2026ના ફર્સ્ટ-હાફનો રિપોર્ટ કાર્ડ: નોટ બેડ એટ ઓલ!

પાછલાં બે વર્ષના ઉતાર-ચઢાવ બાદ ૨૦૨૬નું વરસ બોલિવુડ માટે સારી એવી રાહત લઈને આવ્યું છે. આ વરસના પહેલા છ મહિનાના બિઝનેસ ફિગર્સ એવો નિર્દેશ કરે છે કે દર્શકોએ વિવિધ જોનર્સ, બજેટ અને ભાષાની ફિલ્મોને ટેકો આપ્યો છે. વરસના ફર્સ્ટ હાફ દરમિયાન થિયેટરોમાં ફુટફોલ્સ (પ્રેક્ષકોની હાજરી) વધી છે, પ્રાદેશિક ભાષાની ફિલ્મો પણ સફળ રહી છે અને હિન્દી સિનેમામાં કોમેડીએ વાપસી કરી છે. એને કારણે ફિલ્મમેકર્સનો આત્મવિશ્વાસ પાછો ફર્યો છે. 'સિનેમાઘરોમાં દર્શકોની હાજરી કમસેકમ ૧૦ ટકા વધી છે અને અમારા અંદાજ પ્રમાણે આ વરસે બોક્સ ઓફિસ કલેક્શન્સમાં ઓછામાં ઓછો ૧૮ ટકાનો વધારો થશે' એમ મલ્ટીપ્લેક્સ એસોસિયેશન ઓફ ઇન્ડિયાના પ્રમુખ કમલ જ્ઞાાનચંદાની કહે છે.
૨૦૨૬ના પહેલા છ માસમાં દેશપ્રેમની થીમ ધરાવતી મૂવીઝથી માંડી કોમેડી સુધીની વિવિધ જોનરની ફિલ્મો સુપરહિટ અને હિટ થઈ છે. સની દેઉલની 'બોર્ડર-૨' રૃા.૩૪૧ કરોડના બિઝનેસ સાથે સૌથી હિટ ફિલ્મોમાંની એક પુરવાર થઈ. જ્યારે 'ધુરધર : રિવેન્જ' રૃા.૧૧૦૮.૯ કરોડના કલેક્શન સાથે વરસની સૌથી વધુ કમાણી કરનાર મૂવી બની. દર્શકોએ કોમેડીને પણ વધાવી. અક્ષયકુમાર અને ડિરેક્ટર પ્રિયદર્શનની જોડીએ પણ બોક્સ ઓફિસ પર તડાકો પાડયો. એમની ફિલ્મ 'ભૂત બંગલા' રૃા.૧૬૮ કરોડના બિઝનેસ સાથે સફળ ફિલ્મ નીવડી. જ્યારે અક્ષયની હમણાં છેલ્લે રિલિઝ થયેલી મલ્ટીસ્ટારર પહેલા વીકમાં જ રૃા.૧૩૦ કરોડનો વર્લ્ડ વાઈડ બિઝનેસ કરી બોલિવુડને રાજીનું રેડ કરી દીધું છે.
ઇમ્તિયાઝ અલીનો પિરીયડ રોમાંટિક ડ્રામામા 'મૈં વાપસ આઉંગા' વરસનું એક સૌથી મોટુ આશ્ચર્ય બની ગયો. ભારત-પાકિસ્તાન ભાગલાની પૃષ્ઠભૂમિ ધરાવતી ફિલ્મે સાવ સાધારણ ઓપનિંગ લીધું હતું. પરંતુ નસીરુદ્દીન શાહ, દિલજિત દોસાંજ, શર્વરી અને વૈદાંગ રૈનાની ફિલ્મને કર્ણોપકર્ણ (માઉથ પબ્લિસિટી)એ ઉંચકી લીધી. વર્લ્ડવાઈડ રૃા.૭૫ કરોડના કલેક્શન સાથે 'મૈં વાપસ આઉંગા' હજુ થિયેટરોમાં ચાલી રહી છે. ફિલ્મની સફળતા બાદ ડિરેક્ટર ઇમ્તિયાઝ અલી પોતાની પ્રતિક્રિયામાં કહે છે, 'મારી મૂવીને દર્શકોએ પ્રેમથી વધાવી લીધી છે. ઈન્ડસ્ટ્રીમાં કેટલાંક લોકો એવું કહેતા હતા કે અરે, કુછ ભી હલકા-ફુલકા દે દો ઓડિયંસ કો, ચલ જાયેગા. ઈમોશન ફિલ્મ મત દો. લોકોએ એમને ખોટા પાડયા છે.'
બીજી તરફ, આ વરસે બહુ ગાજેલી ફિલ્મો બોક્સ ઓફિસ પર ઊંધે-માથે પછડાઈ છે. આવી ફ્લોપ ફિલ્મોમાં વિશાલ ભારદ્વાજની 'ઓ રોમિયો' (બોક્સ ઓફિસ કલેક્શન રૃા.૬૦ કરોડ, અનન્યા પાંડે અને લક્ષ્યની 'ચાંદ મેરા દિલ' (રૃા.૨૮ કરોડ), 'અસ્સી' (૧૦ કરોડ), 'ભારત ભાગ્ય વિધાતા' (૬.૬ કરોડ) અને 'એક દિન' (૩.૭ કરોડ) જેવી ફિલ્મો સામેલ છે. જ્યારે શાહિદ કપૂર, રશ્મિકા મંદાના અને ક્રીતિ સેનનની 'કોકટેલ-૨', વરુણ ધવનની 'હૈ જવાની તો ઈશ્ક હોના હૈ', 'પતિ પત્ની ઔર વો' અને 'મર્દાની-૩' એવરેજ બિઝનેસ કરનાર ફિલ્મોની કેટેગરીમાં આવે છે. ખાસ નોંધવા જેવી વાત એ છે કે રિતેશ દેશમુખની દ્વિભાષી ફિલ્મ 'રાજા શિવાજી' ૧૦૫ કરોડના કલેક્શન સાથે અત્યાર સુધીની સૌથી મોટી હિટ મરાઠી ફિલ્મ બની ગઈ છે.




