છોટા ઉદેપુરના નસવાડીના 50થી વધુ ગામમાં વીજળી ગુલ! વીજ પુરવઠો ખોરવાતાં MGVCLની કચેરીએ ગ્રામજનોનો વિરોધ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Chhotaudepur Naswadi MGVCL Office Protest: છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના શીરા ફીડરમાંથી જોડાયેલા 50થી વધુ ગામોમાં ગત મંગળવારે(11 ઓગસ્ટ) સવારથી વીજ પુરવઠો ખોરવાતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. વીજળીનો પુરવઠો બંધ રહેતા મોટી સંખ્યામાં મહિલાઓ અને પુરુષો સરપંચોની આગેવાનીમાં મધ્ય ગુજરાત વીજ કંપનીની કચેરી ખાતે પહોંચ્યા હતા. જો કે, ગ્રામજનોના જણાવ્યા મુજબ કચેરી ખાતે અધિકારીઓ હાજર ન મળતા લોકોમાં વધુ રોષ ફાટી નીકળ્યો હતો અને “અધિકારીઓ ક્યાં છે?”, “વીજળી આપો, વીજળી આપો” જેવા ઉગ્ર સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.
છોટા ઉદેપુરના નસવાડીના 50થી વધુ ગામમાં વીજળી ગુલ!
નસવાડી તાલુકાના ગામડાંઓમાં વીજ પુરવઠો ન મળવાને લઈને ગ્રામજનોનો આક્ષેપ છે કે, સવારથી વીજ પુરવઠો બંધ હોવાથી પાણીની વ્યવસ્થા પણ ખોરવાઈ ગઈ હતી. બીજી તરફ, આસપાસના ગામોમાં દીપડો ફરતો હોવાના કારણે રાત્રિના સમયે વીજળી વિના લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. મધ્ય ગુજરાત વીજ કંપની અધિકારીઓ કચેરીમાં ના મળતા અધિકારીઓ વિરોધમાં સૂત્રોચાર કરવામાં આવ્યા હતા.
વીજ પુરવઠો ખોરવાતાં MGVCLની કચેરીએ ગ્રામજનોનો વિરોધ
ગ્રામજનોએ વધુમાં જણાવ્યું હતું કે, વીજ પુરવઠાની સમસ્યા અંગે મધ્ય ગુજરાત વીજ કંપનીના અધિકારીઓનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવે છે, પરંતુ ફોન પર યોગ્ય પ્રતિસાદ મળતો નથી. આથી અંતે મોટી સંખ્યામાં ગ્રામજનો પોતાની રજૂઆત લઈને વીજ કંપનીની કચેરીએ પહોંચ્યા હતા. પરંતુ અધિકારીઓ રજૂઆત સાંભળવા માટે હાજર ન મળતા ગ્રામજનોએ રાતભર વીજ કંપનીના કમ્પાઉન્ડમાં બેસી રહેવાની ચીમકી ઉચ્ચારી હતી.
ગ્રામજનોના આક્રોશને પગલે વીજ કંપનીના અધિકારીઓમાં પણ દોડધામ મચી ગઈ હતી. હવે જોવાનું એ રહ્યું કે, 50થી વધુ ગામોના ગ્રામજનોની આ રજૂઆત બાદ વીજ પુરવઠો ક્યારે પુનઃસ્થાપિત થાય છે અને વીજ કંપનીના અધિકારીઓ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે.









