છોટા ઉદેપુર: નસવાડી તાલુકામાં મનરેગાના 14 પંચાયત ઘરો છેલ્લા 4 વર્ષથી અધૂરા, ફાઈલો ક્લોઝ કરવા તંત્રની કવાયતથી વિવાદ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Chhota Udepur News: છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના (મનરેગા) હેઠળ નિર્માણ પામી રહેલા પંચાયત ઘરોના કામોમાં મોટા પાયે ગેરરીતિ અને અનિયમિતતા સામે આવી છે. તાલુકામાં છેલ્લા ચાર વર્ષથી અંદાજે 14 જેટલા પંચાયત ઘરોનું કામ અધૂરું લટકી રહ્યું છે. લાખો રૂપિયાનો ખર્ચ કરવા છતાં બિલ્ડિંગો અધૂરાં હોવાથી સ્થાનિક રાજકારણ અને પ્રશાસનમાં ગરમાવો આવી ગયો છે.
સ્થળ પર કામ અધૂરું, મટીરીયલના બિલો ચૂકવાઈ ગયા!
મળતી માહિતી અનુસાર, આ પંચાયત ઘરો પાછળ મનરેગા યોજના હેઠળ અંદાજે 50 લાખ રૂપિયા જેટલો માતબર ખર્ચ કરી દેવામાં આવ્યો છે. આક્ષેપ થઈ રહ્યો છે કે અગાઉના સમયગાળામાં જવાબદાર અધિકારીઓ અને કર્મચારીઓએ કચેરીમાં બેસીને જ સ્થળ તપાસ કર્યા વિના મટીરીયલના નામે બિલો મંજૂર કરીને ચુકવણી પણ કરી દીધી છે. વાસ્તવિક સ્થિતિ એ છે કે કાગળ પર ખર્ચ થઈ ચૂક્યો છે પરંતુ સ્થળ પર કામગીરી અધૂરી પડી છે.
જી-રામજી યોજના પૂર્વે ફાઈલો બંધ કરવાનો ખેલ?
15મી ઓગસ્ટથી 'જી-રામજી' યોજના શરૂ થવાની ચર્ચા વચ્ચે, તંત્ર દ્વારા મનરેગા યોજનાની આ અધૂરી ફાઈલોને કમ્પ્લિશન સર્ટિફિકેટ (CC)ના આધારે ચોપડે બંધ કરવાની ગતિવિધિઓ તેજ કરી દેવામાં આવી છે. જેને પગલે સવાલ ઉઠાઈ રહ્યો છે કે, જો સ્થળ પર કામગીરી અધૂરી હોય તો માત્ર કાગળ પર ફાઈલો બંધ કરી દેવાથી સરકારી નાણાંનો હિસાબ કેવી રીતે પૂર્ણ ગણાશે?
નવા સરપંચો, તલાટીઓ અને ગ્રામજનો મુશ્કેલીમાં
નવા ચૂંટાયેલા સરપંચોના આક્ષેપ મુજબ, અગાઉના સરપંચો કામ અધૂરું છોડીને જતા રહ્યા હતા અને હવે નવા સરપંચોની મુદત પણ પૂરી થવા આવી છે છતાં સ્થિતિ જસની તસ છે. પંચાયત ઘરો ન હોવાને કારણે તલાટી મંત્રીઓને બેસવાની યોગ્ય સુવિધા મળતી નથી અને ગ્રામજનોને પોતાના સરકારી કામકાજ માટે હાલાકી ભોગવવી પડી રહી છે. સ્થાનિકોનું માનવું છે કે નસવાડી તાલુકા સહિત સમગ્ર છોટા ઉદેપુર જિલ્લામાં મનરેગા હેઠળ બનેલા પંચાયત ઘરો અને આંગણવાડીના કામોની તટસ્થ સ્થળ તપાસ કરાય તો મોટું કૌભાંડ બહાર આવી શકે છે.
સ્થાનિકો અને ગ્રામજનોના સવાલો
•સરકારી નાણાં વપરાઈ ગયા છતાં ચાર-ચાર વર્ષથી કામગીરી અધૂરી કેમ?
•ભૌતિક કામ પૂર્ણ થયા વિના મટીરીયલના બિલોની ચુકવણી કોના ઈશારે થઈ?
•ચાર વર્ષ સુધી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી (DRDA) દ્વારા કસૂરવારો સામે કોઈ કાર્યવાહી કેમ ન કરાઈ?
•ફાઈલો બંધ કરતા પહેલા સરકારી નાણાંના હિસાબની જવાબદારી કોની નક્કી થશે?
તટસ્થ તપાસ અને કાર્યવાહીની માંગ
સ્થાનિક ગ્રામજનો અને આગેવાનોએ માંગ કરી છે કે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સમગ્ર મામલાની ગંભીર નોંધ લે, તમામ ૧૪ અધૂરા પંચાયત ઘરોની રૂબરૂ સ્થળ તપાસ કરાવે અને કાગળ પર ફાઈલો બંધ કરતા પહેલાં અત્યાર સુધી ખર્ચાયેલા સરકારી નાણાંની જવાબદારી નક્કી કરી અધૂરાં કામો તાત્કાલિક પૂર્ણ કરાવવામાં આવે.




