Chitralok

ઉપરાઉપરી ત્રણ ફ્લોપ બાદ મૃણાલે કોઈ નવી મૂવી સાઇન કરી નથી

By GS Team
29 Oct 20262 mins read
ઉપરાઉપરી ત્રણ ફ્લોપ બાદ મૃણાલે કોઈ નવી મૂવી સાઇન કરી નથી
  • 'મારી ફિલ્મો હિટ નથી થઈ એટલે એનો અર્થ એવો નથી કે મને ઓફર્સ નથી મળતી. મને અનેક પ્રોજેક્ટ્સની ઓફર મળે જ છે. પણ એમની સ્ટોરીઝ મને અપીલ નથી કરતી. એટલે થોડા સમય બ્રેક લેવાનો નિર્ણય કર્યો છે.'

મૃણાલ ઠાકુરની વર્ષ ૨૦૨૬માં ત્રણ ફિલ્મો 'દો દીવાને શહેર મેં', 'હૈ જવાની તો ઇશ્ક હોના હૈ' અને 'ડેકોઇટ: અ લવસ્ટોરી' થિયેટરોમાં રજૂ થઈ. કમનસીબે, આ ત્રણેય ફિલ્મોનો બોક્સ ઓફિસ પર કરુણ રકાસ થયો. જોકે, તાજેતરમાં તેની ચોથી મૂવી 'પૂજા મેરી જાન' ઓટીટી પ્લેટફોર્મ પર સ્ટ્રીમ થઈ, જેમાં તેના અભિનયની ખૂબ પ્રશંસા થઈ.
પોતાની ફિલ્મો બોક્સ ઓફિસ પર સફળ ન થઈ હોવા છતાં મૃણાલ સ્પષ્ટ કરે છે, 'તેનો અર્થ એવો નથી કે તેને નવી ઓફર્સ મળતી નથી. મને અનેક પ્રોજેક્ટ્સની ઓફરો મળે છે, પરંતુ તેની પટકથા મને અંદરથી અપીલ કરતી નથી. આથી મેં થોડો સમય કામમાંથી બ્રેક લેવાનો નિર્ણય કર્યો છે. હું મારી જાતને એવી સ્થિતિમાં મૂકવા નથી માંગતી જ્યાં મારા મનમાં સતત એવો પ્રશ્ન ઘુમરાયા કરે કે હું દરરોજ સેટ પર શા માટે પહોંચી જાઉં છું.'
પત્રકારોએ પૃચ્છા કરી કે, મેડમ, આજકાલ બિગ બજેટ એક્શન જોનરનું ચલણ હોવાથી તમે નવું કામ હાથમાં નથી લઈ રહ્યાં? તેનો જવાબ આપતાં મૃણાલ કહે છે, 'જુઓ, એક મૂવીના શૂટિંગ માટે લગભગ ૧૨૦ દિવસ સેટ પર વિતાવવા પડે છે. એટલે મારો સભાન પ્રયાસ એવો છે કે દર્શકોના પ્રેમ ઉપરાંત મને ક્રિએટિવ સંતોષ મળે તેવી જ ફિલ્મો સાઇન કરું. હું કામ પ્રત્યે મનમાં અસંતોષ રાખીને રાત્રે પથારીમાં પડખાં ઘસવા નથી ઇચ્છતી. હું એટલું ગુણવત્તાસભર કામ કરવા માગું છું કે આજથી ૩૦ વર્ષ પછી પણ સિનેપ્રેમીઓ મને યાદ કરે.' છેલ્લાં લગભગ બે વર્ષથી એવી અટકળો ચાલી રહી છે કે મૃણાલ ઠાકુર ડિરેક્ટર એટલીની અલ્લુ અર્જુન સ્ટારર સાયન્સ-ફિક્શન થ્રિલર 'રાકા'ની સ્ટારકાસ્ટમાં સામેલ છે. મૃણાલે આ અંગે અત્યાર સુધી મૌન સેવ્યું હતું. હવે તમામ તર્કવિતર્કોને વિરામ આપતાં તેણે જણાવ્યું છે કે, 'મેં છેલ્લા નવ મહિનામાં એક પણ નવી ફિલ્મ સાઇન કરી નથી. હકીકતમાં હું કોઈ અર્થપૂર્ણ ભૂમિકાની રાહ જોઈ રહી છું. હવે પછી મારે મારી કારકિર્દી સંબંધી કોઈ પણ સત્તાવાર જાહેરાત કરવી હશે, તો તે હું સીધી મારા સોશિયલ મીડિયા હેન્ડલ પરથી જ કરીશ.'