છોટા ઉદેપુર: નસવાડીની અશ્વિન નદી સતત બીજા દિવસે પણ બે કાંઠે વહેવા લાગી, 3 ગામ સંપર્ક વિહોણા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Heavy Rainfall In Chhota Udepur: ભારે વરસાદને કારણે છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી પંથકમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. નસવાડીમાંથી પસાર થતી અશ્વિન નદીમાં સતત બીજા દિવસે પણ પૂર જેવી સ્થિતિ જોવા મળી છે અને નદી બે કાંઠે વહેવા લાગી છે. નસવાડી પંથકમાં હજુ પણ સતત વરસાદ ચાલુ રહેતાં નદી કિનારાના વિસ્તારોમાં ચિંતાનો માહોલ છે.
કૂકાવટી પાસે બની રહેલા નવા બ્રિજના પીલર પાણીમાં ગરકાવ
અશ્વિન નદીમાં પાણીની આવક વધી જતાં તેની સીધી અસર ગ્રામ્ય વિસ્તારો પર પડી રહી છે. નદીમાં ઘોડાપૂર આવવાના કારણે આસપાસના 3 ગામોનો સંપર્ક તૂટી ગયો છે, જેના કારણે ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા છે. કૂકાવટી ગામે બની રહેલા નવા બ્રિજના પીલરના ટોપ લેવલ સુધી પાણી પહોંચી ગયું હતું, જે નદીમાં પાણીના પ્રચંડ પ્રવાહની સાક્ષી પૂરે છે.
કિનારાના લોકોને સાવચેત રહેવા તંત્રની અપીલ
ઉપરવાસમાં થઈ રહેલા ધોધમાર વરસાદ અને નસવાડીમાં સતત વરસી રહેલા વરસાદને પગલે તંત્ર દ્વારા નદી કિનારે રહેતા લોકોને સાવચેત કરવામાં આવ્યા છે. નદીના પટમાં ન જવાની અને સલામત સ્થળે રહેવાની સૂચના આપીને નીચાણવાળા વિસ્તારો પર સતત નજર રાખવામાં આવી રહી છે.









