25 વર્ષ પહેલાં એક જ તારીખે રિલીઝ થયેલી બે ફિલ્મોની તવારીખ

હિન્દી સિનેમામાં માઇલસ્ટોન (સીમાચિન્હ) ગણાતી બે ઐતિહાસિક ફિલ્મો 'ગદર : એક પ્રેમકથા' અને 'લગાન' એ હમણાં ૧૫મી જૂને રિલિઝના ૨૫ વરસ પૂરા કર્યા. એક જ દિવસે રિલિઝ થઈને સુપરડુપર હિટ થયેલી જુજ મૂવીજની યાદીમાં 'લગાન' અને 'ગદર' સામેલ છે. બંને ફિલ્મોના મેકર્સે સિલ્વર જ્યુબિલીની શાનદાર ઉજવણી કરી. એ પ્રસંગે 'ગદર' અને 'લગાન' વિશેની અમુક જાણીતી અને અમુક નવી વાતો મમળાવવા જેવી ખરી :
રિલીઝ પહેલાનો સિનારિયો :
ફિલ્મમેકર અને ટ્રેડ એક્સપર્ટ ગિરિશ જોહરને બરાબર યાદ છે કે 'ગદર' ફિલ્મ રિલિઝ પૂર્વે ખાસ્સી ચર્ચામાં હતી. એના ગીતો લોકપ્રિય થઈ ગયા હતા અને લોકોને ફિલ્મથી મોટી આશા બંધાઈ ગઈ હતી. એની સરખામણીમાં 'લગાન' શરૂમાં ઘણી પાછળ હતી. લોકોને 'લગાન'ના પ્રમોશનલ મટીરિયલ પરથી ખ્યાલ નહોતો આવ્યો કે ફિલ્મની સ્ટોરી શું છે. ફિલ્મના પોસ્ટરમાં ૧૧ જણને ગામડી વસ્ત્રોમાં ઊભા રાખી દેવાયા હતા. વળી, 'ગદર'ના ડિરેક્ટર અનિલ શર્મા લગાનના સુકાની આશુતોષ ગોવારિકર કરતા સફળ ડિરેક્ટર પુરવાર થઈ ચુક્યા હતા. આ બધી વાતો 'ગદર'ની ફેવરમાં જતી હતી.
જોહરના જણાવવા મુજબ 'લગાન'નો અસાધારણ રનિંગ ટાઈમ પણ ચિંતાનો વિષય હતો. મૂવી ત્રણ કલાક લાંબી હોવાથી થિયેટરોમાં એના સીમિત શો જ રાખી શકાતા હતા. ફિલ્મમાં એક ઈન્ટરવલ રાખવું કે બે એને લઈને પણ કન્ફયુજન હતું. બંને ફિલ્મની ટક્કર બહુ એકસાઇટિંગ હતી અને એક્ઝિબિટર્સ (સિનેમામાલિકો) બંને મૂવીજ પ્રદર્શિત કરવા આતુર હતા. જો કે એ જમાનામાં સિંગલ-સ્ક્રીન થિયેટરોમાં શો શેરિંગ કોમન નહોતું એટલે કઈ ફિલ્મ બતાવવી એ નક્કી કરવાનું મુશ્કેલ બની ગયું હતું. પરંતુ એ બધી વાતો હવે મધુર સંસ્મરણો બની ગઈ છે.
બંનેમાં દેશપ્રેમની સ્ટોરી
સિનેમા ઓનર્સ એન્ડ એક્ઝિબિટર્સ અસોસિયેશન ઓફ ઇન્ડિયાના માજી પ્રમુખ નીતિન દાતારના જણાવવા મુજબ શરૂઆતના વીક્સમાં સિંગલ સ્ક્રીન થિયેટરો 'ગદર'ને વધુ શોઝ ફાળવવાનું પસંદ કરતા હતા. એનું કારણ આપતા તેઓ કહે છે, 'ગદર' એક એક્શન ફિલ્મ હતી જેનો નાયક એકલા હાથે પાકિસ્તાનની પોલીસ અને તેના નેતાઓ સામે ઝઝુમે છે. લોકો થિયેટરોમાં વરાંવાર 'ભારતમાતા કી જય'ના નારા લગાવતા. 'લગાન'માં પણ દેશદાઝ હતી પણ એનું સ્વરૂપ અલગ હતું. એમાં નાયક અને ગામવાસીઓની લડત બ્રિટિશ શાસન સામે હતી. એમાં ક્રિકેટ મેચથી બ્રિટિશ હુકુમતને પડકારાઈ હતી. 'ગદર'ની જેમ 'લગાન'માં ડાયરેક્ટ એક્શન હોતી. પરંતુ અંતે બંને ફિલ્મોએ મોટો બિજનેસ કર્યો.
બોક્સ ઓફિસના આંકડા
'ગદર ઃ એક પ્રેમકથા'એ રૃા.૧૩૫ કરોડનો વર્લ્ડવાઈડ બિજનેસ કર્યો હતો. જ્યારે 'લગાન'નો દુનિયા આખીનો વકરો રૃા.૭૫ કરોડ હતો.
'લગાન' એની ૨૫મી એનિવર્સરીની ઉજવણીરૂપે ૧૨, ૧૩ અને ૧૪ જૂને માત્ર ત્રણ દિવસ થિયેટરોમાં રી-રિલિઝ કરાઈ હતી. જ્યારે 'ગદર'એ ૨૦૨૩માં એની રી-રિલિઝમાં પણ એક રેકોર્ડ કર્યો હતો. ભારતમાં રી-રિલિઝ થયેલી હિન્દી ફિલ્મોમાં એણે સૌથી વધુ બિજનેસ કર્યો હતો.
'લગાન'ની ખાસમખાસ વાતો : એ આમિર ખાન પ્રોડક્શન્સની પહેલી ફિલ્મ હતી. આમિરે 'લગાન'માં પોતાની બધી મૂડી દાવ પર લગાવી દીધી હતી. એ એક જુગટુ જ હતું કારણ કે જાવેદ અખતર જેવા સિનેમાના અભ્યાસુએ સ્ક્રીપ્ટ સાંભળ્યા બાદ એને આ ફિલ્મ ન બનાવવાની સલાહ આપી હતી.
કદાચ બહુ ઓછા લોકો જાણે છે કે લગાઉ સિન્ક સાઉન્ડનો ઉપયોગ કરી શૂટ કરાયેલી પહેલી હિન્દી ફિલ્મ હતી. સરળ શબ્દોમાં કહીએ તો શુટિંગ દરમિયાન જ એના ડાયલોગ્સ અને સાઉન્ડ રેકોર્ડ કરાયા હતા.
'લગાન' વિશ્વના વિવિધ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ્સમાં દર્શાવાઈ હતી. વળી, એ ૨૦૦૧ના ઓસકારમાં વિદેશી ભાષાની બેસ્ટ ફિલ્મની કેટેગરીમાં નોમિનેટ થઈ હતી. ઓસ્કાર્સમાં નોમિનેટ થયેલી એ પહેલી હિન્દી કમર્સિયલ ફિલ્મ હતી. સામાન્યપણે, એવોર્ડ શોઝમાં હાજરી ન આપતા આમિરે 'લગાન' માટે ઓસ્કાર એવોર્ડ મેળવવા યુએસમાં દિવસો સુધી ધામા નાખ્યા હતા. ફિલ્મના પ્રચાર માટે એજન્સીઓ રોકી ખાને લખલૂટ ખર્ચ કર્યો હતો. છતાં એની આશા પુરી ન થઈ.




