Chhota Udaipur

બોડેલી APMCમાં નવા કપાસના નીચા ભાવથી ખેડૂતોમાં નારાજગી, પોષણક્ષમ ભાવ મળે તેવી માગ

By GS Team
14 Nov 20262 mins read
TukuTouch Logo
છોટાઉદેપુરની બોડેલી APMCમાં નવા કપાસની આવક શરૂ થઈ છે, પરંતુ ખેડૂતોને અપેક્ષા મુજબના ભાવ ન મળતાં નિરાશા વ્યાપી છે. પ્રતિ ક્વિન્ટલ રૂ. 8,600થી રૂ. 8,800ના ભાવ મળતાં ખેડૂતો ચિંતિત છે. સરકારે લાંબા તારના કપાસનો ટેકાનો ભાવ રૂ. 8,667 નક્કી કર્યો છે, છતાં ખુલ્લા બજારમાં નીચા ભાવ મળતાં ખેડૂતોને આર્થિક નુકસાન વેઠવું પડી રહ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

બોડેલી APMCમાં નવા કપાસના નીચા ભાવથી ખેડૂતોમાં નારાજગી, પોષણક્ષમ ભાવ મળે તેવી માગ

APMC new cotton prices : છોટાઉદેપુરની બોડેલી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ(APMC) ખાતે નવા કપાસની આવક શરૂ થતાં જ ખરીદીનો પ્રારંભ થયો છે, પરંતુ ખેડૂતોને અપેક્ષા કરતાં ઘણાં ઓછા ભાવ મળતાં અન્નદાતાઓમાં ભારે નિરાશા અને રોષ જોવા મળી રહ્યો છે. સિઝનની શરૂઆતમાં જ બજારભાવ અપેક્ષા કરતાં નીચા રહેતા ખેડૂતો ચિંતામાં મૂકાયા છે.

પ્રતિ ક્વિન્ટલ રૂ. 8,600થી રૂ. 8,800નો કપાસનો ભાવ

મળતી માહિતી પ્રમાણે, બોડેલી APMCમાં નવા કપાસની ખરીદીના પ્રારંભે પ્રતિ ક્વિન્ટલ રૂ. 8,600થી રૂ. 8,800 (અંદાજે રૂ. 1,720થી રૂ. 1,760 પ્રતિ મણ) સુધીના ભાવ મળી રહ્યા છે. ખેડૂતોને નવી સિઝનમાં સારા ભાવ મળવાની પૂરી આશા હતી, પરંતુ મહત્તમ ભાવ માત્ર રૂ. 8,800 પ્રતિ ક્વિન્ટલ આસપાસ જ અટકી જતાં ખેડૂતો ભારે નિરાશ થયા છે. એટલું જ નહીં, બોડેલીની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં તો કપાસના બજારભાવ સરકાર દ્વારા નિર્ધારિત ટેકાના ભાવ કરતાં પણ નીચે જઈ રહ્યા હોવાનું સામે આવ્યું છે.

ટેકાના ભાવની સરખામણીએ ખુલ્લા બજારમાં નીચા ભાવ

સરકાર દ્વારા વર્ષ 2026-27 માટે લાંબા તારના કપાસનો ટેકાનો ભાવ(MSP) પ્રતિ ક્વિન્ટલ રૂ. 8,667 (અંદાજે રૂ. 1,733 પ્રતિ મણ) નક્કી કરવામાં આવ્યો છે. આ નિર્ધારિત ટેકાના ભાવની સરખામણીએ ખુલ્લા બજારમાં નીચા ભાવ મળતાં ખેડૂતોનું આર્થિક ગણિત સંપૂર્ણપણે બગડ્યું છે.

ખેડૂતોને મોટાપાયે આર્થિક નુકસાન વેઠવું પડી શકે

વર્તમાન સમયમાં ખેતી પાછળનો ઉત્પાદન ખર્ચ આસમાને પહોંચ્યો છે. કપાસના પાકનું વાવેતર અને જતન કરવા માટે ખેડૂતોએ મોંઘા ભાવના બિયારણ, રાસાયણિક ખાતર, જંતુનાશક દવાઓ અને મજૂરી પાછળ માતબર ખર્ચ કર્યો છે. આ તમામ બાબતોના વધેલા ઉત્પાદન ખર્ચ સામે વર્તમાન બજાર ભાવ પૂરતા ન હોવાથી ખેડૂતોને મોટાપાયે આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.