Chitralok

અનન્યા પાંડે: પ્રશંસા ઊઘરાવવી એ મારી લાઇફનો ઉદ્દેશ નથી

By GS Team
7 Aug 20263 mins read
અનન્યા પાંડે: પ્રશંસા ઊઘરાવવી એ મારી લાઇફનો ઉદ્દેશ નથી
  • 'શૂટિંગ સેટ પર તેને જરાય ગભરાટ નથી થતો. મારા માટે ફિલ્મનો સેટ એક સેફ સ્પેસ છે, કારણ કે મને ખબર હોય છે કે ત્યાં શું કરવાનું છે અને મારા પાત્ર કેવી રીતે ભજવવાનું છે.'

ફિલ્મો, ફેશન અને સોશિયલ મીડિયામાં પોતાની વિશિષ્ટ ઓળખ બનાવનાર અભિનેત્રી અનન્યા પાંડે અવારનવાર પોતાની સ્ટાઈલ અને લાઈફસ્ટાઈલ માટે ચર્ચામાં રહેતી હોય છે. જોકે આ વખતે ચર્ચા તેની ફિલ્મો કે ફેશન વિશે નથી, પરંતુ તેની અંગત વિચારધારા અને જીવન પ્રત્યેના દ્રષ્ટિકોણ વિશે છે. અનન્યા પાંડેએ તાજેતરમાં પોતાના વ્યક્તિત્વ, લાઈમલાઈટ પ્રત્યેના લગાવ, પાર્ટી કલ્ચર અને સૌંદર્ય વિશે કેટલીક એવી વાતો શેર કરી, જેનાથી તેના ચાહકો ખૂબ ગમી.
અનન્યાએ સ્વીકાર્યું કે એક સમય એવો હતો જ્યારે તેને દરેક જગ્યાએ હાજર રહેવું ગમતું. તેને લોકોનું ધ્યાન પોતાના તરફ ખેંચવું આકર્ષક લાગતું અને તે કાયમ લાઈમલાઈટનો હિસ્સો બનવા ઈચ્છતી. તેણે પોતાની રમૂજી શૈલીમાં જણાવ્યું કે બાળપણમાં તેના માતાપિતા તેને 'અટેન્શન સીકર' કહેતા, કારણ કે તેને પોતાના તરફ લોકોનું ધ્યાન દોરવું ખૂબ પસંદ હતું.
જોકે સમયની સાથે તેના વિચારો બદલાયા છે. હવે તે દરેક કાર્યક્રમ, પાર્ટી કે અવસર પર હાજરી આપવાનો આગ્રહ નથી રાખતી. તેણે મહેસૂસ કર્યું કે સતત લોકોની નજરોમાં રહેવા કરતાં વધુ મહત્વનું એ છે કે વ્યક્તિ પોતાના માટે સમય ફાળવે અને પોતાની સાચી ઓળખને સમજે. અનન્યા કહે છે, 'જીવન માત્ર બાહ્ય પ્રશંસા મેળવવા માટે નથી, પણ સ્વયં સાથે જોડાવા માટે પણ છે. બોલિવુડની ઝાકઝમાળ ભરી દુનિયામાં પાર્ટી કલ્ચર કાયમ ચર્ચાનો વિષય રહ્યું છે. હવે મને એવી પાર્ટીઓ પસંદ નથી જે માત્ર દેખાડા કે કોઈ વ્યાવસાયિક લાભ માટે યોજવામાં આવતી હોય. આવી ઈવેન્ટ્સમાં વાસ્તવિક સંબંધોને બદલે માત્ર ઔપચારિકતા જ વધુ જોવા મળે છે.'
અનન્યાના આ નિવેદન બાદ સોશિયલ મીડિયા પર ચર્ચા શરૂ થઈ ગઈ કે તેનો ઈશારો ફિલ્મ ઇન્ડસ્ટ્રીના એવા કલ્ચર તરફ હતો, જ્યાં સામાજિક મેળાપને સફળતા અને નેટવકગ સાથે સાંકળવામાં આવે છે.
આજના સમયમાં સોશિયલ મીડિયા પર પરફેક્ટ લૂક, ફિલ્ટર્સ અને એડિટેડ તસવીરોનું ચલણ વધી ગયું છે. એવા સમયે અનન્યાએ પોતાના સૌંદર્ય વિશે એક તદ્દન અલગ જ દ્રષ્ટિકોણ રજૂ કર્યો. એ કહે છે, 'મને પોતાની કુદરતી ત્વચા અને અસલી ચહેરાનો સ્વીકાર કરવો વધુ પસંદ છે. ચહેરાની દરેક નાની ખામીને છુપાવવાની જરૂર નથી હોતી. વ્યક્તિની ઓળખ માત્ર તેના બાહ્ય સૌંદર્યથી નથી બનતી, પરંતુ તેની વિચારધારા, વ્યવહાર અને વ્યક્તિત્વ પણ તેને ખાસ બનાવે છે. ભારે મેકઅપ અને ચહેરાના કુદરતી લૂકને સાવ બદલી નાખતી ફેશનથી અંતર જાળવવામાં જ સમજદારી છે. ખરું સૌંદર્ય એ જ છે જેમાં વ્યક્તિ પોતાની અલગ ઓળખ જાળવી રાખે. મને હળવો અને નેચરલ લૂક વધુ પસંદ છે. થોડા વિખરાયેલા વાળ અને સામાન્ય અંદાજ મને વધુ આકર્ષક લાગે છે. મારા મતે દરેક સમયે પરફેક્ટ દેખાવાનો પ્રયાસ થકવી નાખે છે. પોતાની વાસ્તવિકતાનો સ્વીકાર કરવો એ એક ખૂબસૂરત અનુભવ છે.'
અનન્યાની વધુ એક વાતે લોકોનું ધ્યાન ખેંચ્યું. ફિલ્મોમાં કેમેરા સામે ભારે આત્મવિશ્વાસથી ઝળકતી આ અભિનેત્રી કહે છે, 'શૂટિંગ સેટ પર તેને જરાય ગભરાટ નથી થતો. મારા માટે ફિલ્મનો સેટ એક સેફ સ્પેસ છે, કારણ કે મને ખબર હોય છે કે ત્યાં શું કરવાનું છે અને મારા પાત્ર કેવી રીતે ભજવવાનું છે. જોકે અંગત જીવનમાં નિર્ણયો લેવાના હોય ત્યારે હું અસહજ થઈ જાઉં છું!'
એ રમૂજપૂર્વક કહે છે, 'પહેલીવાર એકલા ફિલ્મ જોવા જવાનું વિચારી રહી હતી ત્યારે પણ ખૂબ નર્વસ હતી. મને સમજાતું નહોતું કે એકલા એકલા કેવી રીતે જવું, કેવું વર્તન કરવું, કેવી રીતે ચાલવું અને શું કરવું!'
ખરેખર, આત્મવિશ્વાસથી ભરપૂર દેખાતી હસ્તીઓ પણ અંગત જીવનમાં સામાન્ય માણસની જેમ અસુરક્ષા અને સંકોચમાંથી પસાર થતી હોય છે. અનન્યાની આ વાતો પરથી સ્પષ્ટ થાય છે કે જો પ્રસિદ્ધિ અને સફળતા વચ્ચે પણ વ્યક્તિ પોતાની અસલિયત, સરળતા અને આત્મસ્વીકૃતિ જાળવી રાખે, તો એ વધારે આકર્ષક જ લાગે છે.અને આત્મસ્વીકૃતિ જાળવી રાખવી જોઈએ.