છોટા ઉદેપુર: નસવાડીના પંખાડા ગામે ચાર વર્ષથી આંગણવાડીનું મકાન જ નથી, બાળકો પંચાયતના નાના રૂમમાં બેસવા મજબૂર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Chhota Udepur News: છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના પંખાડા ગામે છેલ્લા ચાર વર્ષથી આંગણવાડીનું મકાન ન બનતાં ભૂલકાંઓને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. મકાનના અભાવે આંગણવાડી હાલ ગ્રામ પંચાયત કચેરીના એક નાનકડા રૂમમાં ચલાવવામાં આવી રહી છે.
આંગણવાડીમાં શૌચાલય જેવી પાયાની સુવિધાનો પણ અભાવ
નાના રૂમમાં પૂરતી જગ્યા ન હોવાથી બાળકો માટે રમતગમતના સાધનો કે રમકડાં પણ રાખી શકાતાં નથી. આ ઉપરાંત, આંગણવાડીમાં શૌચાલય જેવી પાયાની સુવિધાનો પણ અભાવ છે. ગ્રામ પંચાયતની કચેરી મુખ્ય રસ્તા પર આવેલી હોવાથી બાળકોની અવરજવર સમયે સુરક્ષાને લઈને પણ ચિંતા ઊભી થાય છે.
સ્થાનિકોના જણાવ્યા મુજબ, પંખાડા ગામ માટે આંગણવાડીનું મકાન મંજૂર થયાને ચાર વર્ષ જેટલો સમય વીતી ગયો છે. સરકારી દફતરે આંગણવાડી મંજૂર હોવાનું જણાવાય છે, પરંતુ જમીન પર હજી સુધી નિર્માણ કાર્ય શરૂ થઈ શક્યું નથી.
પંખાડા ગામની વાસ્તવિકતા કંઈક અલગ
સંખેડા વિધાનસભા મતવિસ્તાર હેઠળ નસવાડી, બોડેલી અને સંખેડા તાલુકાનો સમાવેશ થાય છે. સરકારી કાર્યક્રમોમાં આદિવાસી અને છેવાડાના વિસ્તારોના વિકાસના દાવા કરવામાં આવે છે, પરંતુ પંખાડા ગામની પરિસ્થિતિ કંઈક અલગ જ વાસ્તવિકતા રજૂ કરે છે. સ્થાનિક રહીશોનો આક્ષેપ છે કે જનપ્રતિનિધિઓ દ્વારા આ વિસ્તારની મુલાકાત લઈને સમસ્યાઓ સાંભળવામાં આવતી નથી.
સરકારી સભાઓમાં કરોડો રૂપિયાના વિકાસ કામોના દાવાઓ વચ્ચે ચાર વર્ષથી મંજૂર થયેલી આંગણવાડીનું મકાન હજી સુધી ન બનતાં સ્થાનિકોમાં રોષ છે. પંખાડા ગામના બાળકોને પૂરતી જગ્યા, રમકડાં અને શૌચાલય જેવી પાયાની સુવિધાઓ ક્યારે મળશે અને આંગણવાડીનું મકાન ક્યારે તૈયાર થશે, તે અંગે ગ્રામજનો તંત્ર અને સ્થાનિક નેતૃત્વ સામે સવાલો ઉઠાવી રહ્યા છે.




