Chhota Udaipur

છોટા ઉદેપુર: નસવાડીમાં મામલતદારની સહી-સિક્કાવાળો નકલી જાતિનો દાખલો ઝડપાયો, બે શખસો સામે નોંધાઈ ફરિયાદ

By GS Team
21 Aug 20262 mins read
TukuTouch Logo
છોટા ઉદેપુરના નસવાડીમાં બોગસ જાતિના દાખલાનો પર્દાફાશ થયો છે. અરજદારે નવા દાખલા માટે જૂનો દાખલો રજૂ કરતા, મામલતદારને શંકા ગઈ. તપાસમાં મામલતદારની સહી-સિક્કાવાળો જૂનો દાખલો બોગસ હોવાનું ખુલ્યું. નસવાડી મામલતદારે સફરાજભાઈ ભીલ અને પ્રભુભાઈ રાઠવા સામે પોલીસ ફરિયાદ નોંધાવી. પોલીસે બંનેની શોધખોળ શરૂ કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

છોટા ઉદેપુર: નસવાડીમાં મામલતદારની સહી-સિક્કાવાળો નકલી જાતિનો દાખલો ઝડપાયો, બે શખસો સામે નોંધાઈ ફરિયાદ

Chhota Udepur Naswadi Fake Caste Certificate Scam: છોટા ઉદેપુરના નસવાડીમાં બોગસ જાતિના દાખલાનો પર્દાફાશ થયો છે. અરજદારે મામલતદાર કચેરીમાં નવો જાતિનો દાખલો મેળવવા અરજી કરી હતી. જેમાં પુરાવા રૂપે જૂનો દાખલો રજૂ કરાયો હતો. જો કે, જૂનો દાખલો મામલતદારને બોગસ જણાતા તેઓએ રજિસ્ટર ચકાસ્યું હતું. જેમાં મામલતદારની સહી સિક્કાવાળો જાતિનો દાખલો બોગસ હોવાનું ફલિત થયું હતું. સમગ્ર મામલે નસવાડી મામલતદારે બોગસ દાખલો બનાવનાર અને તેની મદદગારી કરનાર બે શખસો સામે ફરિયાદ નોંધાવી છે.

શું છે સમગ્ર ઘટના?

ઘટના એમ છે કે, નસવાડી તાલુકા સેવાસદનમાં ખાપરીયા ગામના પ્રભુભાઈએ તેમના પુત્ર પારસભાઈનો જાતિનો દાખલો મેળવવા માટે નસવાડી મામલતદારમાં અરજી કરી હતી. જેમાં પુરાવા તરીકે 28/05/2024ના રોજ મામલતદાર કચેરી દ્વારા જે પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું તે પુરાવા તરીકે રજૂ કર્યું હતું. પરંતુ જૂનો રજૂ કરાયેલા જાતિના દાખલામાં બોગસ સહીઓ અને સિક્કા મારી બનાવેલ હોવાનું અનુમાન લાગતા મામલતદારએ કચેરીના સ્ટાફ સાથે મળીને દાખલામાં દર્શાવેલા રજિસ્ટર નંબરની ખાતરી કરતાં રજિસ્ટરમાં તે દાખલો નોંધાયેલો જણાયો નહોતો. જેમાં જે-તે સમયના મામલતદારની સહી-સિક્કા પણ ખોટા કરાયા હોવાનું જણાયું હતું.

બે શખસો સામે પોલીસ ફરિયાદ

મામલતદારે જીણવટ ભરી તપાસ હાથ ધરતા બોગસ દાખલો બનાવનારની પૂછપરછ કરતાં સમગ્ર પર્દાફાશ થયો હતો. જેમાં મામલતદારની સહી-સિક્કા વાળું બોગસ જાતિના દાખલા બનાવનાર કોંગ્રેસના કાર્યકર અને રતનપુરાના માજી સરપંચનો પુત્ર સફરાજભાઈ વિનોદભાઈ ઉર્ફે વિનુભાઈ ભીલ અને જાતિનો બોગસ દાખલો લેનાર પ્રભુભાઈ રાઠવા બે વ્યક્તિઓ સામે મામલતદાર વિરાજસિંહ દિલીપસિંહ સીસોદીયનાએ નસવાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. સમગ્ર મામલે પોલીસ બંને શખસોની શોધખોળ હાથ ધરી છે.

આ પણ વાંચો: છોટા ઉદેપુર: નસવાડીમાં દિવ્યાંગ પ્રમાણપત્ર કેમ્પમાં હોબાળો, સારવાર અધૂરી મૂકીને ડૉક્ટરો જતા રહેતા ભૂખ્યા-તરસ્યા બેઠેલાં દર્દીઓમાં રોષ

નસવાડી મામલતદાર દ્વારા બોગસ જાતિના દાખલાની તપાસ હાથ ધરતા પ્રાથમિક તપાસમાં રતનપુરા ગામે રહેતા સરફરાજભાઈ વિનોદભાઈ ભીલ તેઓ વીસીની કામગીરી કરે છે અને કંકોત્રી સહિત ઓનલાઇન ફોર્મ ભરવાની કામગીરી કરે છે. તેઓ 500 રૂપિયામાં જાતિનો બોગસ દાખલો બનાવી આપતા હોવાનું સામે આવ્યું છે. હવે નસવાડી તાલુકામાં આવા કેટલા બોગસ દાખલા બનેલા છે તેની તપાસ મામલતદારે હાથ ધરી છે.