Chhota Udaipur

VIDEO| છોટા ઉદેપુર: શાળામાં કેમેરા પર બેન, પણ સરકારી કાર્યક્રમમાં વિદ્યાર્થીઓની વીડિયોગ્રાફી? ખુરશીઓ ભરવા બાળકોનો ઉપયોગ!

By GS Team
24 Oct 20262 mins read
TukuTouch Logo
છોટા ઉદેપુરના પાવીજેતપુરમાં 7 કરોડના ST ડેપોના ખાતમુહૂર્ત કાર્યક્રમમાં ખુરશીઓ ખાલી રહેતા અધિકારીઓના જીવ તાળવે ચોંટી ગયા હતા. સ્થાનિકો અને કાર્યકરોની પાંખી હાજરીને કારણે સરકારી કાર્યક્રમ ફ્લોપ થવાના આરે હતો. પરિણામે, ભીડ બતાવવા નજીકની પ્રાથમિક શાળાના માસૂમ બાળકોને અભ્યાસ છોડાવીને કાર્યક્રમમાં બેસાડી દેવાયા હતા. શિક્ષણ વિભાગના પરિપત્રનો ભંગ થતાં વાલીઓમાં રોષ ફેલાયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

VIDEO| છોટા ઉદેપુર: શાળામાં કેમેરા પર બેન, પણ સરકારી કાર્યક્રમમાં વિદ્યાર્થીઓની વીડિયોગ્રાફી? ખુરશીઓ ભરવા બાળકોનો ઉપયોગ!

Children Called For Government Program Pavijetpur: છોટા ઉદેપુર જિલ્લાના સૌથી મોટા અને આશરે 150 ગામોનું કેન્દ્ર ગણાતા પાવીજેતપુર ખાતે રૂ. 7 કરોડના ખર્ચે નિર્માણ પામનારા નવતર એસ.ટી. ડેપોનું ખાતમુહૂર્ત યોજાયું હતું. જો કે, આ સરકારી પ્રોજેક્ટના ખાતમુહૂર્ત કરતાં પણ વધુ ચર્ચા કાર્યક્રમમાં સર્જાયેલા 'ફ્લોપ શો' અને તંત્રની ગંભીર બેદરકારીની થઈ રહી છે.

સ્થાનિકો-કાર્યકરો ગાયબ, ખુરશીઓ ભરવા બાળકોનો ઉપયોગ!

સ્થાનિક વર્તુળો અનુસાર, ખાતમુહૂર્તના આ કાર્યક્રમમાં સ્થાનિક જનતા તો પાંખી હાજરીમાં હતી જ, પરંતુ સત્તાપક્ષ ભાજપના સ્થાનિક કાર્યકરો પણ જાણે આ વિકાસકામમાં રસ ન હોય તેવો ઘાટ સર્જાયો હતો. મંડપમાં અડધાથી વધુ ખુરશીઓ ખાલીખમ દેખાતાં અધિકારીઓના જીવ તાળવે ચોંટી ગયા હતા. આખરે 'ભીડ' બતાવવા અને ખુરશીઓ ભરવા માટે નજીકની પ્રાથમિક શાળાના માસૂમ બાળકોને અભ્યાસ છોડાવીને સરકારી કાર્યક્રમમાં લાવી બેસાડી દેવાયા હોવાના ગંભીર આક્ષેપો ઊઠ્યા છે.

શિક્ષણ વિભાગના બેવડા ધોરણો ખુલ્લા પડ્યા

આ ઘટના સામે આવતાં જ જાગૃત નાગરિકો અને વાલીઓમાં ભારે આક્રોશ ફેલાયો છે. હજુ ગઈકાલે જ રાજ્યના શિક્ષણ વિભાગે શાળાઓમાં વાલીઓ સિવાયના ત્રાહિત વ્યક્તિઓના પ્રવેશ, વીડિયોગ્રાફી અને ફોટોગ્રાફી પર પ્રતિબંધ મૂકતો કડક પરિપત્ર જાહેર કર્યો હતો. બીજી તરફ, સરકારી કાર્યક્રમની શોભા વધારવા શાળાના બાળકોને વર્ગખંડમાંથી બહાર લઈ જઈને નેતાઓની સભામાં બેસાડવામાં આવ્યા. અને ફોટોજીવી નેતાઓ આવે તો કાર્યક્રમમાં વીડિયોગ્રાફી પણ થાય જ. સ્વાભાવિક છે કે કાર્યક્રમમાં બેઠેલા વિદ્યાર્થીઓની પણ વીડિયોગ્રાફી થઈ જ હોય. તો પછી શું આવી છૂટછાટ ચાલે? શું આ બાળકોની વીડિયોગ્રાફી એ કાયદાનો ભંગ ન ગણાય? તેવા સવાલો પણ ઉઠી રહ્યા છે.

Gujarat Samachar - 2026-10-24T155215.265.png

જો બાળકો સાથે અકસ્માત થાય તો જવાબદાર કોણ?

વાલીઓ સવાલ ઉઠાવી રહ્યા છે કે, બાળકોને શાળામાંથી આ રીતે કાર્યક્રમ સ્થળે લાવવા-લઈ જવા દરમિયાન કે કાર્યક્રમમાં કોઈ અપ્રિય ઘટના કે અકસ્માત સર્જાય, તો તેની જવાબદારી કોની? શું કાયદા અને પરિપત્રો માત્ર સામાન્ય નાગરિકો, વાલીઓ અને શિક્ષકોને ડરાવવા માટે જ બનાવવામાં આવે છે?

જો શાળાઓમાં મંજૂરી વિના વીડિયો બનાવવા બદલ BNS કે POCSO જેવી કાયદાકીય ધમકીઓ અપાતી હોય, તો માસૂમ બાળકોને સભામાં લાવનારા જવાબદાર અધિકારીઓ અને નેતાઓ સામે તંત્ર કાયદેસરની નિષ્પક્ષ કાર્યવાહી કરવાની હિંમત દાખવશે ખરું?