VIDEO: છોટા ઉદેપુરમાં પહેલા જ વરસાદમાં રૂ. 1300 કરોડનો હાઈવે ધોવાયો, ખેતરો જળબંબાકાર, લુણાદરા ગામ સંપર્કવિહોણું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Chhota Udepur NH 56 Damagedin First Rain: છોટાઉદેપુર જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી સાથે જ તંત્ર અને કોન્ટ્રાક્ટરોની પ્રી-મોન્સૂન કામગીરીના ધજાગરા ઉડી ગયા છે. નસવાડીથી બોડેલી વચ્ચે રૂ. 1,300 કરોડના અધધ ખર્ચે બની રહેલા નેશનલ હાઈવે 56 (NH 56)ની નબળી કામગીરી પ્રથમ વરસાદમાં જ છતી થઈ ગઈ છે. હાઈવે પહોળો કરવા માટે કરાયેલા માટી પુરાણ અને પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થાના અભાવે મુખ્ય માર્ગો અને ખેતરોમાં પૂર જેવા દ્રશ્યો સર્જાયા છે, જેના કારણે સ્થાનિક ગ્રામજનો અને ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.
લુણાદરા ગામનો એકમાત્ર રસ્તો બંધ: 1,200 ની વસ્તી મુશ્કેલીમાં
બોડેલી તાલુકાના લુણાદરા ગામે જવા માટેનો એકમાત્ર મુખ્ય રસ્તો વહેલી સવારથી જ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. નેશનલ હાઈવેની કામગીરી દરમિયાન પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા ન કરાતા આ પરિસ્થિતિ સર્જાઈ છે. આ ગામમાં આશરે 1,200 જેટલા લોકોની વસ્તી છે. પ્રથમ વરસાદમાં જ જો રસ્તો બંધ થઈ ગયો હોય, તો આગામી દિવસોમાં ભારે વરસાદ દરમિયાન કોઈ મેડિકલ ઈમરજન્સી આવે તો ગ્રામજનોનું શું? તેવો મોટો સવાલ ઉભો થયો છે. જો હજુ વધુ વરસાદ પડશે તો ગામની સ્થિતિ અત્યંત દયનીય બને તેવી ભીતિ સેવાઈ રહી છે.
નસવાડી-કોસીંદ્રા વચ્ચે હાઈવે બન્યો મુસીબત: ખેતરો બન્યા તળાવ
બીજી તરફ, નસવાડી અને કોસીંદ્રા વચ્ચે બનેલા નેશનલ હાઈવેની આજુબાજુના વિસ્તારોમાં પણ સ્થિતિ ગંભીર છે. હાઈવેની સાઈડમાં યોગ્ય ગટર કે ગરનાળા ન બનાવવાને કારણે વરસાદી પાણી રોડ પરથી સીધા ખેડૂતોના ખેતરોમાં ઘૂસી ગયા છે. પ્રથમ વરસાદમાં જ હજારો વીઘા ખેતરો તળાવમાં ફેરવાઈ ગયા છે. છતાં જવાબદાર એન્જિનિયરો કે અધિકારીઓએ ઘટનાસ્થળે ડોકિયું કરવાની પણ તસદી લીધી નથી.
સૌથી મોટી આફત એ ખેડૂતો પર આવી છે જેમણે તાજેતરમાં જ મોંઘા બિયારણ લાવીને વાવણી કરી હતી. પાણીના તેજ પ્રવાહમાં ખેડૂતોએ વાવેલું બિયારણ ધોવાઈ ગયું છે, જેથી જગતના તાતને પડતા પર પાટું જેવી સ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે. હાઈવેની સાઈડમાં આવેલા ખેતરોમાં પ્રથમ વરસાદે જ મોટું નુકસાન થયું છે. લુણાદરા ગામનો મુખ્ય માર્ગ બંધ થઈ ગયો છે, અને ખેડૂતોના પાક ધોવાઈ ગયા છે. તંત્રની આ ઘોર બેદરકારી અને આયોજન વગરની કામગીરીને કારણે રોષે ભરાયેલા સ્થાનિકો અને ખેડૂતો અત્યારે વહેલી તકે પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં આવે તેવી ઉગ્ર માગ કરી રહ્યા છે.









