Chhota Udaipur

છોટા ઉદેપુર: બોડેલી APMCના હાટ બજારમાં મહિલાઓ અને નાના વેપારીઓ પાસેથી ₹50ની ફી વસૂલાત સામે ભારે રોષ

By GS Team
6 Sep 20262 mins read
TukuTouch Logo
છોટાઉદેપુરના બોડેલી APMC હાટ બજારમાં ગરીબ મહિલાઓ અને નાના ફેરિયાઓ પાસેથી રવિવારે 50 રૂપિયાની ફી વસૂલાય છે. સરકાર મહિલા સશક્તિકરણની વાતો કરે છે ત્યારે અહીં વાંસની વસ્તુઓ અને શાકભાજી વેચતી મહિલાઓ પાસેથી ફી લેવાતા રોષ જોવા મળ્યો છે. APMCને કપાસ ખરીદીમાંથી 1 કરોડથી વધુની વાર્ષિક આવક છતાં ગરીબો પાસેથી વસૂલાત સામે સ્થાનિકોએ જિલ્લા રજિસ્ટ્રાર પાસે તપાસની માંગ કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

છોટા ઉદેપુર: બોડેલી APMCના હાટ બજારમાં મહિલાઓ અને નાના વેપારીઓ પાસેથી ₹50ની ફી વસૂલાત સામે ભારે રોષ

Chhota Udepur News: છોટા ઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે દર રવિવારે એપીએમસી (APMC) માં ભરાતા હાટ બજારમાં ગરીબ મહિલાઓ અને નાના ફેરિયાઓ પાસેથી 50 રૂપિયાની ફી વસૂલવામાં આવતી હોવાનો આક્ષેપ થઈ રહ્યા છે. એક તરફ સરકાર દ્વારા મહિલા સશક્તિકરણ અને સ્વદેશી ચીજવસ્તુઓને પ્રોત્સાહન આપવાની વાતો કરવામાં આવે છે, ત્યારે બીજી તરફ રોજગારી મેળવવા આવતી નિર્ધાર મહિલાઓ પાસેથી જ ફી વસૂલાતા સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.

પરિવારનું ગુજરાન ચલાવતી મહિલાઓ નિશાન પર

આસપાસના ગામડાઓમાંથી મોટી સંખ્યામાં મહિલાઓ આખું અઠવાડિયું મહેનત કરીને વાંસમાંથી સુપડા, ટોપલીઓ અને હાથ બનાવટની વિવિધ વસ્તુઓ તૈયાર કરી રવિવારે બોડેલીના હાટ બજારમાં વેચવા આવે છે. કલાકોની મહેનત બાદ થોડીઘણી આવક મેળવતી આ મહિલાઓ ઉપરાંત શાકભાજી અને અન્ય નાની-મોટી ચીજો વેચતા ફેરિયાઓ પાસેથી પણ 50 રૂપિયાની વસૂલાત કરવામાં આવી રહી છે. સ્થાનિકો સવાલ ઉઠાવી રહ્યા છે કે કોઈ મોટા વેપારી ન હોય તેવા નાના કારીગરો પાસેથી આવી વસૂલાત કરવાની જરૂરિયાત શું છે?

કરોડોની આવક છતાં ગરીબો પાસેથી વસૂલાત કેમ?

સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, બોડેલી તાલુકામાં સીસીઆઈ (CCI) દ્વારા થતી કપાસની ખરીદીમાંથી જ એપીએમસીને દર વર્ષે 1 કરોડ રૂપિયાથી વધુની આવક થાય છે. જો સંસ્થા પાસે પૂરતું ભંડોળ ઉપલબ્ધ હોય તો માત્ર પોતાના પરિવારનું પેટ ભરવા આવતી ગરીબ અને મધ્યમવર્ગીય મહિલાઓ પાસેથી જ નાણાં વસૂલવાનો નિર્ણય કેટલો યોગ્ય?

જિલ્લા રજિસ્ટ્રાર પાસે તપાસની માંગ

એપીએમસી ખેડૂતો અને નાના વેપારીઓના હિત માટેની સંસ્થા હોવા છતાં આ પ્રકારે ફી વસૂલીને આવક વધારવાનું કેન્દ્ર બની રહી હોવાના આક્ષેપ સાથે લોકોમાં વિરોધનો સૂર ઉઠ્યો છે. સ્થાનિકોએ માગ કરી છે કે જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા આ સમગ્ર મામલે ત્વરિત તપાસ કરવામાં આવે અને હાટ બજારમાં ફી વસૂલવાના નિયમોની સમીક્ષા કરી નાના વેપારીઓને રાહત આપવામાં આવે.