Chitralok

આકાંક્ષા રંજન: મેરેજ પછી પણ હું મારી મહત્ત્વાકાંક્ષા નહીં છોડું

By GS Team
6 Aug 20263 mins read
આકાંક્ષા રંજન: મેરેજ પછી પણ હું મારી મહત્ત્વાકાંક્ષા નહીં છોડું
  • 'શરણ અને હું એક બાબતમાં બહુ સ્પષ્ટ છીએ કે લગ્નની આપણી કારકિર્દી પર કોઈ અસર ન થવી જોઈએ. અમે બંને અમારી કરીઅર પ્રત્યે, અમારાં લક્ષ્યો પ્રત્યે પૂરેપૂરાં સમર્પિત છીએ.'

એકટર્સની પર્સનલ લાઈફ પર જાણતા અજાણતા એમના પ્રોફેશનલ લાઈફ છવાઈ જતી હોય છે. એટલે સુધી કે એમણે પરણવા માટે પણ કુંડળી પ્રમાણેના શુભ મુહુર્તને બદલે પ્રોફેશનલ સકસેસને વધુ મહત્ત્વ આપવું પડે છે. અભિનેત્રી આકાંક્ષા રંજનનો દાખલો તાજો છે. એના બે પ્રોજેક્ટ્સ - વેબ સિરીઝ 'ગ્રામ ચિકિત્સાલય' અને સની દેઉલ, અક્ષય ખન્ના સ્ટારર ફિલ્મ 'ઇક્કા'ને ઓટીટી પ્લેટફોર્મ પર બહુ સારો રિસ્પોન્સ મળતા એણે મેરેજનું ઇન્સ્ટંટ પ્લાનિંગ કરી નાખ્યું. આકાંક્ષાએ રાઈટર-ડિરેક્ટર શરણ શર્મા સાથે ૧૧મી જુલાઈએ ફેરા ફરી લઈ બધાને આશ્ચર્યમાં મુકી દીધા. ૩૨ વરસની એકટ્રેસ શર્માજી સાથે રિલેશનશીપમાં છે એવી બધાને જાણ હતી પણ પ્રેમીઓ આટલા જલ્દી પરણી જશે એવી કદાચ કોઈએ કલ્પના નહોતી કરી.
આકાંક્ષા અને શરણે મેરેજ માટે ફક્ત કુટુંબીજનો અને નજીકના મિત્રોને જ આમંત્રણ આપ્યું હતું. એટલા માટે કે તેઓ લગ્ન જેવા આત્મીય પ્રસંગમાં ખોટો દેખાડો કરવામાં માનતા નથી. 'ગણ્યાગાંઠયા લોકોની હાજરી વચ્ચે મારા લગ્નનો દિવસ જીવનનો એક સૌથી સુંદર દિવસ બની રહ્યો. હું બહુ ખુશ હતી. મારે મન એ એટલો યાદગાર દિવસ છે, જેમાં હું તસુભાર ફેરફાર કરવાનું પસંદ ન કરું,' એમ યુએસ સિટીઝન આકાંક્ષા કહે છે.
'ગિલ્ટી' નામની ફિલ્મથી રેપપીડિતાના રોલમાં ડેબ્યુ કરનાર એકટ્રેસ બોલિવુડની ટોપની એક્ટર બનવાની મહત્વાકાંક્ષા રાખતી આવી છે. પોતાની એમ્બિનેશન સાથે એ કોઈ પણ સંજોગોમાં બાંધછોડ કરવા નથી ઇચ્છતી. 'મેરેજ બાદ મારા અંગત જીવનમાં બદલાવ આવ્યો છે પણ મારી પર્સનલ એમ્બિશન્સ તો જેમની તેમ છે. લગ્ન આપણી પર્સનલ લાઈફમાં અમુક જરૂરી ફેરફારો લાવે છે એ હું જાણું છું. દાખલા તરીકે, હવે હું જાતે મારા ઘરનો કારભાર ચલાવું છું અને મારે નિર્ણયો લેતી વખતે બીજી વ્યક્તિ (પતિ)નો પણ વિચાર કરવો પડે છે. આ પરિવર્તન કુદરતી છે. પરંતુ પ્રોફેશનલી, આખી વાત જુદી છે. શરણ અને હું એક બાબતમાં બહુ ક્લિયર છીએ કે મેરેજની આપણાં કરિઅર્સ પર કોઈ અસર ન થવી જોઈએ. અમે બંને અમારા કરિઅરના લક્ષ્યને પૂરેપૂરા સમર્પિત છીએ. હું પાંચ વરસની હતી ત્યારથી મેં રાખેલા ધ્યેય આજે પણ જેમના તેમ છે. હું હજુ પણ શિખર સર કરવા તરફની યાત્રામાં છું. એટલે જ કહું છું કે મેરેજ હેઝ ચેન્જડ માય પર્સનલ લાઈફ, નોટ માય કરિઅર,' એવું નાનકડું બ્રીફિંગ આકાંક્ષા આપી દે છે.
લગ્ન બાદ હનીમુન પર જવા બ્રેક લેવાને બદલે આકાંક્ષા ફરી કામે ચડી મિટીંગ્સ અને ઈવેન્ટ્સમાં હાજરી આપતી થઈ ગઈ. 'કામ બાજુ પર રાખવાનો મારો કોઈ પ્લાન નહોતો. એટલે મેરેજના ત્રીજા દિવસે મેં એક ઈવેન્ટ અટેન્ડ કરી. કાંઈ બદલાયુ નથી અને બદલવાની જરૂર પણ નથી. આપણે જેને પ્રેમ કરતા હોઈએ એની સાથે સંસાર માંડવા ભલે પરણી જઈએ, પરંતુ આપણી લાઈફ તો જેમ હતી એમ ચાલુ જ રહેવી જોઈએ. આ બાબતમાં હું અને શરણ એકદમ વ્યવહારું છીએ. અમારે બંનેએ હજુ ઘણું બધુ કરવાનું અને મેળવવાનું છે. એણે પોતાની ફિલ્મ ઓગસ્ટના પહેલા સપ્તાહ સુધીમાં પુરી કરવાની છે એટલે એ પણ મારી જેમ કામે લાગી ગયો છે,' એમ કહી અભિનેત્રી પોતાનો અભિગમ સ્પષ્ટ કરે છે.