Chhota Udaipur

છોટા ઉદેપુરના સીમલફળિયામાં તળાવમાં ખાબકતાં યુવકનું મોત, ગ્રામજનોમાં ભારે રોષ

By GS Team
4 Oct 20262 mins read
TukuTouch Logo
છોટા ઉદેપુરના સીમલફળિયા ગામે 38 વર્ષીય ગોબર નાયકાનું તળાવ જેવા ઊંડા ખાડામાં ખાબકવાથી કરુણ મોત થયું છે. ગ્રામજનોએ 15 ફૂટથી વધુ ગેરકાયદે ઊંડાણ અને સુરક્ષાના અભાવનો આક્ષેપ કર્યો છે. મકાઈ ખરીદવા જતા તેઓ લપસી પડ્યા હતા. પરિવારે સહાય અને જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે, અન્યથા ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

છોટા ઉદેપુરના સીમલફળિયામાં તળાવમાં ખાબકતાં યુવકનું મોત, ગ્રામજનોમાં ભારે રોષ

Chhota Udepur News: છોટા ઉદેપુરના સીમલફળિયા ગામ નજીક આવેલા તળાવ જેવા ઊંડા ખાડામાં ખાબકવાથી 38 વર્ષીય યુવકનું કરુણ મોત નીપજતાં સમગ્ર પંથકમાં ભારે અરેરાટી સાથે રોષની લાગણી ફેલાઈ છે. જૂના રસ્તા પાસે આવેલા તળાવમાં સુરક્ષાના નિયમોનું ઉલ્લંઘન કરી જોખમી ઊંડાણ કરવામાં આવ્યું હોવાને કારણે આ દુર્ઘટના સર્જાઈ હોવાનો ગ્રામજનોએ ગંભીર આક્ષેપ કર્યો છે.

શું હતી સમગ્ર ઘટના?

મળતી વિગતો અનુસાર, સીમલફળિયા ગામના 38 વર્ષીય ગોબર નાયકા શનિવારે (ત્રીજી ઓક્ટોમ્બર) મકાઈ ખરીદવા માટે છોટા ઉદેપુર જવા નીકળ્યા હતા. જૂના રસ્તાની લગોલગ આવેલા તળાવ પાસેથી પસાર થતી વખતે તે અચાનક લપસીને ઊંડા ખાડામાં ખાબક્યા હતા. લાંબા સમય સુધી તે ઘરે પરત ન ફરતાં પરિવારજનો અને ગ્રામજનોએ શોધખોળ હાથ ધરી હતી, જ્યાં તળાવમાંથી તેનો મૃતદેહ મળી આવ્યો હતો. ઘટના અંગે 108 એમ્બ્યુલન્સ અને 112 ઇમરજન્સી સર્વિસને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી.

15 ફૂટથી વધુ ગેરકાયદે ઊંડાણનો આક્ષેપ

સ્થાનિક અગ્રણી કિરણ રાઠવા સહિતના ગ્રામજનોના જણાવ્યા અનુસાર, આ તળાવમાં સરકાર દ્વારા માન્ય મર્યાદા કરતાં ઘણું વધારે, એટલે કે આશરે 15 ફૂટથી વધુ ગેરકાયદે ઊંડું ખોદકામ કરવામાં આવ્યું છે. રસ્તાની સાવ નજીક જ આવી જોખમી ખાણ કે તળાવ હોવા છતાં તેની ફરતે કોઈ ફેન્સિંગ, તારની વાડ કે સુરક્ષાત્મક બોર્ડ લગાવવામાં આવ્યા નથી.

દુર્ઘટના બાદ જ્યારે ખાણ અને ખનીજ વિભાગ તથા લીઝ સંચાલકનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે હાલમાં આ તળાવ સક્રિય નથી તેવો જવાબ આપી બંને પક્ષો જવાબદારીમાંથી છટકવાનો પ્રયાસ કરી રહ્યા હોવાનો ગ્રામજનોએ દાવો કર્યો છે. આ અંગે ગ્રામજનોએ સવાલ ઉઠાવ્યો છે કે જો તળાવ કે લીઝ બંધ હોય તો પણ આવો જોખમી ખાડો ખુલ્લો કેમ છોડી દેવાયો?

ઉગ્ર આંદોલનની ચીમકી

મૃતક અત્યંત ગરીબ પરિવારમાંથી આવતા હોવાથી તેમના પરિવારને તાત્કાલિક યોગ્ય આર્થિક સહાય ચૂકવવામાં આવે તેમજ ખાણ-ખનીજ વિભાગ તાત્કાલિક સ્થળ તપાસ કરી તળાવના ઊંડાણની માપણી કરે તેવી માગણી ઉઠી છે. ગ્રામજનોએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો જવાબદાર તળાવ ધારક અને નિષ્કાળજી દાખવનાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી નહીં થાય, તો ગાંધીચિંધ્યા માર્ગે સમગ્ર સીમલફળિયા વિસ્તારની લીઝો સામે ઉગ્ર આંદોલન છેડવામાં આવશે.