Chhota Udaipur

નસવાડીની સોડત પ્રાથમિક શાળામાં એક જ વર્ગમાં 4 શિક્ષકો, વિદ્યાર્થીઓ ઝીરો! શિક્ષણ વિભાગના અંધેર વહીવટ સામે રોષ

By GS Team
18 Aug 20262 mins read
TukuTouch Logo
છોટાઉદેપુરના નસવાડીમાં શિક્ષણ વિભાગની બેદરકારી સામે આવી છે. નસવાડી સ્ટેશન પ્રાથમિક શાળાનું જર્જરિત મકાન સોડત પ્રાથમિક શાળામાં ખસેડાયું. 1 કિલોમીટર દૂર શાળા હોવાથી છેલ્લા 10 દિવસથી 5 બાળકોમાંથી એક પણ આવતું નથી. પરિણામે, 4 શિક્ષકો નવરાધૂપ બેસી રહે છે. આદિવાસી સમાજે શિક્ષણ વિભાગના અંધેર વહીવટનો પર્દાફાશ કર્યો.

Summarized by AI; it may make mistakes. Check important info

નસવાડીની સોડત પ્રાથમિક શાળામાં એક જ વર્ગમાં 4 શિક્ષકો, વિદ્યાર્થીઓ ઝીરો! શિક્ષણ વિભાગના અંધેર વહીવટ સામે રોષ

Chhota Udepur News: છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં શિક્ષણ વિભાગની ઘોર બેદરકારી અને અંધેર વહીવટનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. નસવાડી સ્ટેશન પ્રાથમિક શાળાનું મકાન જર્જરિત બનતાં તેને નજીકની સોડત (ચુનાખાણ) પ્રાથમિક શાળા ખાતે ખસેડવામાં આવી છે. જોકે, છેલ્લા 10 દિવસથી એક પણ બાળક શાળાએ ન આવતાં ચાર-ચાર શિક્ષકો નવરાધૂપ બેસી રહેવાની નોબત આવી છે.

બાળકો પાંચ અને શિક્ષકો બે

નસવાડી તાલુકામાં કુલ 212 પ્રાથમિક શાળાઓ આવેલી છે. જેમાં નસવાડી સ્ટેશન વિસ્તારની પ્રાથમિક શાળામાં માત્ર 5 બાળકોની સંખ્યા છે અને ત્યાં 2 શિક્ષકો ફરજ બજાવે છે. આ શાળાનું મકાન અત્યંત જર્જરિત થઈ જતાં તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ આ શાળાને નજીકમાં આવેલી સોડત (ચુનાખાણ) પ્રાથમિક શાળામાં ખસેડવાનો હુકમ કર્યો હતો.

શિક્ષણ વિભાગ દ્વારા નજીકમાં ભાડાનું મકાન રાખીને શાળા ચલાવવાને બદલે 1 કિલોમીટર દૂર નદી કિનારે આવેલી સોડત શાળામાં બાળકોને મોકલવાનો નિર્ણય લેવાતાં વાલીઓમાં ભારે રોષ ફેલાયો હતો. અંતર અને સુરક્ષાના કારણે વાલીઓએ છેલ્લા 10 દિવસથી બાળકોને સોડત શાળાએ મોકલવાનું જ બંધ કરી દીધું છે, જેના કારણે સ્ટેશન વિસ્તારની શાળાને તાળાં વાગી જવાની નોબત આવી છે.

એક જ વર્ગખંડમાં 4 શિક્ષકો

બીજી તરફ, સોડત (ચુનાખાણ) પ્રાથમિક શાળામાં 2 ઓરડા અને 3 શિક્ષકો છે, જ્યાં ધોરણ 1 થી 5ના બાળકોને અભ્યાસ કરાવવામાં આવે છે. સ્ટેશન શાળાના 2 શિક્ષકો પણ ત્યાં આવતાં હવે એક જ રૂમમાં કુલ 4 શિક્ષકો બેસે છે. સ્ટેશન શાળાનું એક પણ બાળક ન આવતું હોવાથી આ બંને શિક્ષકો છેલ્લા 10 દિવસથી નવરાધૂપ બેસી રહે છે. આદિવાસી સમાજના લોકોને આ બાબતની જાણ થતાં તેઓ શાળાએ પહોંચ્યા હતા અને શિક્ષણ વિભાગના આ અંધેર વહીવટનો પર્દાફાશ કર્યો હતો.

7 શાળાઓ શિક્ષકો વિહોણી, અને બીજી તરફ આ પરિસ્થિતિ

નસવાડી તાલુકાની 7 જેટલી પ્રાથમિક શાળાઓમાં કાયમી શિક્ષકો જ નથી, ત્યારે બીજી તરફ આ પ્રકારના અયોગ્ય આયોજનના કારણે શિક્ષકોનો દુરુપયોગ થઈ રહ્યો હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. તાલુકા શિક્ષણ અધિકારી દ્વારા સ્થળ સ્થિતિની સમીક્ષા કર્યા વિના જ આડેધડ હુકમો કરવામાં આવતા હોવાનો વાલીઓએ આક્ષેપ કર્યો છે.