Chitralok

માયોસિટિસના દુખદ બ્રેક પછી આવ્યો છે એક સુખદ બ્રેક

By GS Team
16 Jul 20264 mins read
TukuTouch Logo
અભિનેત્રી સામંથા રૂથ પ્રભુ અને રાજ નિદિમોરુ ટૂંક સમયમાં માતાપિતા બનશે. માયોસિટિસથી મુક્ત થયા બાદ, તેમની ફિલ્મ 'મા ઈતની બંગારમ'ની સફળતાથી સામંથા અત્યંત ખુશ છે. તે હવે મેટરનિટી બ્રેક પર જશે અને પરિવાર સાથે સમય વિતાવશે. અભિનય ક્ષેત્રે પાછા ફરવાનો સમય નક્કી કરવા માંગતી નથી, કારણ કે તેના પર કોઈ દબાણ નથી અને તે કોઈ હરીફાઈમાં નથી.

Summarized by AI; it may make mistakes. Check important info

માયોસિટિસના દુખદ બ્રેક પછી આવ્યો છે એક સુખદ બ્રેક

'હું અને મારો હસબન્ડ (રાજ નિદિમોરુ) પહેલી વખત માતાપિતા બનવાનાં છીએ. હું ફરી ક્યારે ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કરીશ અત્યારથી જ નક્કી કરી લેવા માગતી નથી. મારા પર કોઈ પ્રેશર નથી. હું કોઈ હરીફાઈમાં નથી ઉતરી ને હરીફાઇમાં ઉતરવાનો મારો ઈરાદો પણ નથી.'
અભિનેત્રી સામંથા રૂથ પ્રભુ હમણાં ખુશીના બબ્બે ઘોડા પર એકસાથે સવારી કરી રહી છે. તેની છેલ્લે આવેલી ફિલ્મ 'મા ઈતની બંગારમ'ને અકલ્પનીય સફળતા મળી છે. માયોસિટિસની વ્યાધિમાંથી ઉગર્યા પછી આવેલી આ ફિલ્મની સફળતા અભિનેત્રીમાં નવી ખુશી, નવા જોમનો સંચાર કરે તે સહજ છે. આ તો થઈ તેની પ્રોફેશનલ ક્ષેત્રનો રાજીપો. હવે તેના અંગત જીવનના આનંદની વાત કરીએ તો તે થોડાં મહિનામાં મમ્મી બનવાની છે.
સામંથાએ આ બમણો આનંદ વ્યક્ત કરતાં કહ્યું હતું કે માયોસિટિસની વ્યાધિમાંથી બહાર આવ્યા પછી હું સફળતાપૂર્વક પરત ફરવા માગતી હતી અને મારી ત્રણ વર્ષે રજૂ થયેલી ફિલ્મ 'મા ઈતની બંગારમ' દર્શકોને સ્પર્શી ગઈ. સાથે સાતે હું મારા અંગત જીવનમાં પણ આગળ વધી છું. તેણે વધુમાં કહ્યું હતું કે બીમારીના દુખદ અને ચિંતાજનક બ્રેક પછી હું એક સુખદ બ્રેક લેવાની તૈયારી કરી રહી છું. હું થોડાં મહિનાઓ પછી મમ્મી બનવાની છું તેથી હવે હું મેટરનિટી બ્રેક લેવાની તૈયારીમાં છું. માતૃત્વ માણવાનો, કુટુંબ વિસ્તારવાનો આનંદ લીધા પછી મને જ્યારે ઇચ્છા થશે ત્યારે હું અભિનય ક્ષેત્રે પરત ફરીશ.
સામંથાએ વધુમાં જણાવ્યું હતું કે હું અને રાજ નિદિમોરુ પહેલી વખત માતાપિતા બનવાના છીએ. તેથી હું કારકિર્દી ક્ષેત્રે પાછા ફરવાનો સમય હમણાંથી જ નક્કી કરી લેવા નથી માગતી. વાસ્તવમાં હું અત્યારથી તેની કોઈ ચિંતા કરવા જ નથી ઇચ્છતી અને મારા ઉપર એવું કોઈ દબાણ પણ નાકવામાં નથી આવી રહ્યું. હું કોઈ હરિફાઈમાં નથી ઉતરી કે ઉતરવાનો ઈરાદો પણ નથી.
