‘બેરોજગારીના કારણે શિક્ષિત યુવાનો દારૂના ખેપિયા બનવા મજબૂર’, સુખરામ રાઠવાના સરકાર પર પ્રહાર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Sukhram Rathwa Statement On Unemployment, Liquor Smuggling In Gujarat: રાજ્યના ગૃહમંત્રીના છોટા ઉદેપુર જિલ્લાના પ્રવાસ પૂર્વે સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને વિધાનસભાના પૂર્વ વિપક્ષી નેતા સુખરામ રાઠવાએ રાજ્ય સરકારની નીતિઓ, શિક્ષિત બેરોજગારી અને દારૂબંધીના અમલ સામે આકરા પ્રહારો કર્યા છે.
‘બેરોજગારીના કારણે યુવાનો દારૂના ખેપિયા બનવા મજબૂર’
શિક્ષિત યુવાનોની સ્થિતિ અને પોલીસની ભૂમિકા અંગે આક્ષેપ કરતાં સુખરામ રાઠવાએ જણાવ્યું હતું કે, છોટા ઉદેપુર જિલ્લામાં શિક્ષિત બેરોજગારી ચરમસીમાએ છે. રોજગારી અને ધંધાના અભાવે જિલ્લાના શિક્ષિત યુવાનો નાછૂટકે બાઈક પર દારૂના ખેપિયા બનીને પેટિયું રળવા મજબૂર બન્યા હોવાનો તેમણે દાવો કર્યો હતો.
ભાજપના મંત્રીઓના પ્રવાસ પર કટાક્ષ કરતાં સુખરામ રાઠવાએ કહ્યું હતું કે, ''ચૂંટણી નજીક આવતા હવે ભાજપના નેતાઓ છોટા ઉદેપુર જિલ્લાની મુલાકાતે આવી રહ્યા છે, ત્યારે આ યુવાનો ચિંતામાં મુકાયા છે કે પ્રવાસના ત્રણ-ચાર દિવસ દારૂનો ધંધો બંધ રહેશે તો તેમની આવકનું શું થશે?" મધ્યપ્રદેશની સરહદને અડીને આવેલા આ જિલ્લામાં દારૂની હેરાફેરી અંગે પોલીસ તંત્ર પર આક્ષેપ કરતાં તેમણે ઉમેર્યું હતું કે, પોલીસ માત્ર બણગાં ફૂંકે છે અને ગાડીઓ પકડવાને બદલે પોલીસની ગાડીઓની પાછળ જ દારૂનો માલ પસાર થતો હોવાની ચર્ચાઓ લોકમુખે છે.
‘કોણીએ ગોળ ચોંટાડવાની રાજનીતિ હવે નહીં ચાલે’
આદિવાસી વિસ્તારના રાજકીય સમીકરણો અંગે વાત કરતાં સુખરામ રાઠવાએ દાવો કર્યો હતો કે, છોટા ઉદેપુર સહિત સમગ્ર પૂર્વ પટ્ટીમાં ભાજપનું ઝડપથી ધોવાણ થઈ રહ્યું છે અને આદિવાસી સમાજ હવે સંપૂર્ણ જાગૃત થઈ ગયો છે. અગાઉ 'કોણીએ ગોળ ચોંટાડીને' જે રીતે મતો મેળવી લેવાતા હતા તે હવે શક્ય નથી.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યની 27 અનામત અને 9 પ્રભાવિત મળીને કુલ 36 બેઠકો પર આદિવાસી મતદારો નિર્ણાયક ભૂમિકા ભજવે છે. આગામી 2027ની વિધાનસભા ચૂંટણી પહેલાં આદિવાસી વિસ્તારોમાં થઈ રહેલા ભાજપના ધોવાણને ખાળવા માટે જ મુખ્યમંત્રી બાદ હવે અન્ય મંત્રીઓને 'ડેમેજ કંટ્રોલ' માટે દોડાવવામાં આવી રહ્યા હોવાનો આક્ષેપ પણ તેમણે કર્યો હતો.




