VIDEO: છોટા ઉદેપુરના ચલામલીમાં મોડી રાત્રે યુવકે દુકાનના શટરની ધારમાં પેટ્રોલ નાખી આગ ચાંપી, ચોંકાવનારા CCTV વાઈરલ!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Chhotaudepur Chalamali Arson Incident: છોટા ઉદેપુર જિલ્લાના બોડેલીના ચલામલી ગામે આવેલી 'શ્રી ગણેશ જનરલ સ્ટોર' નામની અનાજ-કરિયાણાની દુકાનમાં રાતના અંધારામાં એક અજાણ્યા શખસે કાળો કેર વર્તાવ્યો. દુકાનના શટર પર પેટ્રોલ જેવો જ્વલનશીલ પદાર્થ છાંટ્યો અને આગ ચાંપીને ક્ષણવારમાં નાસી છૂટયો, પ્રાથમિક અનુમાન મુજબ અંગત અદાવતના કારણે કરાયેલા આ કૃત્યમાં દુકાનદારને દોઢ થી બે લાખનું નુકસાન થયું છે.
શું છે સમગ્ર ઘટના?
દુકાનદાર ભલાભાઈ તડવી પોતાના ઘરેથી રાત્રે 12 વાગ્યાના સુમારે ફોનમાં દુકાનના સીસીટીવી લાઈવ જોઈ રહ્યા હતા. એ જ સમયે તેમને દુકાનમાંથી ધુમાડો નીકળતો હોવાની શંકા ગઇ. તેમણે તુરંત જ પાડોશમાં રહેતા દરજી કિરણભાઈને ફોન કરીને તપાસ કરવા કહ્યું. કિરણભાઈએ સ્થળ પર જઈને જોયું તો દુકાનમાંથી મોટો ધુમાડો નીકળી રહ્યો હતો! બનાવની જાણ થતાં જ ભલાભાઈ અને ગામલોકો ભેગા થઈ ગયા અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો. પણ ત્યાં સુધીમાં તો દુકાનનો સામાન બળીને ખાખ થઈ ચૂક્યો હતો! દુકાનદારના જણાવ્યા મુજબ, આગની આ ઘટનામાં અંદાજે દોઢથી બે લાખ રૂપિયાનો સામાન બળીને રાખ થઈ ગયો છે. પણ જ્યારે દુકાનમાં લાગેલા સીસીટીવીના ફૂટેજ ચેક કરવામાં આવ્યા, ત્યારે સત્ય સામે આવ્યું!
આગ લગાડીને યુવક થયો રફુચક્કર
વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે એક અજાણ્યો શખ્સ દુકાન નજીક આવે છે, શટર પર અને દુકાનની અંદર પેટ્રોલ જેવો પદાર્થ છાંટે છે અને આગ લગાડીને રફુચક્કર થઈ જાય છે! કોઈ અંગત અદાવતમાં દુકાનદારને આર્થિક બરબાદ કરવાનો આ પ્રયાસ કરાયો હોવાનું સામે આવી રહ્યું છે. હાલ તો દુકાનદારે સીસીટીવીના આધારે યુવક સામે કડકમાં કડક કાર્યવાહી કરવા પોલીસ તંત્ર પાસે માંગ કરી છે!
દુકાનદાર ભલાભાઈ તડવીએ કહ્યું કે-
'હું ચલામલી ગામમાં કરિયાણાની દુકાન ચલાવું છું, રાત્રે 11:00 થી 12:00 વાગ્યા સુધીમાં કોઈ અજાણ્યા વ્યક્તિએ મારી દુકાનની શટરમાં પેટ્રોલ છાંટીને રાત્રે આગ લગાડી છે. તેમાં મારા દુકાનનો સામાન દોઢ થી બે લાખનો સામાન મારો બળીને ખાખ થઈ ગયો છે. એટલે પોલીસ તંત્રને મારી એટલી માંગ છે મારી દુકાનની જે આગ લગાડી છે એ વ્યક્તિને જલ્દીથી જલ્દી પકડીને એને કાયદેસરની કાર્યવાહી કરીને માલ રિકવરી કરાવે, અમારી દુકાનમાં સીસીટીવી કેમેરા લાગેલા છે. જેમાં આગ લગાડનાર શખ્સ કેદ થયો છે.'