અહીં એ વાતની નોંધ લેવી રહી કે સામંથાની આ ફિલ્મ ત્રણ વર્ષ પછી આવી તોય તેને અણધારી સફળતા મળી તેથી તેનો આત્મવિશ્વાસ બુલંદ બન્યો છે. બ્રેક પછી પણ આટલી સરસ વાપસી થઈ શકે એ સમજાયા પછી તેનું મન શાંત થયું છે. તે કહે છે કે હવે મને ખાતરી થઈ ગઈ છે કે હું લાગલગાટ ફિલ્મો નહીં આપું તોય ચાલશે. મને માત્ર અર્થસભર ફિલ્મો આપવાની આવશ્યકતા રહેશે.
અદાકારા માયોસિટિસના સપાટામાંથી આવી તેનાથી પહેલાની વાત કરીએ તો કોઈપણ કલાકારની અડધો ડઝન જેટલી ફિલ્મો માત્ર એકાદ વર્ષના સમયગાળામાં સફળ થાય તો તેના શિરે સ્ટારડમનો તાજ આવી જાય અને સ્ટારડમ સંભાળવાનું સહેલું નથી. ઝગમગ કરતાં સિતારાઓમાં ઘમંડ ન આવે એવું ભાગ્યે જ બને. અભિનેત્રી સામંથા રૂથ પ્રભુ પણ તેમાંથી બાકાત નહોતી. તાજેતરમાં તેણે આ બાબતે ખુલીને વાત કરી હતી.
અદાકારાએ કહ્યું હતું કે તે પણ એક તબક્કે જમીનથી અધ્ધર ચાલવા લાગી હતી. તેણે વધુમાં કહ્યું હતું કે હું સાવ નાના નગરમાંથી ફિલ્મોદ્યોગમાં આવી હતી. મને કોઈ ઓળખતું પણ નહોતું અને એક જ વર્ષમાં મારી પાંચ પાંચ ફિલ્મોને અપ્રતિમ સફળતા મળી. લોકો એમ કહેવા લાગ્યાં કે હું બહુ ભાગ્યશાળી છું. હું માટીમાં હાથ નાખું તોય સોનું નીકળે છે. મારા માથે સ્ટારડમનું લેબલ લાગ્યું અને મારી પ્રસિધ્ધિની ભૂખે માઝા મૂકી. હું વધુને વધુ ફિલ્મો કરીને હજી વધારે કીર્તિ-કલદાર રળવા માગતી હતી. મને એમ લાગતું હતું કે હવે મને ક્યાંય રોકાવાનું નથી, મારી રાહમાં કોઈ અડચણ નથી. બસ, મને સતત આગળને આગળ દોડતાં રહેવાનું છે. પરંતુ માનવી ધારે એવું હમેશાં નથી બનતું.
અભિનેત્રી વર્ષ ૨૦૨૨ને સંભારતા કહે છે કે હું રેસના ઘોડાની જેમ દોડી રહી હતી ત્યારે જ મારી કારકિર્દીને બ્રેક મારવાની નોબત આવી. મને ઓટોઇમ્યુન ડિસઓર્ડર માયોસિટિસનું નિદાન થયું અને મારું જીવન સમગ્રપણે બદલાઈ ગયું. મારી તેજ ગતિ અચાનક અટકી પડી. મને સ્ટારડમનની લત લાગી ગઈ હતી, મારા મગજમાં તેની રાઈ ભરાઈ ગઈ હતી, મારા માટે સ્ટારડમ વિના રહેવું મુશ્કેલ બની ગયું હતું, પરંતુ મારી પાસે વાસ્તવિકતાનો સ્વીકાર કર્યા વિના છૂટકો નહોતો. મેં મારી ઘોડદોડ પર લગામ તાણી, પરંતુ અંદરથી ભાંગી પડી. મારું ઘમંડ ભાંગીને ભૂક્કો થઈ ગયું, મારા પગ જમીન પર આવી ગયા. મારા વિષાદનો પાર નહોતો. પણ ધીમે ધીમે મને સમજાયું કે જીવનમાં ગતિરોધક આવવાના જ. બ્રેક દરમિયાન મેં સ્પર્ધામાંથી બહાર રહેવાનો નિર્ણય કર્યો. હવે હું કોઈ હરિફાઈમાં નથી. સ્વાભાવિક રીતે જ મારા માટે કોઈ ફિનિશ લાઈન નથી રહી.