છોટા ઉદેપુર: બોડેલી નર્મદા કેનાલમાં સુરક્ષા સાધનો વિના રેસ્ક્યૂ!, ટાયરની ટ્યુબના સહારે ઊંડા પાણીમાં ઉતરવા તરવૈયાઓ મજબૂર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Chhota Udepur News: છોટા ઉદેપુર જિલ્લાના બોડેલીમાંથી પસાર થતી નર્મદા કેનાલમાં અવારનવાર ડૂબી જવાના બનાવો બનતા હોય છે. આવા કટોકટીના સમયે સ્થાનિક તરવૈયાઓ માનવતાના ધોરણે અને જીવના જોખમે લોકોની બચાવ કામગીરી તેમજ મૃદદેહ શોધવા માટે તાત્કાલિક આગળ આવે છે. પરંતુ, પૂરતાં સુરક્ષા સાધનો વિના કામગીરી કરતા આ સાહસિક તરવૈયાઓની પોતાની સલામતી સામે હવે ગંભીર સવાલો ઊભા થયા છે.
ટાયરની ટ્યુબના સહારે કેનાલમાં ઉતર્યા તરવૈયા
મળતી માહિતી મુજબ, ગતરોજ બોડેલી નજીક નર્મદા કેનાલમાં એક યુવક ડૂબી જવાની ઘટના બની હતી. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક તરવૈયાઓએ શોધખોળ શરૂ કરી હતી. જોકે, આશ્ચર્ય અને ચિંતાની વાત એ હતી કે, કેનાલના ઊંડા અને ઝડપી પાણીના પ્રવાહ વચ્ચે તરવૈયાઓ માત્ર ટાયરની સામાન્ય ટ્યુબના સહારે પાણીમાં ઉતરીને શોધખોળ કરતા જોવા મળ્યા હતા.
પૂરતી સુરક્ષા સામગ્રી અને સહાય અંગે સ્પષ્ટતા જરૂરી
નર્મદા કેનાલના ઊંડા પાણી અને તેજ પ્રવાહ વચ્ચે કોઈપણ સુરક્ષા કવચ વિના શોધખોળ કરવી અત્યંત જોખમી સાબિત થઈ શકે છે. આવી સ્થિતિમાં રેસ્ક્યૂ કામગીરી કરતા તરવૈયાઓ માટે ઈમરજન્સી લાઈફ જેકેટ, સુરક્ષિત નાવડી, મજબૂત દોરડાં તેમજ અન્ય આધુનિક સાધનો ઉપલબ્ધ હોવા અત્યંત જરૂરી છે.
આ ઉપરાંત, બચાવ કામગીરી દરમિયાન જો કોઈ અનિચ્છનીય દુર્ઘટના બને તો આ સેવાભાવી તરવૈયાઓ માટે સહાય કે વળતરની કોઈ સ્પષ્ટ જોગવાઈ છે કે નહીં તે અંગે પણ તંત્રએ સ્પષ્ટતા કરવી જરૂરી બન્યું છે.
તંત્ર ક્યારે જાગશે?
સ્થાનિક લોકો અને જાગૃત નાગરિકોની માંગ છે કે, તંત્ર દ્વારા આ તરવૈયાઓને પૂરતાં સુરક્ષા સાધનો, યોગ્ય તાલીમ અને કટોકટીના સમયે તાત્કાલિક મદદ મળી રહે તેવી કાયમી વ્યવસ્થા ઊભી કરવામાં આવે. હવે જોવાનું એ રહે છે કે સ્થાનિક તંત્ર દ્વારા આ તરવૈયાઓની સુરક્ષા માટે ક્યારે અને કેવા નક્કર પગલાં લેવામાં આવે છે.




