવી પડે. કોઈને દુભવ્યા વિના રમૂજ ન પીરસી શકાય એવું બિલકુલ નથી.'
એ વધુમાં કહે છે, 'મને પણ જોક્સ મારવાની ટેવ છે. પરંતુ હું એ વાતનું કાસ ધ્યાન રાખું છું કે તેને કારણે કોઈનું દિલ ન દુભાય. હું મારી સીમારેખા સ્વયં સુનિશ્ચિત કરું છું.'
જોકે આજના યુવાન કોમેડિયનોની અશ્લીલ રમૂજ પર તે કંઈપણ કહેવાનું ટાળે છે. અભિનેતા કહે છે, 'દરેક કલાકારની કામ કરવાની રીત ભિન્ન ભિન્ન હોવાની. કોઈકને જે વાત સાચી લાગે તે અન્યને ખોટી લાગે. દરેક કલાકારનો પોતાનો દ્રષ્ટિકોણ હોય. મને સેકસ્યુઅલ કોમેડી ફિલ્મોમાં કામ કરવું પણ નથી ગમતું અને આવા સિનેમા જોવાનું પણ પસંદ નથી. સ્વાભાવિક રીતે જ હું તેનાથી દૂર રહું છું. પણ જેમને તે ગમે ચે તે આવી કોમેડી કરે પણ અને જૂએ પણ ખરા. હું તેમને રોકવાવાળો કે પ્રોત્સાહિત કરવાવાળો કોણ?'









