Chhota Udaipur

છોટા ઉદેપુર: નસવાડી તાલુકા અને જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્યોને વિશ્લેષણ સમિતિની નોટિસ, જાતિના દાખલાની ખરાઈ કરાશે

By GS Team
9 Aug 20262 mins read
TukuTouch Logo
છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના ST અનામત બેઠકો પર ચૂંટાયેલા કેટલાક પ્રતિનિધિઓને વડોદરા વિશ્લેષણ સમિતિ દ્વારા જાતિના દાખલાની ખરાઈ માટે નોટિસ ફટકારાતાં રાજકારણમાં ખળભળાટ મચ્યો છે. સભ્યોએ અસલ પુરાવા સાથે હાજર થવું પડશે. જો દાખલા ગેરકાયદે ઠરશે, તો સભ્યપદ ગુમાવવાનો વારો આવી શકે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

છોટા ઉદેપુર: નસવાડી તાલુકા અને જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્યોને વિશ્લેષણ સમિતિની નોટિસ, જાતિના દાખલાની ખરાઈ કરાશે

Chhota Udepur News: છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકા પંચાયત તેમજ જિલ્લા પંચાયતના અનુસૂચિત જનજાતિ (ST)ની અનામત બેઠકો પરથી ચૂંટાયેલા કેટલાક પ્રતિનિધિઓને વડોદરા વિશ્લેષણ સમિતિ દ્વારા જાતિના દાખલાની ખરાઈ કરવા માટે નોટિસ ફટકારવામાં આવતાં રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે.

અસલ પુરાવા સાથે હાજર થવા આદેશ

જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીઓ પૂર્ણ થયા બાદ ભાજપ સત્તા પર આવ્યું હતું. પરંતુ ચૂંટણી સમયે સભ્યો દ્વારા રજૂ કરવામાં આવેલા જાતિના (ST) દાખલાઓની પ્રામાણિકતા ચકાસવા માટે તંત્ર દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે. વિશ્લેષણ સમિતિની નોટિસ મળ્યા બાદ સંબંધિત તમામ ચૂંટાયેલા સભ્યોએ પોતાના જાતિના દાખલાના અસલ દસ્તાવેજો અને જરૂરી આધાર-પુરાવા સાથે સમિતિ સમક્ષ રૂબરૂ હાજર થઈને સ્પષ્ટતા કરવાની રહેશે.

સભ્યોના પદ પર સંકટના વાદળો

ચૂંટણી સમયે રજૂ કરાયેલા દસ્તાવેજો નિયમાનુસાર માન્ય છે કે કેમ, તેની સંપૂર્ણ તપાસ બાદ જ આગળની કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. નોટિસ પાઠવવામાં આવ્યા બાદ જો તપાસમાં કોઈ સભ્યનો દાખલો ગેરકાયદે કે અમાન્ય ઠરશે, તો સંબંધિત ચૂંટાયેલા પ્રતિનિધિઓનું સભ્યપદ ગુમાવવાનો વારો આવી શકે છે. આ શક્યતાને પગલે નસવાડીના સ્થાનિક રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે.

નગરપાલિકામાં પણ અગાઉ સર્જાયો હતો વિવાદ

અગાઉ છોટા ઉદેપુર નગરપાલિકામાં પણ જાતિના દાખલાને લઈને મોટો વિવાદ સામે આવ્યો હતો, જેમાં નગરપાલિકા પ્રમુખે પોતાનું પદ ગુમાવવાનો વારો આવ્યો હતો, જ્યારે અન્ય એક સદસ્યને પણ આખરી નોટિસ પાઠવવામાં આવી હોવાની ચર્ચાઓ છે.

તપાસના પરિણામ પર સૌની નજર

આ અંગે તંત્ર અને રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે વડોદરા વિશ્લેષણ સમિતિની તપાસ પૂર્ણ થયા બાદ જ અંતિમ નિર્ણય સામે આવશે કે કયા દાખલા યોગ્ય છે અને કયા અમાન્ય. આગામી દિવસોમાં આ તપાસના શું પરિણામો આવે છે અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ સામે કોઈ કડક કાર્યવાહી થાય છે કે નહીં, તેના પર સૌની નજર ટકેલી છે.