Chitralok

અક્ષરા હાસનને ઓછી ફિલ્મો મળવા વિશે કોઈ ફરિયાદ નથી

By GS Team
27 Aug 20262 mins read
અક્ષરા હાસનને ઓછી ફિલ્મો મળવા વિશે કોઈ ફરિયાદ નથી
  • 'મને અને મારી બહેન શ્રુતિને અમારા પેરેન્ટસે દુનિયા વિશે સમજ આપી. ઘરમાં અમને પૂરી આઝાદી મળી, પણ મને એય સમજાયું કે ઘરની ચાર દીવાલો બહારની દુનિયા સાવ અલગ છે…'

કમલ હાસન અને સારિકા ઠાકુરની પુત્રી અક્ષરા રૂપરૂપનો અંબાર હોવા છતાં પોતાની એક્ટિંગ કરિઅરમાં ઝાઝુ કૌવત નથી બતાવી શકી. અક્ષરા તાજેતરમાં રિલિઝ થયેલી પોતાની સાયંસ-ફિક્શન રોમાંટિક ઓટીટી ફિલ્મ 'સિમુલાકરા'ને કારણે ન્યુસમાં છે. ડિરેક્ટર પંકજ સાવંતની ફિલ્મની સ્ટારકાસ્ટમાં અક્ષરા એક માત્ર જાણીતું નામ હોવાથી એના પ્રમોશનની જવાબદારી અભિનેત્રીએ જ બજાવવી પડી. 'સિમુલાકરા'માં એવા ભયાનક ભાવિ વિશ્વની સ્ટોરી છે જેમાં ટેકનોલોજી માનવીની સ્મૃતિઓને નામશેષ કરી શકશે.
એક પ્રમોશનલ ઈવેન્ટમાં ૩૪ વરસની એક્ટરને મીડિયામાંથી પૂછાયું, 'મેડમ, તમે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક દાયકાથી પણ વધુ સમયથી છો છતાં તમે ગણતરીની જ હિન્દી અને તમિળ, મૂવીજ કરી છે. એનું શું કારણ છે?' જવાબમાં અક્ષરાએ નિખાલસપણે કહ્યું, 'આંગળીના વેઢે ગણાય એટલી જ ફિલ્મો કરવાનો મારો કોઈ ગણતરીપૂર્વકનો નિર્ણય નહોતો. પરંતુ મારા ભાગે એટલી જ ફિલ્મો આવી. સીધી અને સાચી વાત એ છે અને મને એ વિશે કોઈ ફરિયાદ પણ નથી. એટલા માટે કે મને નવરાશના સમયમાં મારી એક જુદી બાજુ જાણવા મળી. મને વધુ ફિલ્મો મળવાની આશા છે પણ એ માટે તમારું રાઈટ ટાઈમે રાઈટ સ્થળે હોવું જરૂરી છે. ખેર, ઠીક છે દરેકના કરિઅરમાં ચડતી-પડતી આવતી રહે છે.' 'સિમુલાકરા' ૧૭મી જુલાઈએ ઓટીટી પર રિલિઝ થયા બાદ લોકોએ એની જિમ કેરી અને કેટ વિન્સલેટની ૨૦૦૪માં આવેલી મૂવી 'ઇટર્નલ સનસાઈન ઓફ ધ સ્પોટલેસ માઈન્ડ' સાથે તુલના કરવાનું શરૂ કરી દીધું. તો શું તમારી ફિલ્મ એ મૂવીથી પ્રેરિત છે? આવા સવાલના ઉત્તરમાં અક્ષયરાએ કહ્યું, 'આ પ્રશ્નનો જવાબ અમારા ડિરેક્ટર પંકજ સાવંત આપે એ વધુ સારું રહેશે, પરંતુ મારા તરફથી હું ફક્ત એટલું જ કહીશ કે હા, જરા અમથી પ્રેરણા લેવાઈ છે.'
પ્રમોશન દરમિયાન મિસ હાસનને પત્રકારોએ એક સંવેદનશીલ અંગત કહી શકાય એવી પૃચ્છા કરી, 'તમારા મમ્મી-ડેડી બંને સારા એક્ટર છે. તમે એમના તરફથી મળેલા વારસા અને મૂલ્યો વિશે શું કહેશો?' એનો જવાબ આપવામાં અક્ષરાએ બહુ વિચાર ન કરવો પડયો, 'મને અને મારી બહેન શ્રુતિને અમારા પેરેન્ટસે બંને દુનિયા વિશે સમજ આપી. ઘરમાં અમને જોઈતી આઝાદી મળી પણ મને એય સમજાયું કે અમારા ઘરની ચાર દીવાલો બહારની દુનિયા સાવ અલગ છે. કમલ હાસન અને સારિકાની દીકરીઓ તરીકે મોટી થતા અમને એ પણ સમજી ગયા કે ઈન્ડસ્ટ્રીમાં અમારી પોતાની ઓળખ બનાવવાની સાથોસાથ અમારા પર પેરેન્ટ્સના સમૃદ્ધ વારસાને જાળવવાની પણ જવાબદારી છે. એટલે જ અમારે અમે કોની સાથે હળીએ મળીએ છીએ અને કામ કરીએ છીએ એ બાબતમાં બહુ સાવચેત રહેવું પડે છે.'