Chhota Udaipur

છોટા ઉદેપુર: જર્જરિત પુલ અને ભારે વાહનો પરના પ્રતિબંધથી ટ્રાન્સપોર્ટ ઉદ્યોગની દયનીય હાલત, ટ્રાન્સપોર્ટરોએ ઠાલવી વેદના

By GS Team
18 Aug 20262 mins read
TukuTouch Logo
છોટા ઉદેપુરમાં 300થી વધુ ટ્રકોને જર્જરિત પુલો અને ભારે વાહનો પરના પ્રતિબંધથી મુશ્કેલી પડી રહી છે. ટ્રાન્સપોર્ટરોને 40-50 કિલોમીટર લાંબા ફેરા કરવા પડે છે, જેનાથી ડીઝલ ખર્ચ વધે છે. ભાડામાં વધારો ન થતાં આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. સમયસર પુલોનું રિપેરિંગ ન થાય તો 2,000 લોકોની રોજગારી સામે સંકટ ઊભું થઈ શકે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

છોટા ઉદેપુર: જર્જરિત પુલ અને ભારે વાહનો પરના પ્રતિબંધથી ટ્રાન્સપોર્ટ ઉદ્યોગની દયનીય હાલત, ટ્રાન્સપોર્ટરોએ ઠાલવી વેદના

Chhota Udepur Transport Business Bridge Issue: છોટા ઉદેપુર જિલ્લામાં વિકાસના દાવાઓ વચ્ચે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગની હાલત દયનીય બની રહી છે. જિલ્લામાં 300થી વધુ ટ્રકો ટ્રાન્સપોર્ટ વ્યવસાય સાથે જોડાયેલી છે, પરંતુ જર્જરિત પુલો અને ભારે વાહનો પરના પ્રતિબંધને કારણે ટ્રાન્સપોર્ટરોને લાંબો ફેરો કરવાની ફરજ પડી રહી છે. એક તરફ ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે, તો બીજી તરફ વેપારીઓ તરફથી ભાડામાં વધારો કરવામાં આવતો નથી. જેના કારણે ટ્રાન્સપોર્ટરોને ભારે આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

છોટા ઉદેપુરમાં ટ્રાન્સપોર્ટ ઉદ્યોગની દયનીય હાલત

છોટા ઉદેપુરથી વડોદરા સહિત જિલ્લાના વિવિધ માર્ગો પર આવેલા અનેક પુલો હાલ ભારે વાહનો માટે મુશ્કેલીનું કારણ બન્યા છે. 30 ટનથી વધુ માલ ભરેલા વાહનોને કેટલાક પુલો પરથી પસાર થવા દેવામાં આવતા નથી. જેના કારણે ટ્રાન્સપોર્ટરોને વૈકલ્પિક માર્ગ પરથી અંદાજે 40થી 50 કિલોમીટરનો વધારાનો ફેરો કરવો પડે છે.

વધારાના અંતર સાથે ડીઝલનો ખર્ચ વધે છે, વાહનનો સમય વધે છે અને મેન્ટેનન્સનો ખર્ચ પણ વધે છે. બીજી તરફ, ટ્રાન્સપોર્ટનું ભાડું વધતું ન હોવાથી સમગ્ર ભાર ટ્રાન્સપોર્ટરો પર આવી રહ્યો છે.

ટ્રાન્સપોર્ટરોએ શું કહ્યું?

ટ્રાન્સપોર્ટરોના જણાવ્યા મુજબ, છેલ્લા બે વર્ષથી જર્જરિત પુલો અને રસ્તાઓની સમસ્યાને કારણે ઉદ્યોગને સતત નુકસાન થઈ રહ્યું છે. અનેક વખત રજૂઆતો છતાં નવા પુલોની મંજૂરી અને જૂના પુલોના રિપેરિંગ અંગે નક્કર કાર્યવાહી થતી ન હોવાનો આક્ષેપ પણ કરવામાં આવી રહ્યો છે.

છોટા ઉદેપુર જિલ્લામાં 300થી વધુ ટ્રકો અને તેની સાથે સંકળાયેલા ડ્રાઇવર, કંડકટર તથા ટ્રાન્સપોર્ટ માલિકોનો વ્યવસાય સીધી રીતે આ માર્ગ વ્યવસ્થા પર નિર્ભર છે. ટ્રાન્સપોર્ટરોનો દાવો છે કે જો સમયસર જર્જરિત પુલોનું રિપેરિંગ કરવામાં નહીં આવે અને નવા પુલોને મંજૂરી આપવામાં નહીં આવે તો આગામી સમયમાં આ ઉદ્યોગ સાથે જોડાયેલા આશરે 2 હજાર લોકોની રોજગારી સામે પણ સંકટ ઊભું થઈ શકે છે.

એક તરફ સરકાર મોટા પાયે રોડ અને બ્રિજના વિકાસની વાતો કરી રહી છે, ત્યારે છોટા ઉદેપુર જિલ્લાના નદી ઉપર આવેલા જર્જરિત પુલો અને ભારે વાહનોની અવરજવરની સમસ્યાનો કાયમી ઉકેલ ક્યારે આવશે તેવો સવાલ હવે ટ્રાન્સપોર્ટરો ઉઠાવી રહ્યા છે.

આ પણ વાંચો: નસવાડીની સોડત પ્રાથમિક શાળામાં એક જ વર્ગમાં 4 શિક્ષકો, વિદ્યાર્થીઓ ઝીરો! શિક્ષણ વિભાગના અંધેર વહીવટ સામે રોષ

હવે જોવું એ રહ્યું કે, તંત્ર દ્વારા જર્જરિત પુલોના રિપેરિંગ, નવા પુલોની મંજૂરી અને ભારે વાહનો માટે યોગ્ય માર્ગ વ્યવસ્થા અંગે ક્યારે નક્કર પગલાં લેવામાં આવે છે. વિકાસની ગુલબાંગો વચ્ચે ટ્રાન્સપોર્ટરોનો આ વ્યવસાય બચશે કે પછી વધતા ખર્ચ અને માર્ગોની સમસ્યાના કારણે વધુ મુશ્કેલીમાં જશે.