એક ફિલ્મ જ્યારે સોનાલી કુલકર્ણી માટે ટર્નિંગ પોઇન્ટ બની...

- 'ફરહાન અખ્તરની 'દિલ ચાહતા હૈ'માં મારું કાસ્ટિંગ ટિપિકલ ફિલ્મી સ્ટાઇલમાં જ થયું હતું. મેં એક્સેલ એન્ટરટેઇનમેન્ટની ઓફિસમાં જઇ એક સીન ભજવી બતાવ્યો હતો અને મને ફિલ્મ મળી ગઇ…'
૨૦૦૧માં રિલીઝ થયેલી 'દિલ ચાહતા હૈ'માં હિન્દી સિનેમાના દર્શકોએ એક અલગ પ્રકારની તાજગી અનુભવી. ફરહાને એમને એક નવા પ્રકારના સ્ટોરી- ટેલિંગનો પરિચય કરાવ્યો. એના ૩ મુખ્ય પાત્રો નવી પેઢીના શહેરી યુવાનો હતા, જે દુનિયાને અને જીવનને એક અલગ દ્રષ્ટિથી જોતા હતા. દિલ ચાહતા હૈ મરાઠી એક્ટ્રેસ સોનાલી કુલકર્ણીના કરીઅરમાં એક ટર્નિંગ પોઇન્ટ બની રહી. સોનાલીને આ મૂવીએ પહેલી વાર મોર્ડન લુક આપ્યો.
સોનાલી કહે છે, 'હકીકતમાં ફરહાનની ફિલ્મમાં મારુ કાસ્ટિંગ ટિપીકલ ફિલ્મી સ્ટાઇલમાં જ થયું હતું. એવું બન્યું કે એક ભાઇ મારા એક્સક્લુઝિવ ફોટોશૂટના પિક્ચર્સ લઇને જઇ રહ્યા હતા ત્યારે એ અચાનક એમના હાથમાંથી છટકી નીચે પડયા. એ વખતે ત્યાં હાજર ઝોયા અખ્તરે એ ફોટાં જોયા. એ તો મારી અગાઉની ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ્સમાં ગયેલી અમુક ફિલ્મો જોઇ હતી. એટલે એણે મનોમન વિચાર્યું કે હું તો સોનાલીને ઓળખું છું. પરંતુ શું એ આ ફોટામાં દેખાય છે. એટલી મોર્ડન લાગે છે ખરી? ઝોયાએ મને ઓડિશન માટે બોલાવી મેં એક્સેલ એન્ટરટેઇનમેન્ટની ઓફિસમાં જઇ એક સીન ભજવી બતાવ્યો. અને મને ફિલ્મ મળી ગઇ. મારા સદનસીબે કાસ્ટિંગ ડિરેક્ટર ઝોયા હતી એટલે મને દિલ ચાહતા હૈ મળી. ઘણી બધી બાબતોએ ભેગા મળી દિલ ચાહતા હૈને અનોખા પ્રકારની તાજગી આપી. મૂવીનું મ્યુઝિક, સિનેમાટોગ્રાફી અને એક્ટર્સના પરફોર્મન્સ બધુ જ નવું, ફ્રેશ અને એકદમ શહેરી હતું. અગાઉની ત્યાગ, બલિદાન અને રોના-ધોનાવાળી ડ્રામેટિક સ્ટોરીઝ સાથે કશુ લાગતુ વળગતું નહોતું. ફિલ્મ ભારતીય સિનેમામાં વાર્તા કથનની એકદમ નવી ભાષા લઇ આવી. '




