Chhota Udaipur

નસવાડી, ક્વાંટ અને છોટા ઉદેપુરનો રોડ બિસ્માર બનતાં વાહનચાલકો ત્રસ્ત, રસ્તા પર ખાડાઓથી અકસ્માતનો ભય

By GS Team
16 Aug 20262 mins read
TukuTouch Logo
છોટાઉદેપુર જિલ્લામાં નસવાડી, ક્વાંટ અને છોટાઉદેપુરને જોડતો 28 કિલોમીટરનો માર્ગ અત્યંત બિસ્માર બન્યો છે. ઠેર-ઠેર મસમોટા ખાડા પડતાં વાહનચાલકો અને સ્થાનિકોને ભારે મુશ્કેલી પડી રહી છે. સ્ટેટ R&B વિભાગની ઉદાસીનતા સામે લોકોમાં રોષ છે. અકસ્માતનો ભય અને વાહનોને નુકસાન થતા, તાત્કાલિક રીપેરિંગની માંગ ઉઠી છે. કરોડોના ખર્ચ છતાં પરિસ્થિતિ યથાવત્ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

નસવાડી, ક્વાંટ અને છોટા ઉદેપુરનો રોડ બિસ્માર બનતાં વાહનચાલકો ત્રસ્ત, રસ્તા પર ખાડાઓથી અકસ્માતનો ભય

Chhota Udepur News: છોટા ઉદેપુર જિલ્લાના ત્રણ મહત્ત્વના વિસ્તારોને જોડતો 28 કિલોમીટર લાંબો નસવાડી, ક્વાંટ અને છોટા ઉદેપુર માર્ગ હાલ અત્યંત બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયો છે. રસ્તા પર ઠેર-ઠેર પડેલા મસમોટા ખાડાઓને કારણે વાહનચાલકો અને સ્થાનિક રહીશોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. સ્ટેટ આર એન્ડ બી (R&B) વિભાગની ઉદાસીનતા સામે સ્થાનિકોમાં ભારે રોષ વ્યાપી ગયો છે.

અકસ્માતનું જોખમ અને વાહનોને નુકસાન

વાહનચાલકોના જણાવ્યાનુસાર, રસ્તા પરના ખાડાઓથી બચવા માટે અચાનક વાહન સાઈડમાં કે આગળ-પાછળ લેવું પડે છે, જેના કારણે સામે કે પાછળથી આવતા વાહનો સાથે અથડામણ થવાની અને મોટી દુર્ઘટના સર્જાવાની ભીતિ સતત રહે છે.બિસ્માર રસ્તાના કારણે વાહનોના ટાયર અને સસ્પેન્શન તૂટી જતાં વાહનચાલકોને આર્થિક નુકસાન વેઠવું પડી રહ્યું છે. ખરાબ રસ્તાને કારણે મુસાફરીનો સમય અને બળતણનો ખર્ચ પણ વધી રહ્યો છે.

રાજ્ય સરકાર દ્વારા રસ્તા પરના ખાડા ઝડપથી પૂરવા માટે કડક સૂચનાઓ આપવામાં આવી હોવાના દાવા કરાય છે, છતાં જમીની હકીકત તદ્દન અલગ છે. સ્થાનિકોનો ગંભીર આક્ષેપ છે કે સ્ટેટ આર એન્ડ બી વિભાગના અધિકારીઓ કે એક્ઝિક્યુટિવ ઇજનેર કચેરીમાંથી બહાર નીકળીને વાસ્તવિક સ્થિતિનું નિરીક્ષણ કરવાની તસ્દી લેતા નથી. દર વર્ષે માર્ગોની જાળવણી અને ખાડા પૂરવા માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે, છતાં કાગળ પર થતી કામગીરી જમીન પર દેખાતી નથી.

તાત્કાલિક રીપેરિંગ કામગીરી કરવાની માગ

વાહનચાલકો અને સ્થાનિક લોકોની માગ છે કે સ્ટેટ આર એન્ડ બી વિભાગના જવાબદાર અધિકારીઓ તાત્કાલિક સ્થળ નિરીક્ષણ કરે અને માર્ગ પરના તમામ ખાડાઓનું યોગ્ય પુરાણ કરી રસ્તાને ખાડામુક્ત કરે. તંત્રની બેદરકારીનો ભોગ પ્રજા બની રહી છે ત્યારે જવાબદાર અધિકારીઓ ક્યારે જાગીને નક્કર કામગીરી હાથ ધરે છે તે જોવું રહ્યું.