Chhota Udaipur

છોટા ઉદેપુર: સુખી ડેમ છલોછલ હોવા છતાં 40થી વધુ ગામોના ખેડૂતો સિંચાઈના પાણીથી વંચિત, કેનાલમાં પાણી છોડવાની માગ

By GS Team
18 Oct 20262 mins read
TukuTouch Logo
છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના શિહોદ સહિત 40થી વધુ ગામોના આદિવાસી ખેડૂતો સુખી ડેમ છલોછલ ભરેલો હોવા છતાં સિંચાઈના પાણી માટે વલખાં મારી રહ્યા છે. છેલ્લા 2 વર્ષથી કેનાલમાં પાણી ન છોડાતા, કપાસ, તુવેર જેવા ઉભા પાક સુકાઈ રહ્યા છે. તંત્રની બેદરકારી અને સમારકામના અભાવે ખેડૂતોએ ઉગ્ર રજૂઆત કરી તાત્કાલિક પાણી છોડવા માંગ કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

છોટા ઉદેપુર: સુખી ડેમ છલોછલ હોવા છતાં 40થી વધુ ગામોના ખેડૂતો સિંચાઈના પાણીથી વંચિત, કેનાલમાં પાણી છોડવાની માગ

Chhota Udepur News: છોટા ઉદેપુર જિલ્લાના ખેડૂતો માટે સિંચાઈના પાણીની ગંભીર સમસ્યા સામે આવી છે. જિલ્લાના પાવીજેતપુર તાલુકાના શિહોદ સહિત 40થી વધુ ગામોના આદિવાસી ખેડૂતો સુખી ડેમમાં પૂરતું પાણી હોવા છતાં સિંચાઈના પાણી માટે વલખાં મારી રહ્યા છે. એક તરફ ચોમાસાના અંતે સુખી ડેમ છલોછલ ભરેલો છે, તો બીજી તરફ કેનાલમાં પાણી છોડવામાં ન આવતાં ખેડૂતોનો કિંમતી ઊભો પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે.

છેલ્લા બે વર્ષથી નિયમિત પાણી ન મળતું હોવાનો આક્ષેપ

આદિવાસી બહુલ અને મુખ્યત્વે ખેતી પર નિર્ભર એવા છોટા ઉદેપુર જિલ્લામાં સુખી ડેમ સિંચાઈનો મુખ્ય આધારસ્તંભ ગણાય છે. આ ડેમમાંથી નીકળતી કેનાલો દ્વારા પાવીજેતપુર અને બોડેલી તાલુકાના વિસ્તીર્ણ ખેતરોને પાણી પૂરું પાડવામાં આવે છે. જોકે, સ્થાનિક ખેડૂતોના જણાવ્યાનુસાર છેલ્લા બે વર્ષથી સિંચાઈ વિભાગ દ્વારા કેનાલમાં નિયમિત રીતે પાણી છોડવામાં આવતું નથી.

ચાલુ વર્ષે ઓછા વરસાદ અને સ્થાનિક નદી-નાળાં સુકાઈ જવાને કારણે હાલ ખેતરોમાં વાવેલા કપાસ, તુવેર, ડાંગર અને મકાઈ જેવા પાકોને સિંચાઈના પાણીની ભારે જરૂરિયાત છે, પરંતુ કેનાલ સુકીભઠ્ઠ હોવાથી પાક સુકાઈ રહ્યો છે.

તંત્રની બેદરકારી અને સમારકામમાં વિલંબ

ખેડૂતોનો ગંભીર આક્ષેપ છે કે સિંચાઈ વિભાગ દ્વારા કેનાલની સમયસર મરામત અને સફાઈ કામગીરી કરવામાં આવતી નથી. તંત્રની આ ઘોર બેદરકારીના કારણે ડેમ સંપૂર્ણ ભરાયેલો હોવા છતાં કેનાલ વાટે છેવાડાના ખેતરો સુધી પાણી પહોંચી શકતું નથી.

પાણીના અભાવે આર્થિક નુકસાનની ભીતિ સેવતા પાવીજેતપુર તાલુકાના ખેડૂતોએ એકત્ર થઈને તંત્ર વિરુદ્ધ જોરદાર સૂત્રોચ્ચાર કર્યા હતા અને પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. ખેડૂતોએ માંગ કરી છે કે તંત્ર દ્વારા વિલંબ કર્યા વિના તાત્કાલિક કેનાલમાં સિંચાઈનું પાણી છોડવામાં આવે, જેથી સુકાઈ રહેલા પાકને બચાવી શકાય.

હાલ શિહોદ સહિત આસપાસના 40થી વધુ ગામોના જગતના તાત પાણીની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. હવે જોવાનું એ રહે છે કે સિંચાઈ વિભાગ ક્યારે જાગે છે અને ખેડૂતોની આ વિકટ સમસ્યાનો ઉકેલ લાવે છે.