છોટા ઉદેપુર: રાયસીંગપુરામાં ત્રણ મહિનામાં ત્રણ દીપડા પાંજરે પુરાયા, બે લોકોના મોત બાદ ગ્રામજનોમાં ભય
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Chhota Udepur Leopard Attack: છોટા ઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના ડુંગરાળ અને ગાઢ જંગલ વિસ્તારથી ઘેરાયેલા રાયસીંગપુરા ગામ આસપાસ વન્યપ્રાણીઓની દહેશત સતત વધી રહી છે. છેલ્લા ત્રણ મહિનામાં આ વિસ્તારમાંથી ત્રણ દીપડા પાંજરે પુરાતા સ્થાનિકોમાં એક તરફ ભય અને બીજી તરફ રાહતનો માહોલ જોવા મળી રહ્યો છે.
દીપડાના હુમલામાં અગાઉ બે લોકોના મોત નિપજ્યા હતા
ગામ અને આસપાસના વિસ્તારમાં દીપડાના હુમલામાં અગાઉ બે વ્યક્તિઓના મોત નિપજ્યા હતા. આ ઘટનાઓ બાદ વન વિભાગ દ્વારા તાત્કાલિક પાંજરા ગોઠવવામાં આવ્યા હતા, જેમાં અગાઉ બે દીપડા ઝડપાયા હતા. દરમિયાન આજે વધુ એક ખૂંખાર દીપડો પાંજરામાં કેદ થતાં ફોરેસ્ટ વિભાગે મોટી રાહત અનુભવી છે.
જંગલ અને ડુંગર વિસ્તારમાં ખેતી કરતા સ્થાનિક ખેડૂતો દીપડાની સતત અવરજવરને કારણે ખેતરોમાં જતા ડરી રહ્યા છે, જેના કારણે ખેતીકામ પણ પ્રભાવિત થયું છે. આ ગંભીર પરિસ્થિતિ સંદર્ભે રાજ્યસભાના સાંસદ મુકેશભાઈ રાઠવાએ વન વિભાગને લેખિત તથા મૌખિક રજૂઆત કરી છે. તેમણે ગામજનોની સુરક્ષા માટે વિસ્તારમાં વન વિભાગની કાયમી ચોકી ઊભી કરવા અપીલ કરી છે.
સતત નજર રાખવા વ્યવસ્થાની માંગ
વન્યપ્રાણીઓની ગતિવિધિઓ પર સતત નજર રાખી શકાય તેવી કાયમી ટેકનિકલ અને માનવ સંસાધનની વ્યવસ્થા ઊભી કરવા માંગ ઉઠાવવામાં આવી છે. ત્રણ દીપડા પકડાવાથી હાલ પૂરતી સામૂહિક રાહત મળી છે, પરંતુ જંગલ વિસ્તાર નજીક હોવાથી કાયમી ભય રહે છે, જેથી ગ્રામજનો દ્વારા કાયમી સુરક્ષા વ્યવસ્થાની માંગણી દોહરાવવામાં આવી રહી છે.




