અદનાન સામીઃ ભીગી ભીગી રાતોં મેં ફિર તુમ આઓ ના...

- 'મને વરસાદ પ્રત્યે શા માટે આટલી બધી લાગણી છે એ ખુદ હું પણ જાણતો નથી. કોઈ મોન્સૂનની બૂરાઈ કરે ત્યારે મારા મોઢામાંથી આપોઆપ શબ્દો નીકળી પડે છે કે સાહેબ, મોન્સૂનને કારણે જ હું ખૂબ પૈસા કમાયો છું.'
મુંબઈનું મોન્સૂન એક નોખા પ્રકારનો મિસક્ડ અનુભવ લઈને આવે છે. સામાન્ય જન માટે મોન્સૂન (ચોમાસું) એટલે ગરમાગરમ ભજિયા સાથે મસાલાવાળી ચાની જિયાફત ઉડાડવાની મોસમ, નોકરિયાતો-ધંધાદારીઓ અને મજુર વર્ગ માટે હિલોળા લેતા પાણી વચ્ચે ટ્રાફિકજામમાં કલાકોનો કંટાળો વેઠવાના મહિના અને પ્રેમીઓ માટે રોમાંસની ઋતુ. પરંતુ લોકલાડીલા સિંગર-કમ્પોઝર અદનાન સામી માટે મુંબઈનું ચોમાસું એટલે મ્યુઝિકલ મોસમ અદનાનને આ સપનાના શહેરમાં વરસતા વરસાદે અને ગગનને એક અનોખી છટા આપતા કાળા ડિબાંગ ઘેઘૂર વાદળોએ કેટલાક યાદગાર ગીતોનું સર્જન કરવા પ્રેર્યો છે. ગાયક-સંગીતકાર મુંબઈના મોન્સૂનને દિલથી ચાહે છે અને વર્ષાઋતુ સાથે એની કેટલીક ખાસ યાદો
જોડાયેલી છે.
મુંબઈના અનરાધાર વરસતા ચોમાસાનો પહેલો અનુભવ અદનાન સામીને આજથી ૩૫ વરસ પહેલા ૧૯૯૧માં થયો હતો. એક ગીતનું રેકોર્ડિંગ કરી રેકોર્ડિંગ સ્ટુડિયોની બહાર આવતા સામીએ જોયું કે મુંબઈમાં મોસમનો પહેલો મૂશળધાર વરસાદ વરસી રહ્યો છે. એ પ્રસંગ યાદગાર કરતા પાકિસ્તાની મૂળનો મ્યુઝિશ્યન કહે છે, 'સ્ટુડિયોમાં સમખાવા પુરતી એક પણ બારી નહોતી. એટલે અમે એમાં રીતસર પુરાઈ ગયા હતા. હું બહાર આવ્યો ત્યારે ચોમાસાએ બરાબરની જમાવટ કરી હતી અને મારી પાસે છત્રી પણ નહોતી. અધુરામાં પુરુ, મેં કાર ઘણી દૂર પાર્ક કરી હતી. એટલે મારે ફરજિયાત વરસતા વરસાદમાં ચાલીને પાર્કિંગ લોટ સુધી જવું પડયું. એમાં હું આખો ભીંજાઈ ગયો પણ મને એની પરવા નહોતી. મારા મગજમાં તો એ સમયે કિશોર કુમારનું પેલું ગીત ભીગી ભીગી રાતોં મેં રમી રહ્યું હતું. મુંબઈના વરસાદનો મારો એ પહેલો અનુભવ હતો, જે આજે પણ સ્મૃતિમાં કાયમ છે. '
મુંબઈના વરસાદ અને અદનાનના સંગીત વચ્ચે કુદરતી નાતો છે. એનું એક યાદગાર રેન સોંગ (વરસાદી ગીત) શહેરના મોન્સૂનમાંથી જ પ્રગટયું છે. એ વિશે વાત કરતા સામી કહે છે, 'હકીકતમાં મારું ફેમસ સોંગ ભીગી ભીગી રાતોં મેં મુંબઈના મોન્સૂનથી જ પ્રેરિત છે. તમે કદાચ નહિ માનો પણ વરસતા વરસાદના ધ્વનિમાંથી જ આ ગીતની ધુન સ્ફુરી હતી. બારીની બેઠક સાથે અથડાતા વરસાદનો એકધારો સાઉન્ડ સાંભળી મને સોંગની ટયુન મળી ગઈ. એટલે જ આ ગીત હું મુંબઈના મોન્સૂનને ડેડિકેટ કરું છું.'
'મને વરસાદ પ્રત્યે શા માટે આટલી બધી લાગણી છે એ ખુદ હું પણ જાણતો નથી. ભીગી ભીગી રાતોં મેં થી લઈને મારા ઘણાં બધા સોંગ્સમાં વરસાદ ડોકિયા કરે છે. ક્યારેક કોઈ મારા સાંભળતા એમ બોલે કે મને આ મોન્સૂન જરાય ગમતું નથી. ત્યારે મારા મોઢામાંથી આપોઆપ એવા શબ્દો પડે છે કે સાહેબ, મોન્સુનમાંથી જ હું ખૂબ પૈસા કમાયો છું. એની કૃપાથી જ હું લાઈફમાં ઠરીઠામ થયો છું,' એવું કહેતા ગાયક-સંગીતકારના ચહેરા પર થોડો ગર્વનો ભાવ આવી જાય છે.
મ્યુઝિશ્યનના લેટેસ્ટ ટ્રેક 'ઇશ્ક તમાશા'માં વરસાદની થોડીક છોળો વર્તાય છે. જો કે આ ભીની ભીની મોસમ પ્રત્યેનો સામીનો પ્રેમ મ્યુઝિક પુરતો સીમિત નથી. વરસાદ જે માહોલ સર્જે છે એનાથી કલાકાર કાયમ મંત્રમુગ્ધ થતો આવ્યો છે. 'મને ચોમાસાનું આખુ વાતાવરણ જ બહુ ગમે છે. મને એ એકદમ એકસ્ટ્રા ઓર્ડિનરી લાગે છે. મારી વાઈફ મ્યુનિક (જર્મની)ની વતની છે અને ચોમાસામાં મારા ફેમિલીને રજાઓ ગાળવા મ્યુનિક જવું ગમે ે. પરંતુ હું એમને ચોખ્ખું કહી દઉં છું કે હું અહીંથી ક્યાંય જવાનો નથી. મારે મુંબઈમાં જ મોન્સૂનની મોસમ માણવી છે,' એવું કહી પોતાનો મોન્સૂન અધ્યાય પુરો કરતા અદનાન હસી પડે છે.




