છોટાઉદેપુર: ઉપરવાસમાં ભારે વરસાદથી બોડેલીમાં હેરણ નદી બે કાંઠે, જિલ્લામાં રેડ ઍલર્ટ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Chhota Udepur Red Alert: છોટા ઉદેપુર જિલ્લાના ઉપરવાસમાં સતત પડી રહેલા મુસળધાર વરસાદના કારણે બોડેલીમાંથી પસાર થતી હેરણ નદીમાં નવા નીરની વિપુલ આવક થઈ છે. આ સિઝનમાં પ્રથમ વખત હરણ નદી બે કાંઠે વહેતી જોવા મળતાં ગ્રામજનોમાં ક્યાંક હરખ તો ક્યાંક ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.
કોસીન્દ્રા-ચિખોદરા પાસે નદી છલકાઈ
બોડેલી તાલુકાના કોસીન્દ્રા-ચિખોદરા વિસ્તાર પાસેથી પસાર થતી હરણ નદીમાં પાણીનો પ્રવાહ નોંધપાત્ર રીતે વધ્યો છે. ઉપરવાસમાંથી સતત પાણી આવી રહ્યું હોવાથી નદીના જળસ્તરમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે.
બોડેલી પંથકમાં રાત્રે 4 ઇંચ વરસાદ, જિલ્લામાં રેડ ઍલર્ટ
હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ આજથી છોટા ઉદેપુર જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બીજી તરફ, બોડેલી પંથકમાં જ રાત્રિ દરમિયાન અંદાજે 4 ઇંચ જેટલો ખાબકેલો વરસાદ નદી-નાળાઓને છલકાવવા માટે મુખ્ય કારણ બન્યો છે.
વહીવટી તંત્રની નાગરિકોને અપીલ
સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા નાગરિકોની સુરક્ષા માટે સૂચનાઓ આપી અપીલ કરવામાં આવી છે. જેમાં નદીમાં પાણીનું સ્તર સતત વધી રહ્યું હોવાથી કિનારાના વિસ્તારોથી દૂર રહેવું. પાણીના કાળઝાળ પ્રવાહ વચ્ચે નદી-નાળા કે કોઝવે ઓળંગવાનો સાહસ ન કરવો. નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સતર્ક રહેવા અને તંત્રની સૂચનાઓનું પાલન કરવા જણાવાયું છે.









