છોટા ઉદેપુર: આરતિયામાં 4 મહિનાથી શિક્ષક ગાયબ, મધ્યાહન ભોજનના સંચાલક બાળકોને ભણાવવા મજબૂર, ગ્રામજનોમાં આક્રોશ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Chhota Udepur News: રાજ્ય સરકાર અંતરિયાળ અને આદિવાસી વિસ્તારોમાં સારૂ શિક્ષણ પહોંચાડવાના દાવા કરી રહી છે, ત્યારે છોટા ઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકામાંથી શિક્ષણ વિભાગની પોલ ખોલતો કિસ્સો સામે આવ્યો છે. કવાંટ તાલુકાના આરતિયા ગામના રાજબા ફળિયામાં આવેલી પ્રાથમિક શાળામાં છેલ્લા ચાર મહિનાથી શિક્ષક જ ન આવતાં ગરીબ આદિવાસી બાળકોનું ભણતર રઝળી પડ્યું છે. આખરે કંટાળેલા ગ્રામજનો અને યુવાનોએ શાળાએ પહોંચી 'શિક્ષક આપો, શિક્ષક આપો'ના નારા લગાવી તંત્ર સામે ઉગ્ર રોષ વ્યક્ત કર્યો હતો.
જર્જરિત મકાનને કારણે ખેડૂતના ઘરે ચાલે છે શાળા
આરતિયા ગામમાં ધોરણ 1થી 5ની પ્રાથમિક શાળા આવેલી છે, જેમાં આશરે 6 જેટલા બાળકો અભ્યાસ કરે છે. શાળાનું પોતાનું મકાન અત્યંત જર્જરિત હોવાથી છેલ્લા ચાર વર્ષથી આ શાળા એક સ્થાનિક ખેડૂતના મકાનમાં ચલાવવામાં આવી રહી છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ, ચોમાસા અને વેકેશન પહેલાંથી લઈને આજદિન સુધી કોઈ શિક્ષક શાળાએ હાજર રહ્યા નથી.
મધ્યાહન ભોજનના સંચાલક ભણાવવા મજબૂર
શિક્ષકની ગેરહાજરી વચ્ચે શાળામાં આવતાં બાળકોને મધ્યાહન ભોજનના સંચાલક દ્વારા પ્રાથમિક અભ્યાસ કરાવવામાં આવે છે અને ત્યારબાદ તેમને બપોરનું ભોજન કરાવી ઘરે મોકલી દેવાય છે. સ્થાનિકોએ ગંભીર સવાલ ઉઠાવ્યો છે કે સરકાર દ્વારા શિક્ષકો માટે ઓનલાઈન હાજરીની વ્યવસ્થા કરવામાં આવી છે, તો છેલ્લા ચાર મહિનાથી શિક્ષક ગેરહાજર હોવા છતાં તેની ઓનલાઈન હાજરી કેવી રીતે પૂરાઈ રહી છે? ગ્રામજનોએ આ મામલે બોગસ હાજરી અંગે તટસ્થ તપાસની માગ કરી છે.
તાલુકા શિક્ષણ અધિકારીનું નિવેદન અને ગ્રામજનોનો આક્રોશ
આ અંગે તાલુકા અને જિલ્લા કક્ષાએ વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ ઉકેલ ન આવતાં ગ્રામજનોનો આક્રોશ ફાટી નીકળ્યો હતો. બીજી તરફ, આ સમગ્ર મામલે તાલુકા શિક્ષણ અધિકારીએ જણાવ્યું હતું કે, ગેરહાજર રહેતા સંબંધિત શિક્ષકને અગાઉ નોટિસ ફટકારવામાં આવી છે અને 20મી જુલાઈના રોજ શાળાની રૂબરૂ મુલાકાત પણ લેવામાં આવી હતી.
હવે જોવાનું એ રહે છે કે તંત્ર દ્વારા આદિવાસી બાળકોના ભવિષ્ય સાથે થતા આ ખિલવાડ સામે ક્યારે કડક કાર્યવાહી કરવામાં આવે છે અને શાળાને કાયમી શિક્ષક ક્યારે ફાળવવામાં આવે છે.




