Chhota Udaipur

છોટા ઉદેપુર: બોડેલીમાં નંબર વગરની ટ્રકે મોપેડચાલકને કચડ્યો, યુવાનનું ઘટનાસ્થળે જ મોત

By GS Team
4 Jul 20262 mins read
TukuTouch Logo
બોડેલીમાં આજે (4 જુલાઈ) છોટાઉદેપુર રોડ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. નંબર વગરની રેતી ભરેલી ટ્રકે મોપેડચાલક યુવાનને અડફેટમાં લેતા, ટ્રકના વ્હીલ નીચે કચડાઈ જવાથી યુવાનનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જી ટ્રકચાલક ફરાર થયો હતો. બોડેલી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સ્થાનિકોમાં પોલીસની ઢીલી નીતિ સામે ભારે રોષ જોવા મળ્યો.

Summarized by AI; it may make mistakes. Check important info

છોટા ઉદેપુર: બોડેલીમાં નંબર વગરની ટ્રકે મોપેડચાલકને કચડ્યો, યુવાનનું ઘટનાસ્થળે જ મોત

Bodeli Accident News: બોડેલીમાં છોટા ઉદેપુર રોડ પર આજે (ચોથી જુલાઈ) ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. રેતી ભરવા જતી એક નંબર વગરની ટ્રકે મોપેડચાલક યુવાનને અડફેટમાં લેતા, યુવાનનું ટ્રકના તોતિંગ વ્હીલ નીચે કચડાઈ જવાથી ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ ચાલક ટ્રક મૂકીને ફરાર થઈ ગયો હતો.

કેવી રીતે સર્જાયો અકસ્માત?

મળતી માહિતી અનુસાર, યુવાન પોતાની મોપેડ લઈને બોડેલી અલીપુરા ચાર રસ્તાથી છોટા ઉદેપુર તરફ જઈ રહ્યો હતો. આ દરમિયાન પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલી એક નંબર વગરની ટ્રકે મોપેડને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર વાગતા જ યુવાન રોડ પર પટકાયો હતો અને ટ્રકના પાછળના તોતિંગ વ્હીલ તેના માથા પરથી ફરી વળ્યા હતા. અકસ્માત એટલો ભયાનક હતો કે યુવાનનું ઘટનાસ્થળે જ પ્રાણપંખેરૂ ઊડી ગયું હતું.

પોલીસ તપાસ અને સ્થાનિકોમાં રોષ

ઘટનાની જાણ થતાં જ બોડેલી પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને મૃતક યુવાનની ઓળખ મેળવવાના ચક્રો ગતિમાન કર્યા હતા. અકસ્માત સર્જીને નાસી છૂટેલા ટ્રકચાલક વિરૂદ્ધ ગુનો નોંધી તેને પકડવા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ અકસ્માતને પગલે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. બોડેલી પંથકમાં ખુલ્લેઆમ પોલીસની નજર સામેથી અનેક નંબર વગરના વાહનો અને ડમ્પર-ટ્રકો પસાર થાય છે, છતાં પોલીસ દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી. તંત્રની આ જ આડોડાઈ અને ઢીલી નીતિના કારણે આજે એક નિર્દોષ યુવાને પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે.