રાખ થઈ ગયા સપના, બોડેલીના પાટણા ગામે ભીષણ આગે છીનવ્યા ત્રણ પરિવારોના આશિયાના
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Bodeli Fire News: છોટા ઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના પાટણા ગામે અચાનક લાગેલી ભીષણ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં ત્રણ રહેણાંક મકાનો બળીને ખાખ થઈ ગયા હતા. આગ એટલી ભયાનક હતી કે મકાનોમાં રહેલી ઘરવખરી, અનાજ તેમજ ઢોરો માટે સંગ્રહ કરી રાખેલો ચારો પણ આગની લપેટમાં આવી સંપૂર્ણપણે બળી ગયો હતો.
પરિવારોની વર્ષોની મહેનતની મૂડી રાખ
પ્રાથમિક માહિતી મુજબ આગની ઘટનામાં સુભાષભાઈ મનાભાઈ બારિયા, મહેન્દ્રભાઈ ચંદુભાઈ બારિયા અને નગીનભાઈ રામજીભાઈ બારિયાના મકાનો હોવાનું જાણવા મળ્યું છે. આગના કારણે પરિવારોની વર્ષોની મહેનતની મૂડી પળવારમાં રાખ થઈ જતા પીડિત પરિવારો સાથે ગામમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું હતું. ઘટનાની જાણ થતાં બોડેલી બજાર સમિતિનું ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે દોડી આવ્યું હતું, પરંતુ ફાયર બ્રિગેડ પહોંચે તે પહેલાં જ આગે ત્રણેય મકાનોને સંપૂર્ણપણે પોતાની ઝપેટમાં લઈ લીધાં હતાં અને મકાનો રાખ થઈ ગયા હતા.
સરકાર સહાય કરે તેવી માંગ
આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી. સ્થાનિક લોકો અને ફાયર બ્રિગેડના જવાનોએ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. ઘટનામાં જાનહાનિ થઈ હોવાની કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી, જોકે લાખો રૂપિયાનું નુકસાન થયાની પ્રાથમિક વિગતો સામે આવી છે. અસરગ્રસ્ત પરિવારોને સરકાર તરફથી તાત્કાલિક સહાય આપવામાં આવે તેવી ગ્રામજનોએ માંગ ઉઠાવી છે.









